વિપીએન સાઇબર હેકર્સ સામે આપે છે સુરક્ષા: હેક થવાની શકયતા લગભગ શૂન્ય સમાન
અબતક, નવી દિલ્લી
વિપીએન એટલે કે વર્ચ્યુઅલ પ્રાઇવેટ નેટવર્ક. વીપીએન સેવા સામાન્ય વપરાશકર્તાની નાના અથવા મોટા વ્યવસાયની ગોપનીયતા માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. ઉદાહરણ તરીકે, જો તમે વિપીએનનો ઉપયોગ કરો છો, તો હેકરો, ટેલિકોમ પ્રોવાઇડર્સ અથવા કોઈપણ ત્રાહિત વ્યક્તિ માટે તમે ઇન્ટરનેટ પર શું કરી રહ્યા છો તે જાણવું લગભગ અશક્ય છે. આવી સ્થિતિમાં તમારી ઓળખથી લઈને સોશિયલ મીડિયા અને બેંક ખાતા પણ સુરક્ષિત છે.
વીપીએનના અન્ય ઘણા ફાયદા છે. ઉદાહરણ તરીકે, જો ટેલિકોમ કંપની દ્વારા કોઈ વેબસાઈટ પર પ્રતિબંધ મુકવામાં આવે તો તે એક્સેસ કરી શકાય છે. ભારતમાં ઓટીટી પર તમે અન્ય દેશોનું કન્ટેન્ટ સરળતાથી જોઈ શકો છો.
બીજા ઉદાહરણથી સમજી શકાય છે. જો તમે ભારતમાં નેટફ્લિક્સનો ઉપયોગ કરી રહ્યા છો, તો તમે અમેરિકન નેટફ્લિક્સનું કન્ટેન્ટ પણ જોઈ શકો છો.
સંસદીય સમિતિએ ગૃહ મંત્રાલયને કહ્યું છે કે, ભારતમાંથી વીપીએન પર કાયમ પ્રતિબંધ મુકવો જોઈએ. મેડિયાનામાના અહેવાલ મુજબ, આ સમિતિએ ગૃહ મંત્રાલયને સલાહ આપી છે કે ઇલેક્ટ્રોનિક્સ અને માહિતી ટેકનોલોજી મંત્રાલય અને ઈન્ટરનેટ સેવા પ્રદાતાઓના સહયોગથી દેશભરમાં વીપીએનને અવરોધિત કરવામાં આવે.
વીપીએનનો ઉપયોગ કરીને વપરાશકર્તાઓ સાયબર ગુનેગારોને ટાળી શકે છે. ઉદાહરણ તરીકે, જો તમે વાઈફાઈ સાથે જોડાયેલ ઈન્ટરનેટનો ઉપયોગ કરી રહ્યા છો તો હેકર્સ મોટા પ્રમાણમાં જાણી શકે છે કે તમે શું કરી રહ્યા છો.
જો તમે વિપીએનનો ઉપયોગ કરતા નથી તો પછી તમે હેકરો માટે સોફ્ટ ટાર્ગેટ છો. કારણ કે તમારા સંચારને હેક કરવાનું તેમના માટે સરળ છે. ખાસ કરીને ઓફિસમાં, એરપોર્ટ પર અથવા કોઈપણ સાર્વજનિક વાઇફાઇમાં જો તમે વીપીએન વગર કનેક્ટ કરો છો તો તમારું સોશિયલ મીડિયા એકાઉન્ટ હેક થવાની શક્યતા વધારે છે.
આ બધા સિવાય વિપીએનનો ઉપયોગ કરીને તમે ખાનગી કંપનીઓ અથવા સરકારની જાસૂસીથી પણ બચી શકો છો. વપરાશકર્તાઓ ઉપરાંત તે કંપનીઓ માટે પણ ખૂબ જ મહત્વપૂર્ણ છે. કારણ કે જો કંપનીઓનો સંદેશાવ્યવહાર સાયબર ગુનેગારના હાથમાં આવી જાય તો તેમને મોટું નુકસાન થઈ શકે છે.
જો કે અત્યાર સુધી વીપીએન પ્રતિબંધ અંગે સરકાર દ્વારા કંઇ કહેવામાં આવ્યું નથી. અપેક્ષિત છે કે,આગામી સમયમાં સરકાર દ્વારા આ અંગે નિવેદન જારી કરવામાં આવે.
શું ભારતમાં વીપીએન પર પ્રતિબંધ છે?
રિપોર્ટ અનુસાર, સરકાર ટૂંક સમયમાં ભારતમાં વિપીએન પર પ્રતિબંધ લગાવી શકે છે. તાજેતરમાં સંસદીય સ્થાયી સમિતિ દ્વારા કરવામાં આવેલી અરજી બાદ આ રિપોર્ટ આવ્યો છે. સમિતિ વતી એવું કહેવામાં આવ્યું છે કે, ભારત સરકારે દેશમાંથી વિપીએન પર પ્રતિબંધ મૂકવો જોઈએ. જેની પાછળ એવી દલીલ આપવામાં આવી છે કે વિપીએનનો ઉપયોગ કરવાથી દેશ જોખમમાં મુકાઈ શકે છે. સમિતિ વતી કહેવામાં આવ્યું છે કે, સાયબર અપરાધીઓ આનો ખોટો લાભ લઈ શકે છે. અહીં એવું પણ કહેવામાં આવે છે કે દેશમાં વીપીએન સેવાઓ સરળતાથી ઉપલબ્ધ છે.