સામાન્ય રીતે 17મી સપ્ટેમ્બરથી ચોમાસાના વિદાયનો આરંભ થતો હોય છે 30 સપ્ટેમ્બર સુધીમાં દેશભરમાંથી ચોમાસુ વિદાય લઈ લેતું હોય છે: આ વર્ષ ઓકટોબરમાં પણ ચોમાસુ સક્રિય રહેશે
સામાન્ય રીતે સપ્ટેમ્બર માસના બીજા સપ્તાહથી નૈઋત્યના ચોમાસાની વિદાયનો આરંભ થઈ જતો હોય છે અને 30મી સપ્ટેમ્બર સુધીમાં દેશભરમાંથી ચોમાસુ વિદાય લઈ લેવા માંડતું હોય છે. આ વર્ષ ઓકટોબર માસના પ્રથમ સપ્તાહમાં પણ વરસાદ વરસવાનું ચાલુ રહેશે. છેલ્લા ઘણા સમયથી વરસાદની પેટન્ટ બદલાઈ છે. પાછોતરો વરસાદ વધુ માત્રામાં વરસી રહ્યો હોવાના કારણે હવે ખેડૂતોએ વાવણીની પેટન્ટ પણ બદલવી પડશે.
જૂન, જુલાઈ અને ઓગષ્ટ માસમાં અપુરતા વરસાદના કારણે સૌરાષ્ટ્ર સહિત સમગ્ર ગુજરાતમાં દુષ્કાળનાં ડાકલા વાગવા લાગ્યા હતા પરંતુ સપ્ટેમ્બર માસમાં વરૂણદેવે અનરાધાર કૃપા વરસાવતા વરસાદની ઘટ પૂરી થઈ જવા પામી હતી. એક પછી એક સિસ્ટમો બની રહી છે. જેના કારણે સતત વરસાદ ચાલુ રહેશે. હાલ બે સિસ્ટમો સક્રિય છે અને મોનસુન પર એક્ટિવ છે. બંગાળની ખાડીમાં નવું લો-પ્રેસર બની રહ્યું છે જેના કારણે ચાર દિવસ સતત વરસાદ ચાલુ રહેશે. ગ્લોબલ વોર્મિંગની અસરતળે વરસાદની પેટન્ટ ફરી છે હવે ખેડૂતોએ પણ વાવણીની પેટન્ટ બદલવી પડશે.
હવામાન વિભાગ દ્વારા એવી આગાહી વ્યક્ત કરવામાં આવી હતી કે દેશમાં શુક્રવારથી ધીરે-ધીરે ચોમાસાની વિદાય શરૂ થશે. પણ, બંગાળની ખાડીમાં એક પછી એક લો પ્રેશર સિસ્ટમ સક્રિય થતાં હવે એવી આગાહી વ્યક્ત કરવામાં આવી છે કે સપ્ટેમ્બરના અંત સુધી દેશમાં ચોમાસુ સક્રિય રહેશે. ઓકટોબરના પ્રથમ સપ્તાહમાં વરસાદ પડશે.
સપ્ટેમ્બર મહિનામાં ભારતમાં 33.4% વધુ વરસાદ નોંધાયો છે જેના કારણે આખા ચોમાસા દરમિયાન વરસાદની જે ખોટ હતી તે પૂરી કરવામાં મદદ મળશે. દેશમાં આ વર્ષે વરસાદમાં 4%ની ખોટ અને ઓગસ્ટના છેલ્લા અઠવાડિયામાં વરસાદની 10% ખોટ પૂરી કરવામાં સપ્ટેમ્બરના વરસાદથી મદદ મળશે. સપ્ટેમ્બર દરમિયાન દેશમાં જેટલો પણ વરસાદ પડશે તેનાથી દેશનું આ વર્ષે ચોમાસુ ‘સામાન્ય’ ગણાશે.
ભારતીય હવામાન વિભાગના એક રિપોર્ટ અનુસાર, શનિવારથી એક ચક્રવાત સર્ક્યુલેશન ઓડિશા અને પશ્ચિમ બંગાળ પર અસર કરવાની શરૂઆત કરશે. જ્યારે અન્ય એક સિસ્ટમથી 25 સપ્ટેમ્બરથી 4થી 5 દિવસનો વરસાદ શરૂ થશે. દેશમાં સપ્ટેમ્બરના અંત સુધીમાં ચોમાસુ પાછું નહીં ખેંચાય કારણકે પશ્ચિમ બંગાળની ખાડી પર 2 ચક્રવાતની રચના થઈ રહી છે.
ભારતીય હવામાન વિભાગના વડા મૃત્યુંજય મોહાપાત્રાએ જણાવ્યું કે સપ્ટેમ્બર 28ની આસપાસ પશ્ચિમ બંગાળની ખાડી પર અન્ય સિસ્ટમ રચાઈ શકે તેવી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે. હાલ, ઉત્તર મધ્ય પ્રદેશ અને તેનાથી સંલગ્ન દક્ષિણ ઉત્તર પ્રદેશ પર લો પ્રેશરની રચના થઈ રહી છે. આ સિસ્ટમના કારણે ગુજરાતમાં બહોળા વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. રાજસ્થાન અને પશ્ચિમ મધ્યપ્રદેશમાં આગામી 3 દિવસમાં જ્યારે ગુજરાતમાં રવિવારથી વરસાદ વધશે તેવી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે.
એક બાદ એક નવી સિસ્ટમો બની રહી છે જેના કારણે વરસાદનો વ્યાપ અને વિસ્તાર વધી રહ્યો છે: જૂનથી ઓગષ્ટ સુધીની મોટાભાગની ઘટ પૂર્ણ: પાછોતરો વરસાદ સારો પડતો હોય હવે ખેડૂતોએ પણ વાવણીની પેટન્ટ બદલવી પડશે
રાજકોટમાં અનરાધાર બે ઈંચ: સિઝનનો કુલ 46 ઈંચ વરસાદ
શહેરના સામાકાંઠા વિસ્તારમાં બે ઈંચ, જૂના રાજકોટમાં એક ઈંચ અને નવા રાજકોટમાં પોણો ઈંચ વરસાદ
રાજકોટમાં ગઈકાલે સમી સાંજે અનરાધાર બે ઈંચ જેટલો વરસાદ વરસી ગયો હતો. આ સાથે શહેરમાં સિઝનનો કુલ 46 ઈંચ વરસાદ વરસી ગયો છે. આજે સવારથી પણ ઝરમર વરસાદ વરસી રહ્યો છે. 46 ઈંચ વરસાદ પડ્યો હોવા છતાં અસહ્ય બફારાનો અનુભવ થઈ રહ્યો છે.
રાજકોટમાં ગઈકાલે આખો દિવસ વાદળ છાંયા વાતાવરણ વચ્ચે સમી સાંજે મેઘરાજાનું આગમન થયું હતું. બે કલાકમાં બે ઈંચ વરસાદ વરસી જતાં રાજમાર્ગો પર પાણી ભરાયા હતા. સામાકાંઠા વિસ્તારમાં 48 મીમી સાથે મોસમનો કુલ 1062 મીમી, સેન્ટ્રલ ઝોન અર્થાત જૂના રાજકોટમાં 22 મીમી સાથે સિઝનનો કુલ 1149 મીમી અને વેસ્ટ ઝોનમાં 19 મીમી સાથે સિઝનનો 1118 મીમી વરસાદ વરસી ગયો છે. આજે સવારથી ઝરમર વરસાદ વરસી ગયા છે.