દ્વાદશ જયોતિર્લીંગ, હનુમાનજી, દત્તાત્રેયજી, વિશ્ર્વકમાજી, અંબીકામાતાજી, લક્ષ્મીનારાયણ, સંતોષીમાતાજી, જલારામ, રાંદલ ભવાની માતાજી, વગેરેના નિજ મંદિરોનું નિર્માણ: વિવિધ ધાર્મિક તહેવારોની શ્રધ્ધા ભકિતથી કરવામાં આવતી ઉજવણી
અબતક,રાજકોટ
સૌરાષ્ટ્રમાં અમરેલી જિલ્લામાં ધારી મુકામે શેત્રુંજી નદીના કિનારે સુપ્રસિદ્ધ, દર્શનીય પાર્વતી પરમેશ્વરધામ જીવનમુકતેશ્વર મહાદેવનું મંદિર આવેલું છે, જ્યાં ભગવાન શિવપાર્વતીનું સજોડે મૂર્તિમંત સ્વરૂપ બિરાજમાન હોય તેવું ગુજરાતનું સૌ પ્રથમ એક માત્ર મંદિર છે ઉપરાંત દ્વાદશ જયોતિલિંગ દર્શન, શ્રી હનુમાનજી, શ્રી દત્તાત્રેયજી, શ્રી વિશ્વકર્માજી, શ્રી અંબિકામાતા, શ્રી લક્ષ્મીનારાયણ , શ્રી સંતોષીમા, શ્રી, રાંદલભવાનીમાં વગેરેના નિજ મંદિરોનું નિર્માણ થયું છે, તેમજ શ્રી રામ – જલારામ મંદિરનું નિર્માણ થયું છે. જ્યાં અનેક ભાવિકોની મનોકામનાઓ પૂર્ણ થાય છે . આ ભવ્ય મંદિરની વિશેષતા એ છે કે તેમાં દિવાલ પર ભગવદ્ગીતાના એકથી અઢાર અધ્યાયના તમામ શ્ર્લોક લખવામાં આવ્યા છે, તથા મંદિરની અંદર અરીસાઓ લગાડયાા છે. જેથી શ્રી રામ જલારામની સેંકડો મૂર્તિઓના ભાવવિભોર દર્શન થાય . પ્રતિ વર્ષ અહી જલારામ જયંતિ ઉજવાય છે . તથા અન્નકૂટ મહોત્સવનું આયોજન થાય છે. સુપ્રસિદ્ધ ભાગવતાચાર્ય મનહરલાલજી મહારાજનાં ભવ્ય સ્મૃતિમંદિરનું આ સ્થળે નિર્માણ થયું છે.
આ પવિત્ર સ્થાનમાં દિવ્યજીવન સંઘના સ્વામી અધ્યાત્માનંદજી મહારાજ, આણદાબાવા આશ્રમના મહંત શ્રી શાંતિપ્રસાદજી મહારાજ, કબીર આશ્રમના રામસ્વરુપદાસજી, ભજનિક સંત દેવેન્દ્ર વિજયજી, પૂ. ગીતાદેવીજી, જામનગરના ગિરધરલાલજી મહારાજ, જગન્નાથપુરીના શંકરાચાર્યજી, દ્વારકા શારદાપીઠના શંકરાચાર્ય શ્રી સ્વરૂપાનંદજી મહારાજ, રામાયણી શ્રી મોરારીબાપુ, ગોંડલનાથી હરિચરણદાસજી , જૂનાગઢના શ્રી બ્રહ્મગીરી બાપુ વગેરે સંતો મહાત્માઓની પાવન પધરામણી થઇ છે. આજે પીપળો, વડ, આંબળા, લીમડો, આસોપાલવ, પારસપીપળો, ભદ્રાક્ષ, સંતરા, નીલગિરિ, આંબા, ચીકુ, કેળ, નાળિયેરી, જાંબુ, જામફળ, ગુલમહોર, સીતાફળ, ચંપો, પપૈયા, લીંબુ, અંજીર વગેરે વૃક્ષોની રળીયામણી ઘટા આ સ્થળને ભરપૂર કુદરતી સૌંદર્ય, પક્ષીતીર્થ તથા શાંતિધામ તરીકે સાર્થક કરે છે.
