ચોમાસુ સત્રના પ્રથમ દિવસે જ વિપક્ષે નવી સરકારને ભીંસમાં લીધી

પરેશ ધાનાણીએ સરકારની મીઠી નજર હેઠળ ડ્રગ્સ આવ્યુ તેવું નિવેદન આપતા પુર્વ નાયબ મુખ્યમંત્રી નિતિન પટેલે પોઈન્ટ ઓફ ઓર્ડર ઉઠાવી સરકારની મીઠી નજર શબ્દ રેકોર્ડમાંથી દૂર કરવા કહ્યું

અબતક, રાજકોટ :  વિધાનસભાનું બે દિવસીય  ચોમાસુ સત્ર આજથી શરૂ થયું છે. જેમાં વિરોધ પક્ષ કોંગ્રેસે ઉત્પાત મચાવી નવી સરકારને ભીંસમાં લેવાનો પ્રયાસ કર્યો હતો.આ સત્રમાં વિધાનસભા ગૃહમાં નવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનું પાટલી થપથપાવીને સ્વાગત કરવામાં આવ્યું હતું. બીજી બાજુ વિરોધ પક્ષે ગૃહ શરૂ થતા પહેલા જ પોતાનો વિરોધ પ્રદર્શન શરૂ કરી દીધો હતો.

મુન્દ્રા પોર્ટ પર હેરોઈન મુદ્દે ગૃહમાં હોબાળો મચાવવામાં આવ્યો હતો. જેમાં કોંગ્રેસના ધારાસભ્યોએ ગૃહમાં નારેબાજી કરી હતી. વિપક્ષમાં વિરજી ઠુમ્મરે જણાવ્યું હતું કે ડ્રગ્સ સરકારની મીઠી નજર હેઠળ આવ્યું છે. હેરોઈન કોનું છે એમને તો પકડો. ધાનાણીએ પણ જણાવ્યું હતું કે, આ મુદ્દે સરકાર લાજવાના બદલે ગાજે છે. હેરોઈન પકડવાના મુદ્દે વિધાનસભા ગૃહમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ જવાબ રજૂ કર્યો છે.

જેમાં તેમણે જણાવ્યું છે કે, 72 કલાક સુધી એટીએસ ઓપરેશન કરી હેરોઈન પકડ્યું છે. પરંતુ વિરજીભાઈએ જણાવ્યું હતું કે પોલીસનું મોરલ ડાઉન કરવાનુ કામ થયુ છે. ત્યારબાદ કોંગ્રેસના ધારાસભ્યો ઉભા થયા હતા અને હર્ષ સંઘવી હાય હાયના નારા લગાવવામાં આવ્યા છે અને 21 હજાર કરોડનુ ડ્રગ્સ સરકારની મીઠી નજર હેઠળ આવ્યું હોવાની બૂમો ઉઠી હતી.

આ મુદ્દા પર પુર્વ નાયબ મુખ્યમંત્રી નિતિન પટેલે પોઈન્ટ ઓફ ઓર્ડર ઉઠાવ્યો હતો. પરેશ ધાનાણીએ સરકારની મીઠી નજર હેઠળ ડ્રગ્સ આવ્યુ તેવું જણાવ્યું છે તેવું ના હોય. મીઠી નજર આવા શબ્દો રેકોર્ડમાથી દુર કરવા જોઈએ. અધ્યક્ષે આ શબ્દો દુર કરવા આદેશ કર્યો હતો. સરકારની મીઠી નજર શબ્દ મુદ્દે પોઈન્ટ ઓફ ઓર્ડર ઉઠાવવામાં આવ્યો હતો.

વિપક્ષ નેતા પરેશ ધાનાણીએ ગૃહમાં એક નિવેદન આપ્યું છે. જેમાં તેમણે જણાવ્યું કે સરકાર લાજવાને બદલે ગાજે છે. પોલીસને લુખ્ખા તત્વો મારે છે એવા બનાવો બને છે. તેના જવાબમાં હર્ષ સંઘવીના નિવેદન પર કોંગ્રેસે ભારે વિરોધ કર્યો હતો. અમિત ચાવડાએ કહ્યુ પ્રદિપસિંહ જેવા વિદ્વાનના બદલે હર્ષભાઈ તમને જવાબદારી સોપી છે. ત્યારબાદ વિપક્ષના ધારાસભ્યોએ ગૃહમાં ફરી હોબાળો કરી મૂક્યો હતો. ત્યારબાદ અધ્યક્ષે કહ્યુ હતું કે હર્ષ સંઘવી પહેલીવાર જવાબ આપે છે. કોંગ્રેસનો ગલીમા ભાષણ કરતા હોય એવી ભાષામાં જવાબ યોગ્ય નથી. એમણે શરમ કરવી જોઈએ. એમને પદની ગરિમાનો ભંગ થયો છે.

