કેબિનેટ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા, સૌરભ પટેલ, આર.સી. ફળદુ અને ગણપત વસાવા ઉપરાંત ગૃહ રાજયમંત્રી પ્રદિપસિંહ જાડેજાનો સમિતિમાં સમાવેશ: અનેક પ્રોજેકટના લોકાપર્ણ ખાતમુહુર્ત કરાશે
અબતક, રાજકોટ
વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીનો આગામી 17મી સપ્ટેમ્બરના રોજ 71મો જન્મદિવસ છે. જેની જાજરમાન ઉજવણી કરવા માટે ગુજરાત સરકાર દ્વારા પાંચ સિનિયર મંત્રીઅની એક સમિતિ બનાવવામાં આવી છે. પીએમના વડાપ્રધાનની સેવાકીય ઉજવણી કરવા માટે રાજયભરમાં વિવિધ પ્રોજેકટસના લોકાર્પણ તથા ખાતમુહુર્ત કરવામાં આવશે.
આગામી 17મી સપ્ટેમ્બરના રોજ વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીનો 71મો જન્મદિવસ છે. ત્યારે ગુજરાત પ્રદેશ ભાજપ દ્વારા રાજયના 7100 ગામોમાં રામજી મંદિરોમાં એક સાથે સંઘ્યા આરતી કરવાનો કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો છે. પીએમના 71માં જન્મદિનને યાદગાર બનાવવા રાજય સરકાર પણ મકકમ છે. આ માટે પાંચ મંત્રીઓની સમિતિની રચના કરવામાં આવી છે. જેમાં કેબીનેટ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા, સૌરભભાઇ પટેલ, આર.સી.ફળદુ અને ગણપત વસાવા ઉપરાંત ગૃહ રાજયમંત્રી પ્રદિપસિંહ જાડેજાનો સમાવેશ કરવામાં આવ્યો છે. જન્મ દિવસે માતા હિરાબાના આશીર્વાદ લેવા માટે વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી ગુજરાત આવશે કે કેમ? તે હજી ફાઇનલ થયું નથી પરંતુ ગુજરાત સરકાર જાજરમાન ઉજવણી ચોકકસ કરશે.
મોઢેરાના સૂર્ય મંદિરને દિવસ-રાત ઝગમગતો રાખવાના કોરિયન ટેકનોલોજી આધારિત રૂ. 69 કરોડના પ્રોજેકટનું સરકારી અને ખાનગી પ્રાથમીક શાળાઓમાં 8 હજાર કરોડના ખર્ચ હાથ ધરાઇ રહેલા સ્કુલ્સ ઓફ એકસેમેન્સ પ્રોજેકટ, પાકિસ્તાનની સરહદે બનાસકાંઠામાં નાડાબેડ ખાતે વાધા બોર્ડરની માફક રૂ. 200 કરોડથી વધુના ખર્ચે તૈયાર થયેલા સીમા દર્શન પ્રોજેકટ ઉદધાટનની રાહમાં છે આ ત્રણેય પ્રોજેકટનું વડાપ્રધાનના જન્મદિને લોકાર્પણ કરી દેવામાં આવે તેવી પ્રબળ સંભાળના હાલ જણાય રહી છે.
રાજય સરકાર દ્વારા વિવિધ વિકાસ કામોનું લોકાર્પણ અને ખાતમુહુર્ત કરી પીએમના જન્મદિનની ઉજવણી કરવાનું આયોજન ઘડવામાં આવી રહ્યું છે. જો વડાપ્રધાન જન્મદિને ગુજરાત આવશે તો તેઓના વરદ હસ્તે જ તમામ પ્રોજેકટનું લોકાર્પણ કે ખાતમુહુર્ત કરવામાં આવશે.