માંગરોળમાં સવારે 4 કલાકમાં અનરાધાર 6 ઈંચ, કેશોદમાં 4 અને માળીયા હાટીનામાં 3॥ ઈંચ વરસાદ, વંથલીમાં 3 અને જૂનાગઢ તથા કોટડા સાંગાણીમાં 2 ઈંચ વરસાદ ખાબક્યો
એક સાથે બબ્બે સિસ્ટમો સક્રિય થવાના કારણે સૌરાષ્ટ્રમાં આગામી ગુરૂવાર સુધી ભારેથી અતિ ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે. આજે પણ અનરાધારની આગાહી વચ્ચે સવારથી સૌરાષ્ટ્રમાં વરસાદ વરસી રહ્યો છે. રાણાવાવમાં મધરાતે પાંચ ઈંચ જેટલો વરસાદ વરસી ગયો હતો. આજે સવારે 6 થી 10 સુધીના ચાર કલાકના સમયગાળામાં માંગરોળમાં અનરાધાર 6 ઈંચ વરસાદ વરસી ગયો હતો. જ્યારે કેશોદમાં 4 અને માળીયા હાટીનામાં 3॥ વરસાદ પડ્યો હતો. વંથલીમાં 3, જૂનાગઢ અને કોટડા સાંગાણીમાં 2 ઈંચ વરસાદ પડ્યો હતો. સવારથી 57 તાલુકાઓમાં વરસાદ વરસી રહ્યો છે.
આજે સવારે પુરા થતાં છેલ્લા 24 કલાક દરમિયાન રાજ્યના 32 જિલ્લાના 198 તાલુકાઓમાં વરસાદ પડ્યો હતો. સૌથી વધુ વરસાદ રાજકોટ જિલ્લાના લોધીકામાં 20.50 ઈંચ વરસાદ વરસી ગયો હતો. આ ઉપરાંત વિસાવદરમાં 19 ઈંચ, કાલાવડમાં 16 ઈંચ, રાજકોટમાં 13 ઈંચ, ધોરાજીમાં 10 ઈંચ, જૂનાગઢમાં 9 ઈંચ જેવો ધોધમાર વરસાદ વરસી ગયો હતો. જામનગર અને રાજકોટ જિલ્લાના અનેક ગ્રામ્ય વિસ્તારોમાં 22 ઈંચ જેટલો નોંધપાત્ર વરસાદ વરસી ગયો હતો. રવિવારે મધરાતથી સોમવાર સાંજ સુધી સૌરાષ્ટ્રમાં અનરાધાર વરસાદ પડ્યા બાદ મેઘરાજાનું જોર થોડુ ઘટ્યું હતું.
આજે સવારથી સોરઠ પંથકમાં મેઘરાજાએ ફરી ધડબડાટી બોલાવવાનું શરૂ ર્ક્યું છે. માંગરોળમાં માત્ર 4 કલાકમાં 6 ઈંચ વરસાદથી જળબંબાકાર જેવી સ્થિતિ થવા પામી હતી. કેશોદમાં પણ 4 ઈંચ વરસાદ પડતા સર્વત્ર પાણી-પાણી થઈ ગયું હતું.આગામી ગુરૂવાર સુધી સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે. આજે સૌરાષ્ટ્રમાં જામનગર, પોરબંદર અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ભારેથી અતિ ભારે અને રાજકોટ, જૂનાગઢ તથા ગીર સોમનાથ જિલ્લામાં મધ્યમથી ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે. જ્યારે કચ્છમાં હળવો વરસાદ પડે તેવી આગાહી આપવામાં આવી છે.
આજે સવારથી જૂનાગઢ, રાજકોટ, ગીર સોમનાથ, ભાવનગર, દેવભૂમિ દ્વારકા જિલ્લામાં વરસાદ વરસી રહ્યો છે. સવારે 6 થી 8 એમ બે કલાકમાં જૂનાગઢના વંથલી, માળીયા હાટીના, કેશોદમાં ત્રણ ઈંચ વરસાદ વરસી ગયો હતો. કોટડા સાંગાણી અને જૂનાગઢમાં બે ઈંચ, માંગરોળ અને ગોંડલમાં પોણા બે ઈંચ, તાલાલામાં દોઢ ઈંચ, ધોરાજી અને વેરાવળમાં એક ઈંચ, મેંદરડામાં પોણો ઈંચ, જામકંડોરણા, કોડીનાર, સુત્રાપાડા, વિસાવદર, જેતપુરમાં અર્ધો ઈંચ વરસાદ પડ્યો હતો.