ચાઈનીઝ વિટામિનની આયાત પર ૫ વર્ષ સુધી એન્ટી ડમ્પિંગ ડ્યુટી લાડવા ડિજિટીઆરની ભલામણ
અબતક, નવી દિલ્લી
મોદી સરકારનો એક નિર્ણય ચીનને મોટો ફટકો આપી શકે છે. વાણિજ્ય મંત્રાલયની તપાસ શાખા ડાયરેકટર જનરલ ઓફ ટ્રેડે(ડિજીટીઆર)સ્થાનિક ઉત્પાદકોને સસ્તા આયાતથી બચાવવા માટે પાંચ વર્ષ માટે ચીનના વિટામિન-સી પર એન્ટી-ડમ્પિંગ ડ્યૂટી લાદવાની ભલામણ કરી છે.
ડીજીટીઆરએ તેની તપાસમાં જણાવ્યું હતું કે, ચાઇનીઝ આયાતી વિટામિન વેચાણ કિંમત કરતાં ઓછી કિંમતે આવી રહી છે અને સ્થાનિક બજારમાં લોકલ વિટામિનની વેચાણ કિંમત કરતા ઓછી કિંમતે વેંચાઈ રહી છે. ડિજિટીઆરએ એક નોટિફિકેશનમાં કહ્યું છે કે, ડમ્પ કરેલી આયાતને કારણે સ્થાનિક ઉદ્યોગને અસર થઈ છે.
નોટિફિકેશનમાં વધુમાં કહેવામાં આવ્યું છે કે, કેન્દ્ર સરકાર દ્વારા જારી કરવામાં આવતી નોટિફિકેશનની તારીખથી પાંચ વર્ષના સમયગાળા માટે ચીનમાં ઉત્પાદિત અથવા ચીનથી નિકાસ થતી વિટામિનની આયાત પર નિશ્ચિત એન્ટી-ડમ્પિંગ ડ્યુટી લગાવવાની ભલામણ કરવામાં આવી છે.
આંતરરાષ્ટ્રીય વેપારની ભાષામાં જ્યારે કોઈ દેશ અથવા પેઢી સ્થાનિક બજારમાં ઉત્પાદનના ભાવ કરતા નીચા ભાવે ઉત્પાદન નિકાસ કરે છે ત્યારે તેને ડમ્પિંગ કહેવામાં આવે છે. ડમ્પિંગ આયાત કરનાર દેશમાં તે ઉત્પાદનની કિંમતને અસર કરે છે જે ઉત્પાદક કંપનીઓના માર્જિન અને નફાને અસર કરે છે.
ડિજીટીઆરએ આયાત પર ૩.૨ ડોલર પ્રતિ કિલો ડ્યૂટીની ભલામણ કરી છે. નાણાં મંત્રાલય ડ્યૂટી વસૂલવાનો અંતિમ નિર્ણય લેશે. અન્ય નિર્ણયમાં વાણિજ્ય મંત્રાલયે ભારત-મોરેશિયસ મુક્ત વેપાર કરાર અંતર્ગત મોરેશિયસમાંથી અનાનસ, માલ્ટ બિયર, રમ સહિતની કેટલીક વસ્તુઓ માટે ડ્યૂટી દર ક્વોટા અને આયાત પ્રક્રિયા સૂચિત કરી છે. ભારત-મોરિશિયસ વ્યાપક આર્થિક સહકાર અને ભાગીદારી કરાર એક પ્રકારનો મુક્ત વેપાર કરાર છે જે ૧ એપ્રિલથી અમલમાં આવ્યો છે. આ કરારમાં ભારત માટે ૩૧૦ નિકાસ વસ્તુઓ સામેલ કરવામાં આવી છે. તેમાં ખાદ્ય અને પીણા, કૃષિ ઉત્પાદનો, કાપડ અને કાપડનો સામાન, મૂળભૂત ધાતુઓ, વિદ્યુત અને ઇલેક્ટ્રોનિક વસ્તુઓ, પ્લાસ્ટિક અને રસાયણો અને લાકડાનો સમાવેશ થાય છે.
બીજી બાજુ મોરિશિયસને આ કરાર હેઠળ ભારતમાં તેના ૬૧૫ ઉત્પાદનો માટે પ્રેફરન્શિયલ માર્કેટ એક્સેસ મળે છે. તેમાં મરચી, માછલી, અમુક પ્રકારની ખાંડ, બિસ્કિટ, તાજા ફળો, જ્યુસ, મિનરલ વોટર, બિયર, આલ્કોહોલિક પીણાં, સાબુ, તબીબી અને સર્જીકલ સાધનો અને વસ્ત્રો વગેરેનો સમાવેશ થાય છે.