અબતક, નવી દિલ્લી
નાગરિક ઉડ્ડયન મંત્રાલયે બુધવારે જયપુર, ગુવાહાટી અને તિરુવનંતપુરમ એરપોર્ટ પર કસ્ટમ, ઇમિગ્રેશન અને સુરક્ષા સહિતની સેવાઓ આપવા માટે અદાણી જૂથ સાથે સમજૂતી કરાર (એમઓયુ) પર હસ્તાક્ષર કર્યા છે.
કેન્દ્રએ ફેબ્રુઆરી 2019 માં દેશના છ મુખ્ય એરપોર્ટ – લખનૌ, અમદાવાદ, મેંગલુરુ, જયપુર, તિરુવનંતપુરમ અને ગુવાહાટીનું ખાનગીકરણ કર્યું હતું અને સ્પર્ધાત્મક બિડિંગ પ્રક્રિયા દ્વારા અદાણી જૂથે 50 વર્ષ સુધી એરપોર્ટ સંચાલનનો અધિકાર મેળવ્યો હતો.
અદાણી જૂથે ગયા વર્ષે ઓક્ટોબર અને નવેમ્બરમાં લખનૌ, અમદાવાદ અને મેંગલુરુ એરપોર્ટનો હવાલો સંભાળ્યો હતો. બાકીના એરપોર્ટનો હવાલો લેવાનો બાકી છે.
જયપુર, ગુવાહાટી અને તિરુવનંતપુરમ એરપોર્ટ માટે એમસીએ(નાગરિક ઉડ્ડયન મંત્રાલય) અને અદાણી એન્ટરપ્રાઇઝ લિમિટેડ વચ્ચે આરક્ષિત સેવાઓ (કસ્ટમ્સ, ઇમિગ્રેશન, પ્લાન્ટ અને પશુ સંસર્ગ સેવાઓ, આરોગ્ય સેવાઓ, હવામાન અને સુરક્ષા સેવાઓ) માટે એક એમઓયુ પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા જેની માહિતી એમઓસીએ ટ્વિટર પર આપી હતી.
વધુમાં આ ત્રણ એરપોર્ટ પર કોમ્યુનિકેશન નેવિગેશન સર્વેલન્સ-એર ટ્રાફિક મેનેજમેન્ટ સેવાઓ પૂરી પાડવા માટેનો કરાર પણ બુધવારે અદાણી એન્ટરપ્રાઇઝ અને કેન્દ્ર સંચાલિત એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા વચ્ચે કરવામાં આવ્યો હતો.
એમઓયુ પર એમઓસીએના જોઇન્ટ સેક્રેટરી રૂબીના અલી અને અદાણી એન્ટરપ્રાઇઝના સિનિયર વાઇસ પ્રેસિડેન્ટ પરીક્ષિત કૌલે હસ્તાક્ષર કર્યા હતા.