ગ્રીન ફટાકડા મુદ્દે તજજ્ઞોની કમિટી સર્વસંમતિ સાધે તો જ સુપ્રીમ આપશે મંજૂરી
સુપ્રીમ કોર્ટના જસ્ટિસ એમ.આર. શાહ અને એ.એસ. બોપન્નાની ખંડપીઠે મહત્વપૂર્ણ અવલોકન કરતા કહ્યું છે કે, પ્રતિબંધ હોવા છતાં લગ્ન-પ્રસંગ, ધાર્મિક આયોજનો સહિતના કાર્યક્રમમાં ફટાકડા ફોડી આતશબાજી કરાતી હોય છે. ચૂંટણી જીત્યા બાદ પણ આતશબાજી કરવામાં આવે છે. પ્રતિબંધિત હોવા છતાં ફટાકડા ફૂટતાં હોય તો તેને રોકવાની જવાબદારી પોલીસ ખાતાની છે પરંતુ જેમની પાસે નિયમોના પાલન કરાવવાની જવાબદારી છે તેઓ જ નિયમો તોડે છે.
સુપ્રીમે કહ્યું છે કે, ફટાકડા પર પ્રતિબંધ મુકવાનો અમારો એક માત્ર ઉદ્દેશ્ય લોકોને જીવન જીવવાનો અધિકાર આપવાનો છે જે પ્રદુષણ ફેલાવતા ફટાકડાથી જોખમમાં મુકાય છે. જો ગ્રીન ફટાકડા અમારા ધ્યાને આવશે અને તજજ્ઞોની કમિટી તેને મંજૂરી આપશે તો આવા ફટાકડા ફોડવાની મંજૂરી આપવામાં મને કોઈ જ વાંધો નથી.
અગાઉની સુનાવણીમાં ફટાકડાના ઉત્પાદકો વતી હાજર રહેલાં વરિષ્ઠ વકીલ એ.એન.એસ. નાડકર્ણીએ કોર્ટને કહ્યું હતું કે, આગામી ૪ નવેમ્બરે દિવાળી છે તે પૂર્વે પેટ્રોલિયમ અને વિસ્ફોટક સુરક્ષા સંગઠન(પેસો) ફટાકડા અનુસંધાને ઉચિત નિર્ણય અમલમાં મૂકે. નાડકર્ણીએ વધુમાં કહ્યું હતું કે, સરકારે આ અંગે ત્વરિત નિર્ણય લેવો જોઈએ કેમ કે, આ ઉદ્યોગ લાખો લોકોને રોજગારી પુરી પાડે છે. તેમણે વધુમાં કહ્યું હતું કે, જે લોકો કોર્ટના આદેશની અવગણના કરી છે તેમની વિરુદ્ધ કાર્યવાહી થવી જ જોઈએ છે પરંતુ જે લોકોને આ ક્ષેત્ર રોજગારી આપે છે તેમની સ્થિતિને પણ ધ્યાને લેવી જરૂરી છે.
બીજી બાજુ અરજદાર અર્જુન ગોપાલ તરફે હાજર રહેલા વરિષ્ઠ ધારાશાસ્ત્રી ગોપાલ શંકરનારાયણે કોર્ટ સમક્ષ કહ્યું હતું કે, વર્ષ ૨૦૧૫થી હાલ સુધીમાં કોર્ટે અનેકવાર આદેશ આપતા કહ્યું છે કે, પેસોને જે ફટાકડા પ્રદુષણરહિત લાગે તેને જ મંજૂરી આપવામાં આવે. તેમણે વધુમાં કહ્યું હતું કે, અદાલતના આદેશની અવગણના કરાઈ રહી છે, ઓનલાઈન પ્લેટફોર્મ થકી ફટાકડાની ડિલિવરી લોકોના ઘર સુધી કરાઈ રહી છે.
ટોચની કોર્ટે અગાઉ ફટાકડાના વેચાણ પર સંપૂર્ણ પ્રતિબંધ લાદવાનો ઇનકાર કર્યો હતો. સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે, ગ્રીન ફટાકડા ફક્ત લાઇસન્સધારક વિક્રેતાઓ દ્વારા જ વેચી શકાય છે. આ સાથે કોર્ટે ફટાકડાના ઓનલાઈન વેચાણ પર સંપૂર્ણ પ્રતિબંધ લગાવી દીધો હતો.
કોર્ટમાં દલીલો દરમિયાન નાડકર્ણી તરફથી હાજર રહેલા શંકરનારાયણને દલીલ રોકવા બેન્ચે મજાકમાં કહ્યું હતું કે, અમે નથી ઈચ્છતા કે, કોર્ટ રૂમની અંદર કોઈ ફટાકડા ફૂટે, દરેકને બોલવાની તક મળશે. ત્યારે શંકરનારાયણે કહ્યું હતું કે, મિલોર્ડ અમે ખાતરી આપીએ છીએ કે કોર્ટમાં કોઈ ફટાકડા ફોડવામાં આવશે નહીં, માત્ર કામ કરવામાં આવશે.
કેન્દ્રીય પર્યાવરણ અને વન મંત્રાલય તરફથી હાજર રહેલા અધિક સોલિસિટર જનરલ ઐશ્વર્યા ભાટીએ બેન્ચને કહ્યું કે, મંત્રાલયે ઓક્ટોબર ૨૦૨૦ માં સોગંદનામું દાખલ કર્યું હતું. જો અદાલત તેની નોંધ લે તો તમામ વચગાળાની અરજીઓ તેમાં સમાવવામાં આવી છે. ભાટીએ કહ્યું કે, તમામ નિષ્ણાતોએ ગ્રીન ફટાકડાના નિયમન અંગે સર્વસંમતિથી સૂચનો આપ્યા છે.
રોજગારીની આડમાં પ્રજાના જીવન જીવવાના અધિકારનો ઉલ્લંઘન કરી શકાય નહીં: સુપ્રીમ
સુપ્રીમ કોર્ટે સુનાવણી દરમિયાન ફટાકડાના ઉત્પાદકો વતી હાજર રહેલા વકીલની રોજગારી અંગેની દલીલ પર ટિપ્પણી કરતા કહ્યું હતું કે, આપણે રોજગાર, બેરોજગારી અને નાગરિકના જીવનના અધિકાર વચ્ચે સંતુલન જાળવવું પડશે. અમે કેટલાક લોકોની રોજગારી માટે અન્ય નાગરિકોના જીવનના અધિકારના ઉલ્લંઘનને મંજૂરી આપી શકીએ નહીં. જેથી સ્પષ્ટ થાય છે કે, આ વર્ષની દિવાળી પણ ફટાકડા વિનાની જ રહેશે.