યુનિવર્સિટી રોડ, એસ્ટ્રોન ચોક, મવડી રોડ, શહેરના પ્રવેશ દ્વારો પર વાહનોની કતારો લાગી ગઇ
ભાદરવા મહિના મેઘરાજા રૌદ્ર સ્વરૂપ ધારણ કરી સૌરાષ્ટ્રભરમાં તબાહી સર્જી રહ્યાં છે ત્યારે રંગીલા રાજકોટમાં પણ મોડીરાતથી મેઘતાંડવ શરૂ થયું છે. જેમાં આજે બપોરે અડધો કલાક સુધી મુશળધાર વરસાદે પ્રિ-મોન્સૂનની પોલ ખોલી નાખી છે. એક તરફ શહેરની ચારે બાજુ ઓવરબ્રીજના કામ ચાલી રહ્યા છે અને અમૂક રાજમાર્ગો વાહન વ્યવહાર માટે ચાલુ છે ત્યારે આજે બપોરે મેઘતાંડવના કારણે શહેરના અનેક વિસ્તારમાં ટ્રાફિકના ચક્કાજામ સર્જાયા હતાં.
રાજકોટમાં મોડીરાતથી વહેલી સવાર સુધી મેઘરાજાએ તાંડવ કર્યા બાદ સવારના ભાગે મેઘાએ વિરામ લીધો હતો અને બપોરે ઓચિંતા રૌદ્ર સ્વરૂપ ધારણ કરી લેતા શહેરભરના રાજમાર્ગો પાણી-પાણી થઇ ગયા હતા અને ઠેક-ઠેકાણે ગોઠણથી લઇને કેડ સમાણા પાણી ભરાઇ ગયા હતાં.
મેઘાનું રૌદ્ર સ્વરૂપ જોઇને શહેરીજનો પણ વરસતા વરસાદમાં વહેલાસર ઘરે પહોંચી જવા રાજમાર્ગો પર ઉતરી પડતા ઠેકઠેકાણે ટ્રાફિકના ચક્કાજામ સર્જાયા હતાં.
યુનિવર્સિટી રોડ પર આકાશવાણી ચોકથી લઇને કોટેચા ચોક સુધી બંને તરફ વાહનોના થપ્પા લાગી ગયા હતા જ્યારે મહિલા કોલેજથી લઇને કોટેચા ચોક સુધી પણ વાહનોની કતાર લાગી ગઇ હતી.
આ ઉપરાંત એસ્ટ્રોન ચોકથી લઇને વિરાણી ચોક અને યાજ્ઞિક રોડ પર પણ ટ્રાફિક જામ સર્જાયો હતો જ્યારે મવડી રોડ, જામનગર રોડ, રૈયા રોડ, માધાપર ચોકડી સહિતના શહેરને જોડતા તમામ પ્રવેશ દ્વારો જેવા કે ગોંડલ રોડ ચોકડી, આજીડેમ ચોકડી, ગ્રીનલેન્ડ ચોકડીએ પણ ટ્રાફિક જામ થતા લોકો ફસાઇ ગયા હતાં.