“સપને ઉન્હી કે સચ હોતે હૈ જીન કે પંખો મે જાન હોતી હૈ” સપના તો કોઈ પણ વ્યક્તિ જોઈ શકે છે પરંતુ જોયેલા સપનાને દરેક વ્યક્તિ સાકર કરી શકે છે જેના હોંસલા મજબૂત હોય છે. આવી જ લોકોને પ્રેરણા આપતી ઘટના ઉનામાં બની છે. ઉનાના વાંસોજ ગામના આહીર સમાજના એક સામાન્ય પરિવારમાં જન્મેલી આહીર જયા રામ જે પોતે નાનપણથી જ પોતાના પિતા સાથે ખેતીમાં કામ કરતી હતી. સાથે સાથે પોતાનું ભણતર પણ ચાલુ રાખ્યું અને ઘરે આવે ત્યારે ક્રિકેટની પ્રેક્ટિસ પણ કરતી હતી. તેમના પિતા એક સામાન્ય ખેડૂત છે.તેમને ત્રણ દીકરીઓ છે જેમાં જયા સૌથી નાની છે.તેમના પિતાની આર્થિક પરિસ્થિતિ પણ નબળી છે. પરંતુ દીકરીના સ્વપ્ન સાકાર કરવા એક પિતા તરીકેની ઉત્તમ ભૂમિકા તેમણે નિભાવી છે.
પોતાની દીકરીની ક્રિકેટ પ્રત્યેની ધગશ અને મહેનત જોઈ અને પારખીને તેને પ્રોત્સાહિત કરી અને થઈ શકે એટલી સગવડ પણ કરી આપી હતી. જયાનું પણ એક સ્વપ્ન હતું કે હું એક દિવસ મારાં માતા-પિતા, મારો પરિવાર, મારો સમાજ તેમજ મારાં ગામનું નામ રોશન કરીશ. તે પોતે હાલમાં સુરત અભ્યાસ કરે છે અને હવે ક્રિકેટની આગળની પ્રોસેસમાં આગળ વધશે.ગત વર્ષે ધોરણ ૧૨ ની બોર્ડની પરીક્ષાના સમયે સિલેકશન ટ્રાયલ હતી તેથી પરીક્ષાના બદલે પોતાએ ક્રિકેટને પ્રોયોરીટી આપી હતી. જે તેમનો ક્રિકેટ પ્રત્યે કેટલો લગાવ છે તે દર્શાવે છે.
અંડર-19 સિલેકશન મેચમાં ૨ વિકેટ અને ૩૦ રન કર્યા હતા.તેણે એક ઓવરમાં માત્ર ૪ રન આપીને ૨ વિકેટ ઝડપી હતી.શાળાના દિવસોમાં કેન્દ્ર શાસિત પ્રદેશ દમણમાં ટેનિસ ક્રિકેટ ટુર્નામેન્ટમાં ભાગ લીધો હતો જ્યાં તેના કોચે સુરતમાં તાલીમ લેવાની સલાહ આપી હતી તેથી ક્રિકેટમાં કારકિર્દી બનાવવા સુરત ગઈ હતી. જ્યાં તેણે ખુબ જ મહેનત કરી અને આખરે પોતે અંડર-19 માં પસંદગી થઇ અને તેના માતા પિતાનું સ્વપ્ન સાકાર કર્યું. આહીર જયા રામ ને અંડર-19 માં પસંદગી થઇ તે ક્ષણ માત્ર આહીર સમાજ જ નહિ પરંતુ વાંસોજ ગામ, ઉના તાલુકો, ગીર સોમનાથ જિલ્લો અને સમગ્ર સૌરાષ્ટ્ર વિસ્તાર માટે ગૌરવ છે. સામાન્ય પરિવારની હજારો દિકરીઓ માટે પ્રેરણારૂપ છે.