સવા લાખથી વધુ મજૂરોની માહિતી એકત્ર કરવા પોલીસને જિલ્લા કલેક્ટરે જાહેરનામું બહાર પાડ્યું: મજૂરો અને કારખાનેદારોની માહિતીથી પોલીસની કામગીરી આશાન થશે: ગુનાખોરી અંકુશમાં લેવા તંત્રનું આવકારદાયક પગલું
મોરબીનો સીરામીક ઉદ્યોગ દેશ-વિદેશમાં ખ્યાતી મેળવી ચુક્યો છે. ચાઇના સાથે હરીફાઇમાં ઉભેલ મોરબીના સીરામીક ઉદ્યોગને છેલ્લા થોડા વર્ષોમાં ભારે વિકાય કર્યો છે ત્યારે મોરબીના સીરામીક ઉદ્યોગ માટે બહારના રાજ્યમાંથી મોટી સંખ્યામાં પરપ્રાંતિય મજૂરો મોરબી આવી રોજગારી મેળવે છે. મજૂરોની સાથે પરપ્રાંતિય ગુનેગારો પણ મોટા પ્રમાણમાં મોરબી આવી ગયા છે ત્યારે ગુનાખોરીને અંકુશમાં લેવા જિલ્લા કલેક્ટરે એક જાહેરનામું બહાર પાડી મોરબી જિલ્લામાં સ્થાયી થયેલા પરપ્રાંતિય મજૂરોની નોંધણી ફરજીયાત કરવા પોલીસતંત્રને આદેશ આપ્યો છે.
સૌરાષ્ટ્રના પેરીસ ગણાતા મોરબી શહેર અગાઉ ઘડીયાલ અને નળીયા ઉદ્યોગ માટે જાણીતો હતો. પરંતુ છેલ્લા બે દાયકામાં આનું ચિત્ર પલટાઇ ગયું છે. મોરબીના સીરામીક ઉદ્યોગપતિ, વેપારીઓની કોઠા સૂઝના કારણે મોરબીના ટાઇલ્સ ઉદ્યોગે દેશ તો ઠીક વિદેશમાં પણ ભારતનો ડંકો વગાડી ચાઇના સાથે વ્યપારમાં બરોબરી કરી રહ્યું છે.
છેલ્લા બે દાયકામાં મોરબી-વાંકાનેરમાં 1000થી વધુ મોટા સીરામીક ઉદ્યોગો સ્થાપીત થયા છે. જેના કારણે રોજગારી મેળવવા મોરબી-વાંકાનેર પંથકમાં બહારના રાજ્યોમાંથી મોટા પ્રમાણમાં શ્રમીકો, મોરબીમાં ઉતરી પડ્યા છે.
મોરબી ટાઇલ્સ ઉદ્યોગમાં બહારના રાજ્યમાંથી અત્યાર સુધીમાં સવા લાખથી વધુ મજૂરો રોજગારી મેળવવા મોરબીને જ પોતાનું વતન બનાવી સ્થાયી થઇ ગયા છે. બહારના રાજ્યોમાંથી રોજગારી મેળવવા આવતા જરૂરીયાતમંદ બેરોજગાર યુવાનોની સાથે ગુનેગારી પણ મોરબીમાં ઉતરી પડ્યા છે. તેના કારણે મોરબીને ક્રાઇમરેટ દિવસેને દિવસે વધી રહ્યો છે.
મોરબીની ગુનાખોરીને ધ્યાને લઇ જિલ્લા કલેક્ટર દ્વારા એક જાહેરનામું પ્રસિધ્ધ કરી મોરબીમાં વસવાટ કરતા પરપ્રાંતિય મજૂરોની માહિતી એકત્ર કરવા પોલીસને હુકમ કર્યો છે. કલેક્ટરના જાહેરનામામાં મોરબી-વાંકાનેરના તમામ કારખાનેદારો, ફાઉન્ડ્રી ઉદ્યોગ, હિરા ઉદ્યોગ, બાંધકામ ઉદ્યોગ અને ખેતીમાં કામ કરતા પરપ્રાંતિય મજૂરોની ફરજીયાત નોંધણી કરવા પોલીસતંત્રને તાકીદ કરી છે. જેમાં મજૂરોના નામ, સરનામા, વતન, મોબાઇલ, નંબર તેમજ કારખાનેદાર ફાઉન્ડી ઉદ્યોગના માલિકોના નામ-સરનામા અને ફોટોગ્રાફ્સ સાથેની માહિતી આપવાની રહેશે.
મોરબી પરપ્રાંતિય મજૂરોની માહિતી ફરજીયાત કરતા સીરામીક ઉદ્યોગ તેમજ ફાઉન્ડ્રી ઉદ્યોગના માલિકોની કામગીરી આશાન થઇ જશે. જેના કારણે ગુનાખોરી અટકશે તેમ ઉદ્યોગપતિઓએ જણાવ્યું છે.
મોરબી શહેર અને વાંકાનેરની આજુબાજુના વિસ્તારોમાં સીરામીક, ફાઉન્ડ્રી ઉદ્યોગમાં કામ કરતા સવા લાખથી વધુ મજૂરોની માહિતી એકત્ર કરી તેનું ઓળખકાર્ડ બનાાવવામાં આવશે જે પ્રક્રિયાપૂર્ણ થતા થોડો સમય લાગશે પરંતુ આવનારા સમયમાં ઉદ્યોગપતિઓ, કારખાનેદારો અને પોલીસતંત્રને મોટી રાહત મળશે તેમ જાણવા મળ્યું છે.