વડાપ્રધાન નરેન્દ્ર મોદી અમેરિકાની મુલાકાતે જવાના છે. તેઓ 24મીએ અમેરિકાના પ્રેસિડેન્ટ સાથે બેઠક પણ યોજવાના છે. આ બેઠક ભારત માટે આશાનું કિરણ સમી છે. કારણકે બેઠકમાં બન્ને દેશો વચ્ચે વેપાર, આતંકવાદ સહિતના પ્રશ્નો અંગે ગહન ચર્ચા થવાની છે. બીજી તરફ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું વ્યક્તિત્વ એવું છે કે તે પોતાનું ધાર્યું બીજા પાસેથી કરાવી શકે છે તો તેનો ભરપૂર લાભ દેશને મળવાનો છે.
અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ જો બાઈડન 24 સપ્ટેમ્બરના રોજ વ્હાઈટ હાઉસમાં ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે દ્વિપક્ષીય બેઠક કરશે. વોશિંગ્ટનની મુલાકાત લીધા બાદ વડાપ્રધાન મોદી ન્યૂયોર્કમાં સંયુક્ત રાષ્ટ્ર મહાસભાના ઉચ્ચ સ્તરીય વાર્ષિક સત્રમાં હાજરી આપવાના છે. વડાપ્રધાન મોદી 25 સપ્ટેમ્બરે આ ઉચ્ચ સ્તરીય વાર્ષિક સત્રને સંબોધન કરી શકે છે. તાલિબાનના કબજા પછી રાજકીય સંકટનો સામનો કરી રહેલો અફઘાનિસ્તાન આ વખતે સંયુક્ત રાષ્ટ્ર મહાસભાના સત્રમાં મહત્ત્વનો મુદ્દો બની શકે છે.
વડાપ્રધાન મોદીની છેલ્લી અમેરિકા મુલાકાત 2019માં થઈ હતી. આ દરમિયાન મોદી અને યુએસના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે હ્યુસ્ટનમાં પ્રવાસી ભારતીય સમુદાયના લોકોને સંબોધન કર્યું હતું. ત્યારે મોદીની આ મુલાકાત સમગ્ર વિશ્વમાં છવાઈ ગઈ હતી. હવે ફરી મોદી અમેરિકા જઈ રહ્યા છે. ત્યારે અમેરિકાની આ મુલાકાત ભારત સાથેના વ્યાપાર અને અફઘાનિસ્તાનના પ્રશ્નને સીધી અસર કરવાની છે.
વધુમાં અમેરિકા અને રશિયા સામ સામાં છે. ભારત હમેશા બન્ને દેશો સાથે સારા સંબંધો રાખવા પ્રયત્નશીલ રહ્યું છે. ત્યારે મોદી અમેરિકાના પ્રવાસે જઈ રહ્યા છે. માટે એ તકેદારી રાખવી પણ જરૂરી છે કે અમેરિકા સાથેની નિકટતાને લીધે રશિયા નારાજ ન થાય.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડન બન્ને વચ્ચેની આ પ્રથમ મુલાકાત છે. આ મુલાકાત બાદ બન્ને નેતાઓ વચ્ચે વધુ ટ્યુનીંગ આવશે તે પણ નક્કી છે.