મિયા-બીબી રાજી તો ક્યાં કરેગા કાજી..
બાળકની કસ્ટડી માટે મહિલાએ કરેલી અરજી દ્વારા આખો મામલો હાઈકોર્ટને ધ્યાને આવ્યા પછી બન્ને પક્ષો સાથે વાત કરીને સુખદ અંત લવાયો
સાટા પદ્ધતિ દ્વારા લગ્ન કર્યા પછી બે દંપતી લગ્ન સંબંધ તોડીને છૂટા થયા હતા, તેમના છૂટા થયાના ૭ મહિના કરતા વધુ સમય પછી બાળકોની કસ્ટડી મેળવવા માટે અરજી કરવામાં આવી હતી. એકના કારણે બે ઘર તૂટ્યા હોવાનું જાણીને હાઈકોર્ટે આ મામલે હસ્તક્ષેપ કર્યો અને પરંપરાગત લગ્નની જટીલતાઓનું સમાધાન લાવીને તેમના ફરી લગ્ન કરાવ્યા છે. હાઈકોર્ટે છૂટાછેડા બાદ બાળકોની કસ્ટડી લેવા માટે પહોંચેલા બે દંપતીના છોકરાઓના ભવિષ્યને ધ્યાનમાં રાખીને ફરી લગ્ન કરાવવામાં આવ્યા અને ‘વિવાદનો સુખદ અંત’ લાવી દીધો છે.
હાઈકોર્ટને પાટણ જિલ્લાની મહિલાએ પોતાના પતિ પાસેથી બે બાળકોની કસ્ટડી મેળવવા માટે કરેલી અરજી ધ્યાને આવતા તપાસમાં માલુમ પડ્યું કે, મહિલાએ છૂટાછેડા લઈ લીધા હતા. હાઈકોર્ટે અરજકર્તાની વધારે પૂછપરછ કરતા માલુમ પડ્યું કે તેમના લગ્ન સાટા પદ્ધતિ દ્વારા થયા હતા જે ઉત્તર ગુજરાતમાં પ્રચલિત છે.
અરજકર્તા મહિલાએ જણાવ્યું કે તેમના ભાઈ તથા પત્ની, કે જેઓ તેમના પતિના બહેન છે તેમના લગ્ન જીવનમાં ભંગાણ પડ્યું હતું, આ પછી તેમના લગ્નને પણ અસર થઈ હતી. છૂટાછેડા બાદ અરજકર્તાના બાળકો પતિ પાસે છે, સાટા પદ્ધતિ હોવાથી બીજા લગ્ન તૂટવાના કારણે પણ આ સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો હતો.
સાટા પદ્ધતિથી લગ્ન અને પછી એક લગ્નમાં ભંગાણ પડતા બે લગ્નો તૂટવાની ઘટનામાં હાઈકોર્ટે બન્ને પક્ષોને સમજાવ્યા કે તેમણે પોતાના બાળકોના સારા ભવિષ્ય માટે આ તકલીફનું યોગ્ય સમાધાન કરવું જોઈએ. જે પછી હાઈકોર્ટે આ કેસમાં પાટણ ડિસ્ટ્રિક્ટ લીગલ સર્વિસ ઓથોરિટીને મધ્યસ્થીની કામગીરી સોંપ્યો. કોર્ટે બીજા દંપતીને પણ મધ્યસ્થતા માટે બોલાવ્યા જેથી બાળકોની કસ્ટડીના વિવાદનું સમાધાન લાવી શકાય.
બાળકોની કસ્ટડી લેવા આવેલી મહિલા દ્વારા કોર્ટને જાણવા મળ્યું કે સાટા પદ્ધતિના કારણે લગ્નો તૂટ્યા છે તો બન્ને પક્ષોને સમજાવટ બાદ તેમણે ફરી લગ્ન માટે તૈયારી બતાવી હતી, ૧૫ જાન્યુઆરીએ સમાજના વડીલો સાથે ચર્ચા વિચારણા બાદ બન્ને દંપતીઓએ ફરી એક થવાનું નક્કી કર્યું, આ પછી તેમણે ૨૩ ઓગસ્ટના રોજ પોતાના તલાકને રદ્દ કરીને ફરી લગ્ન બંધનમાં બંધાવાનો નિર્ણય કર્યો. તેમણે પરિવાર અને કાયદાના જાણકાર લોકોની હાજરીમાં ફેર લગ્ન કરી લીધા હતા. આ સાથે તેઓ બાળકોની કસ્ટડીને લઈને ચાલતા વિવાદનો પણ અંત લાવવાનું નક્કી કર્યું.
મંગળવારે હાઈકોર્ટે આ ખુશ ખબર આપી હતી, જેમાં કોર્ટે જણાવ્યું કે બન્ને પક્ષો વચ્ચે સમાધાન થવાની સાથે તેમણે ફરીથી લગ્ન પણ કરી લીધા છે. કાર્યવાહક ચીફ જસ્ટિસ વિનીત કોઠારી અને જજ ઉમેશ ત્રિવેદીએ અરજીનો નિકાલ કર્યા અને બન્ને દંપતીએ ફરી લગ્ન કરી લેતા લીગલ સર્વિસ ઓથોરિટી તથા મધ્યસ્થી કરાવીને બન્ને દંપતીને સાથે લાવવા બદલ આભાર વ્યક્ત કર્યો છે.