ભીંસ પડતા તાલિબાન સીધું દોર થવાની દિશામાં
હવે આંતરિક સમસ્યાઓથી બહાર નીકળવા તાલિબાનના હવાતિયા, વિશ્વને વિશ્વાસ અપાવવાના પુરજોશમાં કરાતા પ્રયાસો
અબતક, નવી દિલ્હી : ભીંસ પડતા હવે તાલિબાન સીધું દોર થવાની દિશામાં છે. તાલિબાને એલાન કર્યું છે કે અફઘાનિસ્તાનની ભૂમિનો આતંકવાદ ફેલાવવા માટે હવે ક્યારેય ઉપયોગ થવા દેવામાં આવશે નહિ. જો કે હવે અફઘાનિસ્તાન બરાબર રીતે આંતરિક સમસ્યાઓમાં ઘેરાયું હોય તેઓ વિશ્વનો વિશ્વાસ જીતવા માટે હવાતિયાં મારી રહ્યું છે.
જ્યારે ચૂંટણીની શક્યતા વિશે પૂછવામાં આવ્યું ત્યારે મુત્તાકીએ અન્ય દેશો પાસે અફઘાનિસ્તાનના આંતરિક મુદ્દાઓમાં દખલ ન કરવાની માંગ કરી હતી. અફઘાનિસ્તાનના તાલિબાન સંચાલિત નવા મંત્રીમંડળમાં વિદેશ મંત્રીએ સોમવારે કહ્યું હતું કે સરકાર આતંકવાદીઓને અન્ય લોકો પર હુમલો કરવા માટે તેની ભૂમિનો ઉપયોગ ન કરવા દેવાનાં વચનો માટે પ્રતિબદ્ધ છે.તાલિબાને એક સપ્તાહ પહેલા વચગાળાની સરકાર બનાવી ત્યારથી તેમની પ્રથમ પત્રકાર પરિષદમાં, મોલવી અમીરખાન મુત્તકીએ સરકાર કેટલા સમય સુધી રહેશે અથવા આખરે અન્ય જૂથો, લઘુમતીઓ અથવા મહિલાઓ માટે ખુલ્લી મુકવામાં આવશે તે માટે સમયમર્યાદા આપશે નહીં તે અંગે જણાવ્યું કે અફઘાનિસ્તાનના આંતરિક મુદ્દાઓમાં દખલ ન કરવી જોઈએ.
ગયા વર્ષે અમેરિકા સાથે થયેલી સમજૂતી હેઠળ તાલિબાને વચન આપ્યું હતું કે અલ-કાયદા અને અન્ય આતંકવાદી જૂથો સાથેના સંબંધો તોડી નાખશે અને ખાતરી કરશે કે તેઓ અન્ય દેશોને તેના પ્રદેશમાંથી ધમકી નહીં આપે. આ સોદા વિશે પૂછવામાં આવતા, મોત્તાકીએ જવાબ આપ્યો, “અમે કોઈ વ્યક્તિને અથવા કોઈ પણ જૂથને અન્ય દેશો સામે અમારી જમીનનો ઉપયોગ કરવાની મંજૂરી આપીશું નહીં”. ઉલ્લેખનીય છે કે પ્રથમ વખત સરકારના કોઈ સભ્યએ વચન પ્રત્યેની તેની પ્રતિબદ્ધતાની પુષ્ટિ કરી છે.
અમેરિકા અફઘાનિસ્તાનને રૂ. 470 કરોડની સહાય આપશે
સંયુક્ત રાષ્ટ્રમાં અમેરિકાના રાજદૂત લિન્ડા થોમ્પસન-ગ્રીનફિલ્ડે કહ્યું છે કે અફઘાનિસ્તાન ની સ્થિતિ ખૂબ ગંભીર છે. અમેરિકા 64 મિલિયન ડોલર (આશરે 470 કરોડ રૂપિયા)ની માનવીય સહાય આપવા તૈયાર છે.
આ સાથે તેમણે કહ્યું કે અફઘાનિસ્તાનની જમીનની સ્થિતિનું મૂલ્યાંકન કરવામાં આવશે અને ભવિષ્યમાં વધુ સહાયતા પર વિચાર કરવામાં આવશે. ગ્રીનફિલ્ડે જીનીવામાં અફઘાનિસ્તાન પર આયોજીત માનવીય પરીષદમાં તાલીબાનને તેની પ્રતિબદ્ધતાઓને જાળવી રાખવા હાકલ કરી હતી અને તાલિબાન દ્વારા સહાયતા વિતરણમાં અવરોધ પેદા કરવાના સમાચારોનો પણ ઉલ્લેખ કર્યો.
યુએસ ઉપરાંત સંયુક્ત રાષ્ટ્રએ પણ અફઘાનિસ્તાનમાં માનવીય અભિયાનને ટેકો આપવા માટે 2 કરોડ યુએસ ડોલર આપવાની જાહેરાત કરી છે. સેક્રેટરી જનરલ એન્ટોનિયો ગુટારેસે કહ્યું કે યુદ્ધગ્રસ્ત દેશના લોકો દાયકાઓની પીડા અને અસુરક્ષા બાદ પોતાના સૌથી ખરાબ અને જોખમી સમયનો સામનો કરી રહ્યા છે. આંતરરાષ્ટ્રીય સમુદાય માટે હવે તેમની સાથે ઉભુ રહેવાનો સમય છે. તેમણે એમ પણ કહ્યું કે અફઘાનિસ્તાનના લોકોને ખોરાક, દવા, આરોગ્ય સેવાઓ, સ્વચ્છ પાણી, સ્વચ્છતા અને સુરક્ષાની તાતી જરૂરિયાત છે.
