અબતક, રાજકોટ
ભારતીય શેર બજારમાં છેલ્લા ઘણા સમયથી ચાલી આવતી વણથંભી તેજી આગામી દિવસો વધુ વેગવંતીને તેવા સુખદ આસાર દેખાય રહ્યા છે. ટેલીકોમ ક્ષેત્રને ઉગારવા માટે કેન્દ્ર સરકાર દ્વારા આગામી દિવસોમાં બેલ આઉટ પેકેજ જાહેર કરવામાં આવશે જેનાથી બજારમા તેજીને વધુ વેગમળશે. ખાસ કરીને ટેલીકોમ ક્ષેત્રનાં શેરોના ભાવમાં ઉછાળો જોવા મળશે.
છેલ્લા ઘણા સમયથી ભારતીય શેર બજાર રોજ નવી ઉંચાઈ હાંસલ કરી રહ્યું છે. ગઈકાલે મંગળવારે સેન્સેકસે ૫૮૫૫૩.૦૭ અને નિફટીએ ૧૭૪૩૬.૫૦ પોઈન્ટનો નવો લાઈફ ટાઈમ હાઈ બનાવ્યો હતો જોકે ત્યારબાદ બજારમાં ૫૪૮ પોઈન્ટની અફરા તફરી જોવા મળી હતી. આજે બજાર રેડઝોનમાં ખૂલ્યું હતુ પરંતુ ટેલીકોમ ક્ષેત્રને ઉગારવા માટે કેન્દ્ર સરકાર દ્વારા પેકેજ જાહેર કરવામાં આવે તેવી પ્રબળ સંભાવના રહેલી હોય જેની અસર તળે આગામી દિવસોમાં શેર બજાર નવી ઉંચાઈએ આંબશે તેવું જાણકારો માની રહ્યા છે.
સેન્સેકસ અને નિફટીમાં સામાન્ય ઘટાડો ડોલર સામે રૂ પીયો ૧૮ પૈસા તુટયો
આજે સેન્સેકસ અને નિફટી નજીવા ઘટાડા સાથે ખૂલ્યા હતા બૂલીયન બજારમાં ઉછાળા જોવા મળ્યા હતા. જયારે અમેરિકી ડોલર સામે ભારતીય રૂ પીયો ૧૮ પૈસા તુટયો હતો. અને ૭૩.૬૦ પર ટ્રેડ કરી રહ્યો છે. જયારે સેન્સેકસ ૧૧ પોઈન્ટના ઘટાડા સાથે ૫૮૨૬૮ અને નિફટી ૫ પોઈન્ટના ઘટાડા સાથે ૧૭૩૫૭ પર કામકાજ કરી રહ્યા છે.