ખ્યાતનામ લોકગાયક અભેસિંહ રાઠોડે રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણી રચિત ગીતો ભજનોની રમઝટ બોલાવી
પ. પૂ. સત્શ્રી (પ. પૂ. વિશ્વવલ્લભ સ્વામી)ની પાંચ-દિવસીય શિક્ષાપત્રી કથાનું ભવ્ય આયોજન ગુજરાત રાજ્યના પાટનગર ગાંધીનગર ખાતે થયું હતું. આજથી 200 વર્ષ પૂર્વે પ્રગટ પુરુષોત્તમ શ્રી સ્વામિનારાયણ ભગવાન દ્વારા વડતાલધામની પાવન ધરા પર 212 શ્લોકની શિક્ષાપત્રીની રચના કરવામાં આવી હતી. પ. પૂ. સત્શ્રીની દિવ્ય વાણીમાં શિક્ષાપત્રીનાં આચમનથી ઉપસ્થિત ભાવિકો અભિભૂત થઈ ગયાં હતાં.કથાના અંતિમ દિવસે ખ્યાતનામ લોકગાયક અભેસિંહ રાઠોડે રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણી રચિત-સંશોધિત-સંપાદિત ગીતો-લોકગીતો-ભજનોની રમઝટ બોલાવીને સહુને ડોલાવી દીધા હતા.
લોકલાગણીને માન આપીને જાણીતાં લોકગાયિકા રાધાબેન વ્યાસે, સુઉચિત મર્યાદા જાળવીને, લોકગીતો-ભજનો રજૂ કર્યાં હતાં. હરિસિંહ સોલંકીએ પોતાની આગવી શૈલીમાં સહુને મોજ કરાવી હતી.પ. પૂ. સર્વમંગલ સ્વામી ઉપરાંત ગુજરાત રાજ્યના પૂર્વ ગૃહ મંત્રી મહેન્દ્રભાઈ ત્રિવેદી, પૂર્વ નાણા મંત્રી બાબુભાઈ મેઘજી શાહ, ઝવેરચંદ મેઘાણીના પૌત્ર અને ઝવેરચંદ મેઘાણી સ્મૃતિ સંસ્થાનના સ્થાપક પિનાકી નાનકભાઈ મેઘાણી, એન. પી. પટેલ (વેસ્ટર્ન સીડસ), અગ્રગણ્ય સત્સંગ-સેવક શૈલેશભાઈ સાવલીયા, આયોજકો યુવરાજસિંહ જાડેજા (ધ્રાફા), ભૂપતસિંહ વાઘેલા (દિયોદર), લાભુભાઈ રાવલ (રાફુ) અને પીયૂષભાઈ વ્યાસની વિશેષ ઉપસ્થિતિ રહી હતી.
કથા દરમિયાન ગુજરાત રાજ્યના વન અને પર્યાવરણ મંત્રી કિરીટસિંહ રાણા, શિક્ષણ મંત્રી (રા.ક.) કીર્તિસિંહ વાઘેલા ઉપરાંત અમિતભાઈ ઠાકર (ભાજપ પ્રભારી આણંદ જિલ્લો), રુચિરભાઈ ભટ્ટ (ભાજપ પ્રમુખ ગાંધીનગર જિલ્લો), દેવેન્દ્રસિંહ જિગાબાપુ (પૂર્વ ડે. મેયર ગાંધીનગર), જી. જી. જશાણી (એસ.પી. પોલીસ ભવન), બી. એ. ચુડાસમા (ડીવાય.એસ.પી.), સૈયદ (નિવૃત્ત IFS), મનિષભાઈ શાહ (ડે. સેક્રેટરી GAD), એ. પી. ગઢવી (ડે. સેક્રેટરી નાણાં વિભાગ), એચ. એલ. રાવત (ડે. કમિશ્નર FDCA), એચ. પી. ઝાલા (પી.આઈ.), મહેન્દ્રસિંહ જાડેજા (પ્રમુખ કચ્છ કાઠિયાવાડ રાજપૂત સમાજ) સહિત પદાધિકારીઓ-અધિકારીઓની પ્રેરક ઉપસ્થિતિ રહી હતી.
કથા દરમિયાન રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીની 125મી જન્મજયંતી નિમિત્તે સાહિત્ય-સંસ્કૃતિ-પ્રેમી પ. પૂ. સત્શ્રીએ ભાવાંજલિ અર્પી હતી. વિશ્વભરમાં વસતાં દરેક ગુજરાતી ઝવેરચંદ મેઘાણીના પ્રેરણાદાયી જીવન-કવનમાંથી પ્રેરિત થાય છે. સાહિત્ય, લોકસાહિત્ય, પત્રકારત્વ તેમ જ આઝાદીની લડતમાં તેમનું અનન્ય અને મહામૂલું પ્રદાન ક્યારેય વિસરાશે નહીં તેમ લાગણીભેર જણાવ્યું હતું.