અબતક, ઋષિ મહેતા
મોરબી
મોરબીના ભકિતનગર સર્કલ પાસે ગેંગવોરના કારણે નામચીન મમુદાઢીની ગેંગ પર અંધાધુંધ ફાયરીંગ કરી માથાભારે મહમંદ હમીફ કાસમાણી ઉર્ફે મમુદાઢીની માથામાં ગોળી ધરબી દઇ હત્યા કરવાના પ્રકરણમાં પોલીસે અલગ અલગ ટીમો બનાવી સૌરાષ્ટ્ર-ગુજરાતમાં આરોપીના આશ્રમ સ્થાનો પર છાપા મારી ત્રણ આરોપીઓને ઉઠાવી લીધા છે જયારે બાકીના આરોપીઓને ઝડપી લેવા ભાવનગર-અમદાવાદમાં પોલીસે દરોડા પાડયા હોવાની માહીતી મળી રહી છે.
મોરબી ખાટકીવાસ તલવાડી શેરીમાં રહેતા જમીનના ધંધાર્થી અને માથાભારે શખ્સની છાપ ધરાવતા નામચીન મમુદાઢી ઉર્ફે મહમંદહનીફ કાસમાણી (ઉ.વ.પપ) અને તેના સાગ્રીતો તા. ૭ને મંગળવારે રાત્રે રાજકોટ વ્યવહારીક કામ પતાવી ફોચ્યુનર કારમાં ઘર તરફ જતા હતા ત્યારે મોરબી ભકિતનગર સર્કલ પાસે આરોપીઓએ પ્રિ પ્લાન મુજબ રોડ પર બોલેરો કાર આડી નાખી બોલેરો અને સ્વીયફટ કારમાં આવેલા ૧૩ શખ્સોએ ફોચ્યુનર કાર પર અંધાધુંધ ફાયરીંગ કરી મમુદાઢીને માથામાં ગોળી ધરબી દઇ હત્યા કરવામાં આવી હતી જયારે મહમંદ બકુમને પીઠમાં ગોળી ધરબી દઇ તેની હત્યાનો પ્રયાસ કર્યો હતો.
પોલીસની તપાસ ૯ માસ પહેલા મોરબી ખાટકીવાસમાં બાઇક ચલાવવા બાબતે મુસ્લીમના બે જુથ વચ્ચે માથાકુટ થયા બાદ ખેલાયેલા લોહીયાળ ધીંગાણામાં મૃતક મમુદાઢીના ભત્રીજા ઇમરાન કાસમાણી અને સામા પક્ષે આહીલ રફીકા માંડવીયાની હત્યા થઇ હતી. પોલીસે બન્ને પક્ષની ફરીયાદ પરથી સામ સામે હત્યાનો ગુનો નોંધી આરોપીઓની ધરપકડ કરી હતી.
મમુદાઢીના ભત્રીજાની હત્યાના ગુનામાં પકડાયેલ મેમણ વેપારી રફીક માંડવીયા ત્રણ માસ પહેલા જામીન પર છુટયો હતો પરંતુ મમુદાઢીની ખાટકીવાસ વિસ્તારમાં માથાભારેની છાપ હોય તે મારી નાખશે તેવા ડરથી મેમણ વેપારીએ ખાટકીવાસ છોડી દઇ ટંકારા પોતાના નવા મકાનમાં રહેવા જતો રહ્યો હતો.
સતત ભયના ઓથાર વચ્ચે જીવી રહેલા વેપારી રફીક માંડવીયાએ નામચીન મમુદાઢીનું કાસળ કાઢી નાખવાનું નકકી કરી મમુદાઢીના દુશ્મનોને ભેગા કરી પૈસાની લાલચ આપી હત્યાનો પ્લાન ઘડી કાઢયો હતો.મમુદાઢીની હત્યા માટે મેમણ વેપારીએ પૈસા પાણીની જેમ વાપરી હથીયારો અને વાહનોની સગવડતા કરી આપી હતી અને મંગળવારે રાત્રે હત્યાને અંજામ આપ્યો હોવાનું પોલીસની તપાસમાં જાણવા મળ્યું છે.
પોલીસ માટે પડકારપ ગેંગવોરમાં સંડોવાયેલા આરોપીઓને ઝડપી લેવા એ ડીવીઝન, એલ.સી.પી. અને એચ.ઓ.જી. ની અલગ અલગ ટુકડીઓ બનાવી કોમ્બીંગ હાથ ધરી ગુનામાં સંડોવાયેલ ત્રણ શખ્સોને ઉઠાવી લીધા હતા. જયારે બાકીના આરોપીઓ ભાવનગર અને અમદાવાદ તરફ નાસી ગયાની બાતમી પરથી પોલીસની ટીમો દ્વારા તેમના આશ્રય સ્થાનો પર દરોડા પાડયા છે.
બીજી બાજુ પોલીસે ગઇકાલે જ મોરબીના કાલીકા પ્લોટ, ખાટકીવાસમાં ચાંપતો બંદોબસ્ત ગોઠવી દીધો છે અને ઉપરાંત ટંકારા ખાતે આરોપી હનીફ માંડવીયાના ઘર પર પણ પોલીસ તહેનાત કરી દેવામાં આવી છે.
મમુદાઢીની પોલીસના બંદોબસ્ત વચ્ચે અંતિમ યાત્રા
મોરબી ભકિતનગર સર્કલ પાસે મંગળવારે રાત્રે નામચીન મમુદાઢી ઉર્ફે મહમંદહનીફ કાસમાણી (ઉ.વ.પપ) પર અંધાધુંધ ફાયરીંગ કરી હત્યા કરવામાં આવી હતી ગઇકાલે મમુદાઢીના મૃતદેહને પોસ્ટ મોર્ટમ અર્થે રાજકોટ ખસેડવામાં આવ્યો હતો જયાં ફોરેન્સીક પી.એમ. બાદ પરિવારને મૃતદેહ સોંપવામાં આવ્યો હતો. અને બુધવારે સાંજે તેના નિવાસ સ્થાનેથી અંતિમ યાત્રા નીકળી હતી જેમાં હજારો લોકો જોડાયા પોલીસે પણ ચાંપતો બંદોબસ્ત ગોઠવી દીધો હતો.