કાપડ ઉદ્યોગ માટે ૧૦૬૮૩ કરોડના પેકેજની વડાપ્રધાનની જાહેરાત
ટેક્સ ટાઈલ ઉત્પાદન પ્રોત્સાહિત યોજના આધારે ભંડોળમાંથી ગુજરાત, પંજાબ, હરિયાણા, બિહાર, ઉત્તરપ્રદેશ, રાજસ્થાનને થશે ફાયદો : ટેક્સ ટાઇલ ઉદ્યોગમાં ભારતને વિશ્ર્વ સમોવડીયું બનાવવા સરકાર પ્રતિબધ્ધ સુરત, અમદાવાદ, રાજકોટમાં કપાસ સંલગ્ન ઉદ્યોગોને વિકાસમાં કોઇ વાતની કમી નહીં રહે
અબતક, રાજકોટ
કાપડ ઉદ્યોગને વેગવાન બનાવવા માટે સરકારે ચક્રોગતિમાન કર્યા છે. આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સરકારે ટેક્સ સ્ટાઇલ ઉદ્યોગ માટે પ્રોડક્શન લીંક સ્કિમ એટલે કે ઉત્પાદીત આધારિત પ્રોત્સાહન માટે ખાસ પેકેજની જાહેરાત કરી છે. વર્ષ-૨૦૨૧-૨૨માં અમલીય બનનાર આગામી પાંચ વર્ષની આ યોજનામાં ૧૩ ક્ષેત્રના વિકાસ માટે કુલ ૧.૯૭ લાખ કરોડની અલગ-અલગ યોજનાઓની જાહેરાત કરવામાં આવી છે. સરકાર આગામી પાંચ વર્ષ સુધીમાં ટેક્સ સ્ટાઇલ ક્ષેત્રને ૧૦,૬૮૩ કરોડ રૂ પિયાની ફાળવણીની જાહેરાત કરી છે.
આજની મોદી કેબિનેટની બેઠકના મહત્વના નિર્ણય
- ટેક્સટાઈલ ક્ષેત્ર માટે 10,683 કરોડ રૂપિયાની ઉત્પાદન આધારિત પ્રોત્સાહન સ્કીમને મંજૂરી
- ખેડૂતોને શેરડી પર પ્રતિ ક્વિન્ટલ મળશે રૂપિયા 290
- રવિ પાક માટે MSPમાં વધારો, ઘઉંના ભાવમાં પ્રતિ ક્વિન્ટલ રૂ. 40 વધ્યા
- મસુર અને સરસવના ટેકાના ભાવમાં 400 રુપિયાના વધારાને મોદી કેબિનેટની મંજૂરી
- ઘઉં ઉપરાંત જવમાં 35, ચણામાં 130 રૂપિયા પ્રતિ ક્વિન્ટલનો વધારો મંજૂર
કેબીનેટ મંત્રાલય દ્વારા લેવાયેલા મહત્વના નિર્ણયમાં કાપડ ઉદ્યોગ માટે પી.એલ.આઇ. સ્કિમની સાથેસાથે ખેત પેદાશોની ટેકાના ભાવમાં પણ વધારો કરવાનો નિર્ણય લીધો છે.વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં યોજાયેલી કેબીનેટની બેઠકમાં લેવાયેલાં નિર્ણય અંગે કેન્દ્રિય માહિતી પ્રસારણમંત્રી અનુરાગ ઠાકુરે વિગતો જાહેર કરતાં જણાવ્યું કે કાપડ ઉદ્યોગ માટે ઉત્પાદન આધારિત પ્રોત્સાહન માટે સરકારે ૧૦,૬૮૩ કરોડની ફાળવણી કરી છે.
જેમાં કપાસના ટેકાના ભાવથી લઇ ઉદ્યોગોની સ્થાપના, પરિવહન વ્યવસ્થા અને આંતરમાળખાકીય સુવિધા ઉભી કરી ઉત્પાદન વધારી ટેક્સ સ્ટાઇલ ક્ષેત્રમાં આયાત ઘટાડવાનું લક્ષ્ય રાખવામાં આવ્યું છે. કેન્દ્રિય મંત્રી પિયુષ ગોયલે જણાવ્યું હતું કે અત્યાર સુધી આપણે સુતરાવ કાપડ પર ધ્યાન આપતા આવ્યા છીએ હવે આંતરરાષ્ટ્રીય બજારમાં ભારતનો દબદબો વધારવા ભારત માનવ નિર્મિત ફાઇબરના ઉત્પાદનમાં કાઠું કાઢે તેવી વ્યવસ્થા અને ગુજરાત, ઉત્તરપ્રદેશ, મહારાષ્ટ્ર, તામિલનાડુ, પંજાબ, આંધ્રપ્રદેશ, તેલંગાણાના ૩ અને ૪ કક્ષાના શહેરોમાં ઉદ્યોગોની સ્થાપના કરવામાં આવશે.
ગુજરાતમાં સુરત, અમદાવાદ અને રાજકોટ જિલ્લાઓને લક્ષ્યમાં રાખવામાં આવ્યા છે. સૌરાષ્ટ્ર-ગુજરાતમાં ઉંચી ગુણવત્તાવાળા કપાસની ઉપલબ્ધી છે. હવે કપાસ આધારિત ટેક્સ સ્ટાઇલ ઉદ્યોગને પ્રોત્સાહન આપવા માટે સરકાર આગામી પાંચ વર્ષમાં ૧૦,૬૮૩ કરોડ રૂ પિયાનું પેકેજ વાપરશે.