હિતેશ રાવલ, સાબરકાંઠા:
રામાયણમાં સૌથી ચર્ચિત પાત્ર રાવણનું બની રહ્યું હતું. સાથોસાથ રાવણનો રોલ અદા કર્યા બાદ સાબરકાંઠાના ઈડરના કુકડીયા ગામના વતની અરવિંદ ત્રિવેદીને ભગવાન રામ તેમજ ભગવાન શિવ ઉપર અનોખી આસ્થા નિર્માણ પામી હતી. જેના પગલે દર વર્ષે અરવિંદ ત્રિવેદી ભગવાન રામની પૂજા તેમજ શ્રાવણ માસમાં ભગવાન શિવની વિશેષ પૂજા અર્ચના કરે છે જે સિલસિલો છેલ્લા ત્રણ દાયકાથી યથાવત રહ્યું છે ત્યારે આજે શ્રાવણના અંતિમ દિવસે અરવિંદ ત્રિવેદીએ પૂજા અર્ચના કરી હતી.
શ્રાવણના છેલ્લા દિવસ અને સાથે સાથે સોમવતી અમાસ નિમિત્તે રામાયણ સિરિયલમાં રાવણના પાત્ર થકી જગપ્રખ્યાત બનેલા અરવિંદ ત્રિવેદીની નાદુરસ્ત તબિયત હોવા છતાં લંકેશ્વર મહાદેવની વિશેષ પૂજા કરી તેમજ સાથો સાથ રાવણે રામની શિવની પણ પૂજા કરી અને કોરોના મહામારીથી જગત આખાને જલ્દી છુટકારો આપે તેવી અભિલાષા વ્યક્ત કરી હતી.
ઇડર સ્થિત તેમના નિવાસસ્થાને પૂજ્ય મોરારિબાપુના હસ્તે સ્થાપિત થયેલા લંકેશ્વર મહાદેવની વિશેષ પૂજા-અર્ચના કરી જગત આખામાંથી કોરોના મહામારી નાબૂદ થાય તેવી ભગવાન શિવ પાસે પ્રાર્થના કરી હતી.
આ તબક્કે તેમની મિત્રતાની મિસાલ પૂરી પાડી અભ્યાસ સમયના ઉજ્જૈનના મિત્રોને ખાસ હાજર રાખ્યા હતા. જો કે એક તરફ તેમની નાદુરસ્ત તબિયત હોવા છતાં ભગવાન પ્રત્યેની આ અનોખી આસ્થા અનાયાસે પ્રગટ થતી હોય તેવા દ્રશ્યો સર્જાયા હતા.
ભગવાન શિવને બીલીપત્ર અભિષેક કરવામાં આવ્યા અને ભગવાન રામજી પૂજા અર્ચના કરી ભક્તિમાં લિન થયા હતા. તેમના પરિવારે પણ પૂજા અર્ચના કરી હતી. આ તબક્કે અરવિંદ ત્રિવેદીએ જણાવ્યું હતું કે કોરોના મહામારીને પગલે સમગ્ર વિશ્વને ઘણું ભોગવવાનું આવ્યું છે ત્યારે મહાદેવની કૃપાથી હવે કોરોના દૂર થાય તો દુનિયા ફરીથી ધબકતી થાય તેમ છે ત્યારે ભગવાન શિવ કોરોના મહામારીથી બચાવે તેવી વિશેષ પ્રાથના કરી હતી.