અબતક, રાજકોટ
આજના ૨૧મી સદીના આધુનિક યુગમાં ડિજિટલ સેવાઓનો વ્યાપ વિસ્તાર ખૂબ વધતો જઈ રહ્યો છે. મોટાભાગની સેવાઓ ઘર આંગણે આંગળીના ટેરવે મળતી થઇ છે. આ માત્ર આપણું વ્યવહારૂ જીવન અને રોજબરોજની પ્રવૃત્તિઓને જ સરળ નહીં પણ અર્થતંત્રને વેગ આપવા માટે પણ ખૂબ જરૂરી અને મોટું માધ્યમ બન્યું છે. ભારતમાં હાલ જાણે આર્થિક સુધારણાનો બીજો દોર ચાલી રહ્યો હોય તેમ ડિજિટલાઈઝેશન અને કૌશલ્યપૂર્ણ નિકાસ અર્થતંત્રની ગાડીને પુરપાટ ઝડપે દોડાવવા માટે મહત્વનો ભાગ ભજવી રહ્યા છે.
આ અંગે એચએસબીસી હોલ્ડિંગ્સ પીએલસીના અર્થશાસ્ત્રીઓ જણાવે છે કે ડિજિટલ અપનાવવાની અને ઉચ્ચ કુશળ નિકાસ ભારતમાં આર્થિક વૃદ્ધિ અને નોકરીઓની નવી તકો તરીકે ઉભરી આવી છે. ઈ-કોમર્સ ક્ષેત્રે પણ ભારત ચીન સહિતના દેશોને ટક્કર આપવા પ્રયત્નશીલ બન્યુ છે. એમાં પણ તાજેતરમાં એમેઝોન અને ગુજરાત સરકાર વચ્ચે થયેલા કરારને ખૂબ મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યા છે. મલ્ટીનેશનલ કંપની એમેઝોન સાથે કરાર થતાં ગુજરાતના લઘુ તેમજ મઘ્યમ કદના ઉધોગોને એક વૈશ્વિક પ્લેટફોર્મ મળશે. ગુજરાતી ચીજ-વસ્તુઓની નિકાસ હવે વધુ વેંગવતી બનશે અને આ બાબત પરોક્ષપણે દેશની નિકાસ અને સર્વાંગી વિકાસમાં મહત્વપૂર્ણ સાબિત થશે.
એચએસબીસીના વિશ્લેષકોએ જણાવ્યું કે, બે નવા આર્થિક એન્જિનો ભારતની સૌથી મોટી યુવા શ્રમશક્તિ તેમજ વૈશ્વિક પરિવર્તન છે. જે ભારતીય અર્થતંત્રને વેગવંતુ બનાવવામાં મદદરૂપ થશે. એચએસબીસીના ચીફ ઈન્ડિયા ઈકોનોમિસ્ટ પ્રાંજુલ ભંડારીના નેતૃત્વમાં એચએસબીસીના સંશોધકોએ એ તારણ કાઢ્યું છે કે, ભારતના સ્ટાર્ટઅપ્સમાં જાણે તારલાઓ જોડાયેલા હોય તેવું લાગે છે. વૈશ્વિક પ્રવાહિતા, વધતી જતી માંગ અને ભૌગોલિક રાજકીય ફેરફારોએ દેશમાં અનેક ક્ષેત્રે પુરવઠો વધાર્યો છે.
ભારતીય નવા જમાનાની ટેક કંપનીઓમાં ઝડપી વૃદ્ધિએ સ્થાનિક માંગમાં વધારો કર્યો છે. એચએસબીસીનો અંદાજ છે કે ભારતમાં વિદેશી રોકાણ પ્રવાહનો અડધો ભાગ “ડિજિટલ” બની ગયો છે. જે એક દાયકા પહેલા ૨૦% હતો. નવા જમાનાની ટેક કંપનીઓ સાથે મોબાઈલ ફોન, મશીનરી, ફાર્માસ્યુટિકલ પ્રોડક્ટ્સ અને ઇન્ફર્મેશન ટેકનોલોજી સેવાઓની માંગને કારણે ઉચ્ચ કૌશલ્યની નિકાસ વૈશ્વિક બજારમાં વધી છે જે ભારતીય અર્થતંત્ર માટે હકારાત્મક પાસું છે.
MSMEને અમેઝિંગ બનાવવા કવાયત ગુજરાતની ચીજ-વસ્તુઓને વૈશ્ર્વિક ફલક મળશે
ગુજરાતની હવામાં જ વેપાર છે એ વાત આખું વિશ્વ જાણે છે. ગુજરાતીઓ વેપાર માટે જાણીતા છે. કદાચ તક ન પણ મળે તો પણ ગુજરાતીઓ તક શોધી કાઢીને વેપાર કરી લેવાનું સામર્થ્ય ધરાવે છે. ગુજરાતીઓના આ હુન્નરને પારખીને હવે એમેઝોન પણ ગુજરાતમાં આવ્યું છે. એમાં પણ આજના ટેક્નોલોજીલ યુગમાં ડિજિટલ સેવાઓના ઉપયોગ વિના છૂટકો નથી. એટલે જ તો આજના સમયે ઈ-કોમર્સ પ્લેટફોર્મ ધમધમ્યા છે. જેનો સહારો લઈ હવે ગુજરાતના લઘુ, નાના અને મધ્યમ કદના ઉધોગો વૈશ્વિક ફલક મેળવશે. એટલે કે હવે ગુજરાતનો માઈક્રો, સ્મોલ એન્ડ મીડિયમ એન્ટરપ્રાઈઝ- એમએસએમઈ ઉધોગ “અમેઝિંગ” બનશે..!!
તાજેતરમાં રાજ્યના ઉદ્યોગ અને ખાણ વિભાગ તેમજ એમેઝોન વચ્ચે મહત્વના કરાર થયા છે. જે મુજબ એમેઝોન રાજ્યમાં એમ.એસ.એમ.ઈ કલસ્ટર ધરાવતા મુખ્ય શહેરો અમદાવાદ, વડોદરા, સુરત અને ભરૂચ સહિતના સ્થળોએ બીટુસી ઈ-કોમર્સ એક્સપોર્ટ અંગે ટ્રેનિંગ સેશન, વેબીનાર તેમજ વર્કશોપનું આયોજન કરશે. ગુજરાતના નાના ઉદ્યોગકારોને તાલીમ આપી તેમની ચીજવસ્તુ અને ઉત્પાદનોને વૈશ્વિક સ્તરે કઈ રીતે વેચી શકાય, કઈ રીતે માર્કેટિંગ કરી શકાય તે માટે તાલીમબદ્ધ કરશે. એમેઝોન ખાસ કરીને કાપડ ઉદ્યોગ, હીરા જવેરાત તેમજ હસ્તકલા કારીગરીની ચીજ વસ્તુઓ અને સ્વાસ્થ્ય ક્ષેત્રની પ્રોડક્ટને વિશ્વભરના ગ્રાહકો સુધી પહોંચાડવામાં મોટી મદદરૂપ થશે.