અબતક, રાજકોટ
કેરળ અને મહારાષ્ટ્રમાં કોરોનાના કેસ સતત વધી રહ્યાં છે. બીજી તરફ ગુજરાતમાં હવે કોરોના વિદાય લેવા ભણી આગળ ધપી રહ્યો છે. રાજ્યમાં કોરોનાની ત્રીજી લહેર ન આવે તે માટે સરકાર દ્વારા તકેદારીના પગલાં લેવામાં આવી રહ્યાં છે. જે અંતર્ગત છેલ્લા ૪ દિવસથી કોર્પોરેશનની આરોગ્ય શાખા દ્વારા રેલવે સ્ટેશન, એરપોર્ટ અને બસસ્ટેશન પર કેરળ અને મહારાષ્ટ્રથી આવતા મુસાફરોનું સ્ક્રિનિંગ અને કોઇ મુસાફરને તાવ, શરદી કે ઉધરસ જણાય તો તેનું ટેસ્ટીંગ કરવામાં આવી રહ્યું છે. આ અંગે પ્રાપ્ત થતી વધુ વિગત મુજબ ગુજરાતમાં કોરોનાની ત્રીજી લહેરને અટકાવવા માટે સરકાર દ્વારા વિવિધ પગલાંઓ લેવામાં આવી રહ્યાં છે.
કેરળ અને મહારાષ્ટ્રમાં ફરવા ગયેલા લોકો પરત ફરી રહ્યાં છે. આ ઉપરાંત આ બંને રાજ્યોના સ્થાનિક નાગરિકો પણ શહેરમાં આવી રહ્યાં હોય રાજ્ય સરકાર દ્વારા કેરળ અને મહારાષ્ટ્રથી આવતા તમામ લોકોના સ્ક્રિનિંગ કરવા અને જો કોઇ વ્યક્તિ તાવ, શરદી, કે ઉધરસથી પીડતું હોય તો તેનું ટેસ્ટીંગ કરવાનું આદેશ આપવામાં આવ્યું છે. જેના પગલે કોર્પોરેશન આરોગ્ય શાખા દ્વારા ગત ૨૯મી ઓગષ્ટથી રેલવે સ્ટેશન, એરપોર્ટ અને બસસ્ટેશન ખાતે ૪ ટીમો ગોઠવી દેવામાં આવી છે.
ટીમ દ્વારા કેરળ કે મહારાષ્ટ્રથી આવતા મુસાફરોનું સ્ક્રિનિંગ કરવામાં આવે છે. છેલ્લા ૬ દિવસમાં ૨૫૦૦થી વધુ મુસાફરોનું સ્ક્રિનિંગ કરવામાં આવ્યું છે સાથોસાથ ૬૦૦ જેટલા મુસાફરો તાવ, શરદી કે ઉધરસથી પીડાઇ રહ્યાં હોય તેઓનું કોરોના ટેસ્ટ કરાવવામાં આવ્યો હતો. જો કે સદ્નસિબે એક પણ વ્યક્તિ સંક્રમિત હોવાનું સામે આવ્યું નથી.