લોકડાઉને ધંધે લગાડ્યા
‘મોટા, લોકડાઉને તો ધંધે લગાડ્યા.’ બધાના ધંધા ઠપ થઈ ગયા હોવા છતાં રાક્લાના મોઢામાંથી આ ઉચ્ચારો સરી પડ્યા. કારખાના બંધ થવાથી શેઠ્યાવ બધા લમણે હાથ દઈને બેઠા છે, કર્મચારીઓને ઘરે કામ આપવાથી કામ નીકળી નથી શકતું તેથી બિઝનેસમેન થાક્યા છે. અને વ્હોટ્સેપ યુનીવર્સીટીમાં લોકો શાંત નથી રહી શકતા તેથી લગભગ બધા લોકો બેબાકળા થઈ અને રોજ નવા કાવાની રેસીપી અજમાવે છે.
અમારી શેરીમાં રહેતા કાકી તો રોજ ફ્લેવરવાળો કાવો બનાવી અને કાકાને પીવડાવે છે. દીવાસળી જેવું શરીર ધરાવતા કાકા મૂંગા મોઢે અને ઉકળતા જીવે કાવો પી લ્યે છે. રાક્લાએ એક દિવસ કાકીને પૂછ્યું કે આટલા બધા ફ્લેવરવાળા કાવાની રેસીપી લાવો છો ક્યાંથી ? કાકીએ અટ્ટહાસ્ય સાથે આટી ધ્યે એવો જવાબ વાળ્યો કે, ‘મારા પિયરના વ્હોટ્સેપ ગ્રુપમાં રોજ એક નવી રેસીપી આવે છે.’ કાકાએ ટીવીના રીમોટને હાથમાં લેતા કહ્યું કે, ‘પિયરવાળાએ જ બધું ગોટે ચડાવ્યું છે.’ આ વાક્યના ઉચ્ચારણ પછી રાકલો ઘરની બહારે નીકળી ગયો અને ડેલી બંધ કરતી વેળાએ તેને રસોડા તરફથી હોલ તરફ એક વેલણને તીવ્ર ગતિ સાથે ફેંકાતા જોયું.
એક સમયે સ્મશાનવત શાંતિ જેવા શબ્દો આપણે બોલી શકતા પણ આજે સ્મશાનવત અશાંતિ જેવા શબ્દો બોલવા પડે તેવો સમય આવી પહોંચ્યો છે. લોકો જીવનમાં લાઈનમાંથી જ ઉંચા નથી આવતા. અમુક વર્ષો પહેલા સીમ કાર્ડની લાઈન, પછી આધારકાર્ડ, નોટબંધી અને હવે તો હદ થઈ છે. સ્મશાનમાં પણ આજે લોકોની લાઈન લાગે છે. જો ખરેખર લોકોએ લાઈનમાં રહી અને પોતાના હાથને સેનેટાઈઝ કર્યા હોત અને માસ્ક પહેર્યું હોત તો કદાચ આવા દિવસો આપણે જોવા ન પડત. મૃત્યુ પામેલા લોકોને બાળવા માટે જગ્યા નથી અને જીવતા લોકો અંદરો અંદર બળ્યા કરે છે.
સોસાયટીમાં વાટકી વે’વાર તો છેલ્લા એકાદ વર્ષમાં જાણે લુપ્ત જ થઈ ગયો.
ઓટલાપાર્ટી બંધ થવાથી બધી વહુઓને પોતાની સાસુમાં આજે મા દેખાય છે. અને પાનના ગલ્લા બંધ થતા પુરુષોના મો એક એક સેમી વધારે ખુલવા લાગ્યા છે. આ બધાની વચ્ચે એક જ વ્યક્તિ અણનમ એના બાપના હાથનો માર ખાય છે અને ઈ છે રાકલો. મોબાઈલમાં મશગુલ રાક્લાએ પાણીની જગ્યાએ સેનેટાઈઝરનો કેરબો ગોરામાં ઠાલવ્યો છે અને હમણાં જ તેના પપ્પાએ બે વખત ઉલ્ટી કરી છે. હું જાવ છુ કાકાની ખબર કાઢવા પણ તમે કામ હોય તો જ બહારે નીકળજો. ઋતિકના રામે રામ
ચાબુક :
માસ્કના માયાજાળ હેઠળ કંઈકના રૂપિયા આવી ગિયા,
રૂમાલવાળા રોતા રયા, (ઈ) રાતે પાણીએ કોવિડ્યા.
રૂત્વિક સંચાણિયા