ભારે વરસાદના કારણે નીચાણવાળા વિસ્તારમાં લોકોના ઘરમાં પાણી ઘુસ્યા: લલુડી વોંકળીના લોકોનું લુહાર સમાજની વાડીમાં અને જંગલેશ્ર્વરના લોકોનું કોર્પોરેશનની શાળામાં સ્થળાંતર કરી જમવાની પણ વ્યવસ્થા કરાઈ
શહેરમાં ગત મધરાતથી વરસી રહેલા અનરાધાર વરસાદના કારણે સર્વત્ર પાણી-પાણી થઈ ગયું છે. નીચાણવાળા વિસ્તારમાં કેડ સમાણા પાણી ભરાઈ જવા પામ્યા છે. શહેરનો એક પણ રોડ એવો નથી કે જ્યાં પાણી ભરાયા ન હોય. લલુડી વોંકળી અને જંગલેશ્ર્વર વિસ્તારમાં લોકોના ઘરમાં પાણી ઘુસી જવાના કારણે 50થી વધુ લોકોનું સલામત સ્થળે સ્થળાંતર કરવા ફરજ પડી હતી. આ ઉપરાંત કોઈ દુર્ઘટના ન સર્જાય તે માટે સમગ્ર વિસ્તારમાં દોરડા બાંધી દેવામાં આવ્યા હતા. સ્થળાંતરીત કરાયેલા વિસ્તારોના લોકો માટે સેવાકીય સંસ્થાઓ દ્વારા જમવાની વ્યવસ્થા કરવામાં આવી હતી.
ગઈકાલ રાતથી શહેરમાં એકધારો વરસાદ વરસી રહ્યો છે. જેના કારણે આખુ રાજકોટ જાણે પાણીમાં ગરકાવ થઈ ગયું હોય તેવું લાગી રહ્યું છે. સર્વત્ર જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાવા પામી છે. મેયર ડો.પ્રદિપ ડવ, સ્ટે.કમીટીના ચેરમેન પુષ્કરભાઈ પટેલ અને પ્રદેશ ભાજપ અગ્રણી નીતિનભાઈ ભારદ્વાજ સહિતના લોકો સવારથી ફિલ્ડમાં છે. મ્યુનિ.કમિશનર અમિત અરોરા દ્વારા લોકોને ઘરની બહાર ન નીકળવા પણ તાકીદ કરવામાં આવી છે. શહેરમાં એકધારો વરસાદ પડી રહ્યો હોવાના કારણે નીચાણવાળા વિસ્તારમાં ઘરમાં પાણી ઘુસ્વા લાગ્યા છે. કોર્પોરેશનની ફાયર બ્રિગેડ શાખા આજે બપોરે લલુડી વોંકળી વિસ્તારમાંથી આશરે 30 લોકોનું લુહાર સમાજની વાડીમાં સ્થળાંતર કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત જંગલેશ્ર્વરમાં પણ વરસાદી પાણી ભરાવાના કારણે લોકોનું કોર્પોરેશનની શાળામાં સ્થળાંતર કરાયું હતું. અહીં સેવાકીય સંસ્થાઓ દ્વારા સ્થળાંતરીત કરાયેલા લોકો માટે રહેવા તથા જમવાની વ્યવસ્થા કરવામાં આવી હતી. આ લખાય રહ્યું છે ત્યારે પણ શહેરમાં અનરાધાર વરસાદ વરસી રહ્યો છે. જો મેઘરાજા સમયસર વિરામ નહીં લે તો સ્થિતિ વધુ વણસે તેવી દહેશત વર્તાઈ રહી છે.