શહેરમાં એકધારા વરસાદથી જળબંબાકાર જેવી સ્થિતિ: રાજમાર્ગો પર ગોઠણડુબ પાણી ભરાયા, નીચાણવાળા વિસ્તારમાંથી લોકોનું સ્થળાંતર
રેડ એલર્ટ વચ્ચે ગત મધરાતથી રાજકોટ શહેરમાં વરસી રહેલા અનરાધાર વરસાદના કારણે શહેરમાં જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ જવા પામી છે. આજી ડેમ 1 ફૂટે ઓવરફલો થઈ રહ્યો હોવાના કારણે આજી નદીમાં ઘોડાપુર આવ્યા છે. શહેરના મધ્યમાંથી પસાર થતી આજીએ રોદ્રરૂપ ધારણ કરી લીધુ છે. રામનાથ મહાદેવ મંદિર અડધુ પાણીમાં ગરકાવ થઈ ગયું છે.
રાજમાર્ગો પર ગોઠણડુબ પાણી ભરાયા છે. નીચાણવાળા વિસ્તારોમાંથી લોકોનું સલામત સ્થળે સ્થળાંતર કરવામાં આવ્યું છે. હજુ 24 કલાક ભારે વરસાદની આગાહી વચ્ચે તંત્ર એલર્ટ મોડમાં આવી ગયું છે. થોડી-થોડીવારે મેઘરાજા વિરામ લેતા હોવાના કારણે સ્થિતિ વિકટ બનતી અટકી જાય છે.
સૌરાષ્ટ્ર સહિત સમગ્ર ગુજરાતમાં આગામી બે દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી આપવામાં આવી છે. ખાસ કરીને રાજકોટમાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. ગત મધરાતથી શહેરમાં વીજળીના કડાકા ભડાકા સાથે મેઘો વરસી રહ્યો છે. આજે બપોર સુધીમાં 5 ઈંચ વરસાદ પડ્યો છે અને હજુ વરસાદ સતત ચાલુ છે.
છેલ્લા 1 પખવાડિયાથી ઓવરફલો થઈ રહેલો આજી ડેમ આજે સવારે સવા ફૂટની સપાટીએ ઓવરફલો થતો હોવાના કારણે આજી નદીમાં ઘોડાપુર આવી ગયા હતા. નદી બે કાંઠે વહી રહી હતી. ફરી એક વખત ચોમાસાની સીઝનમાં મેઘરાજાએ રામનાથ મહાદેવનો જલાભિષેક ર્ક્યો હતો.
ભારે વરસાદના કારણે ટ્રાફિકજામની સમસ્યા સર્જાઈ હતી. શહેરમાં ચાર સ્થળોએ વૃક્ષો ધરાશાયી થયા હતા અને પાણી ભરાયાની ફરિયાદો પણ નોંધાઈ હતી. નીચાણવાળા વિસ્તારમાં લોકોના ઘરમાં પાણી ઘુસવાના કારણે 150 જેટલા વ્યક્તિઓનું સલામત સ્થળે સ્થળાંતર કરવાની ફરજ પડી હતી.
એકધારા વરસાદના કારણે સ્થિતિ વધુ ચિંતાજનક બની રહી છે. તમામ જળાશયો ભરેલા હોવાના કારણે હવે સામાન્ય વરસાદમાં પણ નદીમાં ઘોડાપુર આવી જાય છે. જો કે, શહેરમાં સવારથી મેઘરાજા વરસી ચોક્કસ રહ્યાં છે પરંતુ સમયાંતરે મેઘવિરામના કારણે સ્થિતિ વધુ વિકટ બનતી અટકી જાય છે. અલગ અલગ રાજમાર્ગો પર હાલ બ્રિજ બનાવવાની કામગીરી ચાલુ હોવાના કારણે ડાયવર્ઝન કાઢવામાં આવ્યા છે. જેથી ભારે વરસાદમાં ટ્રાફિકજામની સમસ્યા પણ સર્જાવા પામી હતી.