અબતક, મુંબઇ
એક્ટર અક્ષય કુમારના માતા અરુણા ભાટિયાનું બુધવારે સવારે નિધન થયું છે. થોડા દિવસ પહેલા જ તેમની તબિયત ખરાબ થતાં તેમને મુંબઈની એક હોસ્પિટલમાં આઈસીયુમાં દાખલ કરવામાં આવ્યા હતા. માતાને હોસ્પિટલમાં દાખલ કરાયા હોવાની જાણ થતાં જ અક્ષય કુમાર તાત્કાલિક લંડનથી ફ્લાઈટ પકડીને મુંબઈ પરત આવ્યો હતો અને મુશ્કેલીના સમયમાં માતાની પડખે રહ્યો હતો. પિતા બાદ હવે માતા ગુમાવનારો અક્ષય કુમાર અત્યંત દુઃખી છે અને તેમના નિધનના સમાચાર તેણે સોશિયલ મીડિયા પર આપ્યા છે.
અક્ષય કુમારે માતાના નિધન વિશે સમાચાર આપતા કહ્યું તેઓ મારા અસ્તિત્વનો મહત્વનો ભાગ હતા
અક્ષય કુમારે લખ્યું છે કે ‘તેઓ મારા માટે મહત્વના હતા અને મારા અસ્તિત્વના ખૂબ મહત્વના ભાગને ગુમાવીને અત્યંત પીડા અનુભવી રહ્યો છું. મારા માતા અરુણા ભાટિયા આજે સવારે શાંતિની સાથે આ દુનિયા છોડીને ચાલ્યા ગયા અને હવે તેઓ બીજી દુનિયામાં મારા પિતાને મળશે. હું અને મારો પરિવાર આ સમયમાંથી પસાર થઈ રહ્યા હોવાથી પ્રાર્થના કરવાની વિનંતી કરું છું. ઓમ શાંતિ’.
હજી એક દિવસ પહેલા જ અક્ષય કુમારે પ્રાર્થના કરવા બદલ ફેન્સનો આભાર માન્યો હતો અને જણાવ્યું હતું કે આ સમય તેના પરિવાર માટે કેટલો મુશ્કેલીભર્યો છે. અક્ષય કુમારે લખ્યું હતું કે, ‘તમે લોકોએ મારા માતાના સ્વાસ્થ્યને લઈને ચિંતા દર્શાવી છે તે મારા દિલને સ્પર્શી ગઈ છે. હું તેને શબ્દોમાં વર્ણવી શકું તેમ નથી. મારા પરિવાર તેમજ મારા માટે આ ખૂબ મુશ્કેલ સમય છે. તમારા લોકોની દરેક પ્રાર્થના અમારા માટે મહત્વની છે’.
અક્ષય કુમાર તેની માતાની ખૂબ નજીક હતો. અગાઉ આપેલા એક ઈન્ટરવ્યૂમાં તેણે કહ્યું હતું કે ‘એક માતા અને પુત્ર વચ્ચેનું બંધન મજબૂત છતાં નમ્ર હોય છે. અમારે વચ્ચે કોઈ બાબત આવી શકે નહીં. હું તેમના વગર કંઈ જ નથી’