અહી છેલ્લા 20 વર્ષોથી પ્રતિ વર્ષ શ્રીમદ્ ભાગવત સપ્તાહનું શ્રાવણ માસમાં આયોજન થાય છે. જેમાં જુદા જુદા ભાગવત કથાકારની અમૃતવાણીનો ભાવિકો લાભ લે છે. પ્રતિ વર્ષ શ્રાવણ વદ આઠમને જનમાષ્ટમીના પવિત્ર દિવસે કથામાં ધામધૂમથી નંદમહોત્સવ કૃષ્ણ જન્મ ઉજવાય છે. કથાની પૂર્ણાહૂતિ પ્રસંગે મંદિરના શિખર પરથી પ્રભુ પ્રસાદ રૂપે સાકર વર્ષાનું આયોજન થાય છે. નવરાત્રીના નવ દિવસ ધારીના ગીતા વિદ્યાલયની બાલિકાઓ અહીં માતાજીની આરાધના કરે છે . હજારો દર્શનાર્થીઓની ઉપસ્થિતિમાં મહાશિવરાત્રી, જન્માષ્ટમી, તુલસી વિવાહ ધામધૂમથી ઉજવવામાં આવે છે. પવિત્ર શ્રાવણ માસમાં દર સોમવારે શિવમંદિરમાં હિમાલય દર્શન, કૈલાસ દર્શન, ગંગા અવતરણ, શ્રીફળ મંદિર, કલાત્મક રંગાળી વગેરે દર્શનીય શોભા શણગારનું આયોજન કાર્યકરો કરે છે. જન્માષ્ટમી ઉપર મંદિરના વિશાળ પટાંગણમાં મોટો લોકમેળો યોજાય છે . ગીતા વિધાલય દ્વારા સંસ્કાર સિંચન માટે બાલ – મનોવિકાસ કેન્દ્ર ચાલે છે. આ સ્થાનમાં અવારનવાર નિષ્ણાંત તબીબોના નિ: શુલ્ક નિદાન યજ્ઞ યોજાય છે. દર્શનાર્થીઓ માટે પીવાના પાણીના બે પરબ, પ્રાણીઓ માટે પાણીનો અવેડો, પક્ષીઓને ચણ, સાધુસંતોને ભોજન, યુવા સંમેલન, રકતદાન શિબિર, બટુક ભોજન વગેરે સદપ્રવૃત્તિઓ અહીં નિયમિતપણે થાય છે. બહારગામથી આવતા દર્શનાર્થીઓ, મુલાકાતીઓ, સતાધારની યાત્રાએ જતા યાત્રાળુઓ તેમની પધ્યાત્રા દરમ્યાન પર્યાવરણના આ બેનમૂન સ્થળે વિસામો લઇને પાવન થાય છે. સૌરાષ્ટ્રની વિવિધ શાળા – કોલેજના શૈક્ષણીક પ્રવાસ, પર્યટન અહૈી યોજાય છે.
શેત્રુંજી નદીના કાંઠે લગભગ ચારસો જેટલા વિવિધ લીલાછમ વૃક્ષો, રંગબેરંગી પક્ષીઓનો કલરવ, દિવ્ય તથા મનોહર મૂર્તિઓ, તથા વિદ્વાન બ્રાહમણોના રુદ્રાભિષેકનો મંત્રોચ્ચાર, આહલાદક ઋષિકુળનું વાતાવરણ, દર્શનીય પ્રતિમાઓ, પ્રાકૃતિક સૌંદર્ય, નૈસર્ગિક વાતાવરણ, તથા લોક કલ્યાણની વિવિધ પ્રવૃત્તિઓથી આ જગ્યા એક પવિત્ર તીર્થસ્થળ તથા યાત્રાધામ તરીકે ભાવિકોના હૃદયમાં સ્થાન પામેલ છે . આ યાત્રાધામના દર્શને આવતા તમામ ભાવિકો અપાર શાંતિથી તથા અલૌકિક ચેતનાની અનુભૂતિ કરે છે. આ ભકિતધામમાં દિવ્ય દર્શનનો અનેરો લ્હાવોે લેવા અવશ્ય પધારો.