પાકિસ્તાનની ડબલ ગેમથી અમેરિકા નારાજ
અફઘાનિસ્તાનમાં પાકિસ્તાનની ડબલ ગેમનો પર્દાફાશ થઈ ગયો છે. તે હવે વૈશ્વિક સ્તરે ભરોસાપાત્ર રહ્યું નથી. કદાચ આ જ કારણ છે કે બાઈડેન પ્રશાસને પાકિસ્તાન સાથેના સંબંધોનું નવેસરથી સમીક્ષા કરવાનો નિર્ણય લીધો છે. પાકિસ્તાન એકબાજુ જ્યાં તાલિબાનના આતંકીઓની મદદ કરતું રહ્યું ત્યાં દુનિયાને એ પણ દેખાડતું રહ્યું કે તે અફઘાનિસ્તાન સરકારની મદદ કરી રહ્યું છે. પાકિસ્તાનની આ કરતૂતથી અમેરિકા ગુસ્સે ભરાયું છે. અમેરિકી વિદેશ મંત્રી એન્ટની બ્લિંકને અમેરિકી સદનમાં આ જાણકારી આપી.
સદનમાં ચર્ચા દરમિયાન એન્ટની બ્લિંકને સ્વીકાર્યું કે પાકિસ્તાને બે બાજુથી રમત રમી છે. તેણે દુનિયાને ઉંઘે રવાડે ચડાવી. જે જોતા અમેરિકા પાકિસ્તાન સાથેના સંબંધોની ફરીથી સમીક્ષા કરશે. આ સાથે જ નક્કી કરશે કે ક્ષેત્રમાં પાકિસ્તાને શું ભૂમિકા ભજવવાની છે. આ દરમિયાન અમેરિકી સાંસદોનો પણ પાકિસ્તાન પર ગુસ્સો જોવા મળ્યો.
અફઘાનિસ્તાનમાં પાકિસ્તાનની ડબલ ગેમ હવે જગજાહેર થઈ ગઈ છે.
પાકિસ્તાનની દગાબાજીના કારણે બાઈડેન પ્રશાસન ઉપર પણ સવાલ ઉઠી રહ્યા છે. લોકો બે દાયકાથી ચાલી રહેલા પાકિસ્તાનના ખેલને લઈને નારાજ છે. બ્લિંકને આ સવાલોના જવાબ આપ્યા. તેમણે કહ્યું કે પાકિસ્તાને હક્કાની સહિત તાલિબાની આતંકીઓને શરણ આપી. બીજી બાજુ તે આતંકવાદ વિરુદ્ધ પણ અનેક જગ્યાએ સહયોગ કરતું જોવા મળ્યું. તેની ભૂમિકા અને હિત પરસ્પર વિરોધી છે.
પાકિસ્તાન સંચાલિત ટેરર મોડ્યુલનો પર્દાફાશ : હુમલાની ફિરાકમાં રહેલા 6 આતંકીઓની ધરપકડ
દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલે પાકિસ્તાન દ્વારા સંચાલિત ટેરર મોડ્યુલનો પર્દાફાશ કરીને 6 સંદિગ્ધ આતંકીઓની ધરપકડ કરી છે. જેમાં 2 પાકિસ્તાની આતંકીઓ સહિત કુલ 6 વ્યક્તિની પુછપરછ કરવામાં આવી છે. ધરપકડ કરાયેલાઓમાંથી 2 આતંકવાદીઓ પાકિસ્તાનમાં તાલીમ લઈને આવ્યા હતા.આ શકમંદોની ઉત્તર પ્રદેશ, મહારાષ્ટ્ર અને દિલ્હીથી ધરપકડ કરવામાં આવી છે. તેમની પાસેથી હથિયારો અને દારૂગોળો પણ મળી આવ્યો છે. પકડાયેલા આતંકીઓ, નવરાત્રીને મુખ્ય ટાર્ગેટ બનાવવાના હતા.
નવરાત્રી દરમિયાન યોજાતી રામલીલા અને નવરાત્રીના કાર્યક્રમોના સ્થળે વિસ્ફોટ કરવાનું ષડયંત્ર ઘડી રહ્યાં હતા. મહારાષ્ટ્રમાં પણ બોમ્બ વિસ્ફોટ કરવાની ફિરાકમાં હતા.સ્પેશિયલ સેલ દ્વારા પકડાયેલા બે આતંકવાદીઓનું નામ ઓસામા અને ઝિશન છે. યુપીના પ્રયાગરાજમાં યુપી એટીએસના સહયોગથી સ્પેશિયલ સેલ દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા.
સ્પેશિયલ સેલના ઇનપુટ પર પ્રયાગરાજમાં કારેલીમાંથી ત્રણ લોકોની અટકાયત કરવામાં આવી છે. આરોપીઓ પાસેથી હથિયારો અને દારૂગોળો મળી આવ્યાની વિગતો સામે આવી છે. મહારાષ્ટ્રમાં રહેતા એક આતંકવાદીને કોટાથી પકડવામાં આવ્યો. આ સિવાય 2 ને દિલ્હીમાંથી અને 3 ને ઉત્તરપ્રદેશ ATS ની મદદથી પકડવામાં આવ્યા હતા.