અભિનેતા અને બિગ બોસ 13 વિજેતા સિદ્ધાર્થ શુક્લાનું નિધન થયું છે. મુંબઈની કૂપર હોસ્પિટલમાં હાર્ટ એટેકથી મોત થયું છે. 40 વર્ષીય સિદ્ધાર્થ શુક્લાના નિધનથી બૉલીવુડ જગતમાં શોક વ્યાપ્યો છે.
મળતી માહિતી મુજબ, અભિનેતા સિદ્ધાર્થ શુક્લાએ રાત્રે સૂતા પહેલા કેટલીક દવા ખાધી હતી પરંતુ તે પછી તે આંખ ખોલી શક્યો ન હતો. મુંબઈની કપૂર હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો જ્યાં ડોક્ટરોની ટીમે પુષ્ટિ કરી કે સિદ્ધાર્થનું હાર્ટ એટેકથી નિધન થયું છે.
સિદ્ધાર્થ શુક્લાના અચાનક નિધનથી સમગ્ર બોલિવૂડ અને ટીવી ઉદ્યોગ શોકમાં ગરકાવ થયો છે. તમામ અભિનેતાઓ અને અભિનેત્રીઓ સિદ્ધાર્થ શુક્લાને શ્રદ્ધાંજલિ આપી રહ્યા છે.
બિગ બોસ અને ખતરોં કે ખિલાડી વિજેતા
ટીવી ઇન્ડસ્ટ્રીના નામી કલાકાર સિદ્ધાર્થ શુક્લાએ રિયાલિટી શો બિગ બોસની 13મી સીઝન જીતી હતી. આ ઉપરાંત તેણે ખતરોં કે ખિલાડીની સાતમી સિઝન પણ જીતી હતી. સિરિયલ બાલિકા વધુથી સિદ્ધાર્થ શુક્લે દેશના દરેક ઘરમાં પોતાની ઓળખ બનાવી હતી. મોડેલિંગથી પોતાની કારકિર્દીની શરૂઆત કરી બોલિવૂડ પર પણ પ્રભુત્વ જમાવ્યું હતું.
“બાલિકા વધુ” ટીવી શોથી મેળવી હતી નામના
12 ડિસેમ્બર 1980ના રોજ મુંબઈમાં જન્મેલા સિદ્ધાર્થ શુક્લાએ પોતાની કારકિર્દીની શરૂઆત એક મોડેલ તરીકે કરી હતી. વર્ષ 2004માં, તેણે ટીવી શોઝમાં અભિનયની શરૂઆત કરી. 2008માં “બાબુલ કા આંગણ છૂટેના” નામની ટીવી સિરિયલમાં દેખાયો હતો, પરંતુ તેની સાચી ઓળખ “બાલિકા વધુ” સિરિયલથી બની હતી. જેણે તેની ઘરે ઘરે નામના કરાવી હતી.