ભાગ્યોદય હોટલે શનિવારે બપોરે જમીને નીકળેલા યુવાન પર સ્વીફટ કાર એ બાઇકમાં આવેલા સાત શખ્સોએ ધડાધડ ફાયરીંગ કયુ: રવિવારે સવારે યુવાનનું સારવાર દરમિયાન મોત: ત્રણ માસથી ચાલી આવતી અદાવત કારણભૂત
સુરેન્દ્રનગર જીલ્લાના માલવણ ધ્રાંગધ્રા હાઇવે પર ભાગ્યેદય હોટલે શનિવારે બપોરે જમીને બહાર નીકળતા યુવાન પર સ્વીફટ કાર અને બાઇકમાં આવેલા સાત શખ્સોએ ધડાધડ ચાર રાઉન્ડ ફાયરીંગ કરતા યુવાનને ગંભીર ઇજા સાથે સુરેન્દ્રનગરની મેડીકલ કોલેજમાં ખસેડાયો હતો જયાં રવિવારે સવારે યુવાનનું સારવાર દરમિયાન મૃત્યુ નિપજતા બનાવ ખુનના ગુનામાંં પલ્ટાયો હતો.
આ બનાવ અંગેની જાણવા મળતી વિગત મુજબ સુરેન્દ્રનગર જિલ્લાના પાટડી તાલુકાના ઝેઝરી ગામે રહેતા હનીફખાન કરીમખાન જનમલેક (ઉ.વ.41) નામના ટ્રાન્સપોર્ટના ધંધાર્થીએ બજાણા પોલીસ મથકમાં નોંધાવેલ ફરીયાદમાં આરોપી તરીકે પાટડી તાલુકાના માલવણ ગામના સંજાદરખાન બાનાજી ઉર્ફે કાળુબાત જનમલેક, બિસ્મીલ્લાખાન જનમલેક કાબુખાન સંભાજી જનમલેક, સાહીરખાન જોરરાવરખાન જનમલેક, પાટડીના ઝેઝરી ગામના ઇમરાનખાન મુરીદખાન જનમલેક, સીરાજખાન અબ્દુલખાન જનમલેક અને અબ્દુલખાન મામદખાન જનમલેકના નામ આપ્યા છે.
પોલીસ ફરીયાદમાં જણાવ્યા પ્રમાણે શનિવારે બપોરે ફરીયાદી હનીફખાન અને કેશરખાન એબમખાન જનમલેક (ઉ.વ.27) શનિવારે બપોરે ઇનેટવા કાર લઇ ધ્રાંગધ્રા માલવણ હાઇવે પર આવેલ ભાગ્યોદય હોટલે જમવા રોકાયા હતા.
આ વખતે અગાઉથી જ બન્ને મિત્રોને સ્વીફટ કાર અને બાઇકમાં પીછો કરી રહેલા આરોપીઓએ કેશરખાન જમીને પોતાની ઇનોવા કાર તરફ જતો હતો ત્યારે આરોપીઓએ તેના પર 1ર બોરની બંદુક અને તમંચાથી સરાજાહેર ચાર રાઉન્ડ ફાયરીંગ કર્યા હતા.
યુવાનને પગમા હાથમા: અને પડખામાં ચાર ગોળી ધુસી જતા ઘટના સ્થળે જ ઢળી પડયો હતો. પરંતુ ફરીયાદીએ હિંમત દાખવી તેને ઇનોવા કારમાં બેસાડી સારવાર અર્થે લઇ જતો હતો ત્યારે પણ બાઇકમાં રહેલા બે શખ્સોએ પીછો કરી ઇનોવા કાર પર ધડાધડ ફાયરીંગ કર્યા હતા.
ગંભીર રીતે ઘવાયેલા કેશરખાનને સુરેન્દ્રનગર મેડીકલ કોલેજમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો જેનું રવિવારે સવારે સારવાર દરમિયાન મૃત્યુ નિપજયું હતું. પોલીસની તપાસમાં કેશરખાનને ત્રણ માસ પહેલા ઝેઝરી અને માલવણ ગામના આરોપીઓ સાથે માથાકુટ થઇ હતી અને પોલીસ ફરીયાદ પણ નોંધાઇ હતી જેનો ખાર રાખી જુની અદાવતના કારણે કેશરખાનને ઘરેથી નીકળ્યો ત્યારથી પીછો કરી મોકો મળતા તેના પર ફાયરીંગ કરી હત્યા કરવામાં આવી હતી.
આ બનાવ અંગે પોલીસે ગુનો નોંધી વિશેષ તપાસ બજાણા પોલીસ સ્ટેશનના પી.એસ.આઇ. વી.એન. જાડેજા સહીતનો સ્ટાય ચલાવી રહ્યો છે.