સ્ક્રીનિંગ કમિટીની બેઠકમાં ઉમેદવારોની પસંદગી માટે ઘડાયા ધારા–ધોરણો મુરતિયાઓ નક્કી કરવા સમિતિ વિવિધ જિલ્લાની મુલાકાત લેશે
ગુજરાત વિધાનસભાની ચૂંટણી નજીક છે ત્યારે કોંગ્રેસે ઉમેદવારોની પસંદગી માટેની તૈયારી શ‚ કરી છે. ઉમેદવારો પસંદગી માટેના માપદંડો પણ કોંગ્રેસે ઘડી કાઢયા છે. ૭૦ વર્ષથી વધુની ઉંમરના, ૨૦ હજારથી વધુ વોટથી હારેલા અથવા બે વખત હારેલાને કોંગ્રેસ આગામી વિધાનસભામાં ટિકિટ આપશે નહીં.
ગઈકાલે મહારાષ્ટ્રના પૂર્વ મંત્રી બાલાસાહબ થોરાટની અધ્યક્ષતામાં સ્ક્રીનીંગ કમીટીની બેઠક મળી હતી. જેમાં કમીટી મેમ્બરોએ ઉમેદવાર પસંદગી માટે ધારા-ધોરણો ઘડી કાઢયા છે. આ કમીટીમાં ઉત્તરપ્રદેશ કોંગ્રેસના નેતા ગીરીશ ચોભણકર તેમજ પૂર્વ મંત્રી મિનાક્ષી નટરાજન અને અજય લાલુનો સમાવેશ થાય છે. આ બેઠકમાં ગુજરાત કોંગ્રેસના ભરતસિંહ સોલંકી સહિતના કોંગી આગેવાનો પણ હાજર રહ્યાં હતા.
સૂત્રોના જણાવ્યા મુજબ કોંગ્રેસે બે ચૂંટણી હારેલાને ટિકિટ ન આપવાનું નક્કી કર્યું છે. ઉપરાંત જેઓ અગાઉની ચૂંટણીમાં ૨૦ હજાર વોટથી હાર્યા હોય તથા ૭૦ વર્ષથી વધુની વયના હોય તેઓને પણ ટિકિટ ફાળવવામાં નહીં આવે. કોંગ્રેસે અગાઉ જ કુલ ૪૩ એમએલએને ટિકિટ ન ફાળવવાનો નિર્ણય લઈ લીધો છે. જેમાંથી ઘણા ધારાસભ્યો એવા છે કે જેઓ નવા ધારા-ધોરણમાં આવતા નથી. ટૂંક સમયમાં કમીટીના મેમ્બર ઉમેદવારોની પસંદગી માટે વિવિધ જિલ્લાઓની મુલાકાત લેશે. ત્યારબાદ કમીટી ધારાધોરણો હેઠળ આવતા ઉમેદવારોને ટિકિટ ફાળવવાનો વિચાર કરશે.