પુરથી થયેલી નુકસાનીનો સર્વે ઓફિસમાં બેઠા-બેઠા થયો : વિક્રમ માડમનો આક્ષેપ

વિધાનસભાના સત્ર પહેલા કોંગ્રેસના ધારાસભ્ય વિક્રમ માડમે સરકાર પર પ્રહારો કર્યા છે. તેમણે જણાવ્યું છે કે ગુજરાતમાં તાઉ-તે અને અતિવૃષ્ટિની વિકટ પરિસ્થિતિ સર્જાઈ છે. જામનગરમાં અતિવૃષ્ટિના સર્વે ઓફિસમાં બેસીને કાગળો બનાવવામાં આવ્યા હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. તેમણે વધુમાં જણાવ્યું કે ગુજરાતમાં અધિકારી રાજ ચાલે છે. અધિકારીઓ પર સરકારનો કોઈ અંકુશ નથી. અધિકારીઓ સરખા જવાબ પણ આપતા નથી. માનવીના મોત અને પશુઓના મોતની સહાય એક સરખી હોવા મુદ્દે સરકારને ઘેરી હતી. વિક્રમ માડમે જણાવ્યું કે ભાજપ કોંગ્રેસ વિના જીવી ના શકે, કોંગ્રેસ વિના મંત્રી મંડળ ચાલી ના શકે, નવા અખતરા આંકડા અને ભ્રષ્ટાચાર છુપાવવા માટે કરવામાં આવ્યા હોવાનું જણાવી રાજનીતિમાં ગરમાવો લાવી દીધો હતો.

તાઉત્તે વખતે સરકારે રૂ. 10 હજારને બદલે માત્ર રૂ. 1 હજારની સહાય કરી : વિરજી ઠુમર

વિધાનસભાના સત્ર અંગે કોંગ્રેસના સિનિયર ધારાસભ્ય વિરજી ઠુમ્મરે પણ એક નિવેદન આપ્યું છે. વિરજી ઠુમ્મરે જણાવ્યું છે કે ખેડૂતોને તાઉ-તે વાવાઝોડાના કારણે ભાંગી પડ્યા છે. બીજી બાજુ સરકાર માત્ર વાહવાહી કરે છે. વડાપ્રધાન ખેડૂતોને અન્યાય કરે છે. 10 હજાર કરોડને બદલે માત્ર 1 હજાર કરોડ જ ગુજરાતને ફાળવ્યા છે. તાઉ-તેને કારણે ખેડૂતોનો કપાસ અને મગફળીનો પાક નિષ્ફળ ગયો છે. આજે આ સંદર્ભે ગૃહમાં મુખ્યમંત્રીને રજુઆત કરીશ.

પ્રશ્નો એટલા છે કે સત્રમાં બે દિવસનો સમય અપૂરતો : પૂંજા વંશ

વિધાનસભાના સત્ર અંગે કોંગ્રેસના સિનિયર ધારાસભ્ય પુંજા વંશે પણ એક નિવેદન આપ્યું છે. તેમણે જણાવ્યું કે બે દિવસના સત્રને બદલે પાંચ દિવસનું સત્ર કરવામાં આવે. પરંતુ સરકારે સત્ર લંબાવવાનો ઇનકાર કર્યો છે. અમે આજે પણ સત્ર લંબાવવા માંગ કરીશું. તાઉ-તે વાવાઝોડું, અતિવૃષ્ટિ, ખેડૂતોના પ્રશ્નો અને કોરોનામાં સરકારની નિષ્ફળતા મુદ્દે વ્યાપક ચર્ચા માટે બે દિવસનું સત્ર અપૂરતું છે. વિધાનસભામાં વિપક્ષને ઉપાધ્યક્ષ આપવાની પ્રણાલી તોડી છે. ભાજપે આ પ્રણાલી તોડી સંસદીય પ્રણાલીને પણ તોડી છે. વિપક્ષને ઉપાધ્યક્ષ પદ આપવામાં આવે. સત્તા પક્ષ સત્તાના મદમાં સંસદીય પ્રણાલીનું હનન કરે છે.

વિધાનસભાના ચોમાસુ સત્રના આજે પ્રથમ દિવસે બે વિધેયક કરાશે રજૂ

રાજ્ય સરકાર ચોમાસુ સત્રમાં કુલ 4 વિધેયકો લાવી રહી છે, જે પૈકી સોમવારે ગુજરાત ખાનગી યુનિર્વિસટી (દ્વિતીય સુધારા) વિધેયક 2021 અને ગુજરાત જીએસટી (સુધારા) વિધેયક- 2021 આવશે. અગાઉ ખાનગી યુનિર્વિસટીના વિસ્તારની શૈક્ષણિક સંસ્થાઓ તે ખાનગી યુનિર્વિસટી સાથે સરકારે જોડી હતી,

જેની સામે ગ્રાન્ટેડ સંસ્થાઓ- વિરોધ દર્શાવતાં, સરકારે થોડા સમય પહેલાં વટહુકમ જારી કરી, આ ગ્રાન્ટેડ સંસ્થાઓને ખાનગી યુનિર્વિસટી સાથેના એફિલિયેશનમાંથી બાકાત કરી હતી, હવે આ વટહુકમને કાયદાના સ્વરૃપ આપવા સુધારા વિધેયક આવી રહ્યું છે.

જ્યારે શીલજમાં 13 એકર જમીન ઉપર પીપીપી ધોરણે આકાર લઈ રહેલી નવી સ્કિલ યુનિર્વિસટી સંદર્ભે મંગળવારે કૌશલ્ય ધ સ્કિલ યુનિર્વિસટી વિધેયક- 2021 ગૃહમાં લવાશે. આ નવી યુનિ. કલોલ તાલુકામાં સ્થપાઈ રહેલી તાતા ઇન્ડિયન ઇન્સ્ટિટયૂટ ઓફ સ્કિલ્સ સહિત વિવિધ સ્કિલ અભ્યાસ ક્રમોને માન્યતા આપશે તેમજ પોતે પણ ડિગ્રી-ડિપ્લોમાં કોર્સિસ શરૂ કરશે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.