અબતક, દર્શન જોશી
જુનાગઢ
ભરતી પ્રક્રિયામાં ગેરરીતિ મામલે જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીના પૂર્વ વાઇસ ચાન્સેલર અને તેના પુત્ર સામે જુનાગઢ કોર્ટે તપાસનો આદેશ કરતા જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીના અધિકારી વર્તુળમાં સહિતા રાજકીય વર્તુળોમાં ભારે ચર્ચાઓ સાથે ખડખડાટનો માહોલ મચી જવા પામ્યો છે.
જુનાગઢના જાગૃત નાગરિક વિરલ એ. જોટવા એ જૂનાગઢ એસીબી નિયામક અને અધિક નિયામકને સંબોધીને પોતાની ફરિયાદ આપી હતી. જેમાં જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીના તાજેતરમાં જ નિવૃત્ત થયેલા વાઇસ ચાન્સલર વિઠ્ઠલભાઈ પી ચોવટીયાના પુત્ર જયકુમાર વિઠ્ઠલભાઈ ચોવટીયા જે હાલમાં મદદનીશ પ્રાધ્યાપક તરીકે ખાપટ ફાર્મ ખાતે ફરજ બજાવે છે અને જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીના અભ્યાસના નિયમ મુજબ કૃષિ તજજ્ઞ અભ્યાસ કરેલ હોય તો જ તેઓને વધુ આગળ અભ્યાસ કરવા માટે મંજૂરી આપવામાં આવે છે, પરંતુ જયકુમાર વિઠ્ઠલભાઈ ચોવટીયા એ ગાંધીનગરની એક ઇન્સ્ટિટ્યૂટની પદવી મેળવી હોવા છતાં અને જૂનાગઢની કૃષિ યુનિવર્સિટી કે ગુજરાત રાજ્યની અન્ય યુનિવર્સિટીમાં આ કોર્સ ચલાવવામાં કે માન્ય રાખવામાં આવતો નથી તેમ છતાં તે સમયના વાઇસ ચાન્સલર એ તત્કાલીન સમયે પોતાની સત્તાનો દુરુપયોગ કરી પોતાના પુત્રને આગળ અભ્યાસ કરવા માટે પી.એચ.ડી. માં જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીમાં એડમિશન આપેલું હતું અને આગળ જતાં મદદનીશ પ્રાધ્યાપક તરીકે પણ આ જ અભ્યાસક્રમના આધારે નિમણૂક આપેલી હતી.
આ ઉપરાંત નિમણૂક કમિટીના તમામ સભ્યો એ જુનાગઢ કૃષિ યુનિવર્સિટીમાં આ પ્રકારનો કોઈ અભ્યાસક્રમ કે વિષયને માન્યતા ન હોવા છતાં તથા જય ચોવટીયા એ ડિગ્રી ગેરકાયદેસર મેળવેલી હોવાનું જાણવા હોવા છતાં ગેરકાયદેસર રીતે ભરતી કરી એકબીજા સાથે મેલાપણું કરી પોતાના કર્મચારીના દિકરા જય ચોવટીયાને ગેરકાયદેસર રીતે અને નિયમો વિરુદ્ધ નોકરીમાં ભરતી કરી લેવા માટે નીતિ નિયમો વિરુદ્ધ અને પોતાને મળેલી સત્તાનો દુરુપયોગ કરી પ્રિવેન્શન ઓફ કરપ્શન એકટ હેઠળ ગંભીર ગુનો કરેલ હોય તે અંગેની એસીબીને ફરિયાદ આપ્યા બાદ લગાતાર એક વર્ષ દરમિયાન ચાર વખત રિમાઇન્ડર કરવા છતાં એસીબી દ્વારા કોઈ એક્શન લેવામાં આવ્યા ન હતા.
દરમિયાન ફરિયાદી વિરલભાઇ એ. જોટવા એ પોતાના એડવોકેટ મારફત આખો મામલો કોર્ટ સમક્ષ મૂક્યો હતો ત્યારે જૂનાગઢના નામદાર પ્રિન્સિપાલ સેશન્સ જજ બુખારી એ આ મામલે ફરિયાદીની ફરિયાદ અરજીને ફોજદારી ઇન્કવાયરી રજીસ્ટર લેવા અને ક્રિમીનલ પ્રોસીજર કોડની કલમ ૨૦૨ મુજબ તપાસ માટે પોલીસ ઇન્સ્પેક્ટર એસીબી પોલીસ સ્ટેશન જુનાગઢને મોકલવા હુકમ કર્યો છે. તથા પોલીસ ઇન્સ્પેક્ટર એસીબી જુનાગઢને ૩૦ દિવસમાં ઇન્કવાયરી રિપોર્ટ રજૂ કરવા પણ આદેશ કરવામાં આવ્યો છે.
ભરતી પ્રક્રિયામાં ગેરરીતિ મામલે જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીના પૂર્વ વાઈસ ચાન્સલર ચોવટીયા અને તેના પુત્ર સામે તપાસના આદેશ થતાં જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીમાં તથા રાજકીય વર્તુળોમાં પણ આ બાબતે ચર્ચાઓ સાથે ખડખડાટનો માહોલ સર્જી દીધો છે.