રાજનેતાઓ સાથે રમતા અને અધિકારીઓ જોડે ઉજાગરા કરતા
અધિકારીઓની છત્રછાયામાં કોન્ટ્રાકટરની મનમાનીએ હદ વટાવી: ખુદ મેયર ડો.પ્રદિપ ડવ અને મ્યુનિ.કમિશનર અમિત અરોરાના આદેશનો પણ ઉલાળિયો
વોર્ડ નં.11 અને 12માં નિયત અવધી બાદ અપાયેલી વધારાની મુદત વિતવા છતાં સીસી રોડ બનાવવાનું કામ 60 ટકા પણ પૂર્ણ થયું નથી: બે ડઝન નોટિસ આપવા છતાં ઠેકેદાર નહીં સુધરતા હવે બ્લેક લીસ્ટ કરવાનો તખ્તો તૈયાર
અલગ અલગ સરકારી વિભાગના કામોનો કોન્ટ્રાકટ રાખ્યા બાદ કામ ન કરતા કોન્ટ્રાકટર સામે તમામ વિભાગોએ એક સાથે લાલ આંખ કરવાની તાતી જરૂરિયાત
નિયમોની આંટીઘુંટી અને કાયદાના ચક્રવ્યુહના કારણે કોન્ટ્રાકટરો સરકારી વિભાગના જાણે કે, જમાઈ બની જતાં હોય તેવી સ્થિતિ સર્જાઈ જવા પામે છે. શહેરના વેસ્ટ ઝોન વિસ્તારમાં વોર્ડ નં.11 અને 12માં અલગ અલગ 2 રાજમાર્ગો પર સીસી રોડ કરવાનો કરોડો રૂપિયાનો કોન્ટ્રાકટ મેળવનાર ભીમ સમા કોન્ટ્રાકટર પર અધિકારીઓ અને અમુક નેતાઓના ચાર હાથ હોવાના કારણે મુદત વિતવાના બમણા સમય બાદ પણ રોડનું કામ 60 ટકા પૂર્ણ થયું નથી.
કોર્પોરેશન માત્ર નોટિસ આપી આત્મસંતોષ માની લે છે. જમીની હાડમારી સ્થાનિક લોકોએ વેઠવી પડે છે. સરકારી કામોનો કોન્ટ્રાકટ રાખી કામો રઝડાવી દેવાની વૃતિ ધરાવતા આ કોન્ટ્રાકટર સામે હવે ખરેખર લાલ આંખ કરવાનો સમય આવી ગયો હોવાની ચર્ચા ચાલી રહી છે. અગાઉ 24 વખત નોટિસને કાગળીયો સમજી કચરા પેટીમાં પધરાવી દેનાર હિન્દુસ્તાન પ્રોજેકટસને હવે કોર્પોરેશનના તમામ કામમાંથી બ્લેક લીસ્ટ કરવાનો તખ્તો ઘડાયો હોવાનું જાણવા મળી રહ્યું છે.
આ અંગે વધુ પ્રાપ્ત વિગતો મુજબ શહેરના વોર્ડ નં.11માં મવડી મેઈન રોડથી બીડી કામદાર સોસાયટી સુધીના 12 મીટરના ટીપી રોડને રૂા.3.44 કરોડના ખર્ચે 1100 મીટરની લંબાઈ ધરાવતા આ માર્ગને સીસી રોડ બનાવવાનો કોન્ટ્રાકટ કોર્પોરેશન દ્વારા હિન્દુસ્તાન પ્રોજેકટસ નામની એજન્સીને આપવામાં આવ્યો હતો. તા.2-8-2019ના રોજ કામની મુદત વિતી ગઈ હતી. ત્યારબાદ 19 મહિના મુદતમાં વધારો કરવામાં આવ્યો હતો. 5 મે ના રોજ મુદત વધારાની અવધી પણ પૂર્ણ થઈ હતી છતાં હજુ રોડનું 60 ટકા કામ થયું છે. બમણો સમય વિતી ગયો હોવા છતાં આ એજન્સી દ્વારા કામને ઝડપ આપવામાં આવતી નથી.
હિન્દુસ્તાન પ્રોજેકટસને આ ઉપરાંત મેયર ડો.પ્રદિપ ડવના મત વિસ્તાર એવા વોર્ડ નં.12માં ઉમિયા ચોકડીથી બાપાસીતારામ ચોક સુધી 640 રનીગ મીટરના રોડ પર સીસી રોડ બનાવવાનું કામ રૂા.2.67 કરોડમાં આપવામાં આવ્યું હતું. આ કામ માટેનો વર્ક ઓર્ડર તા.14-11-2019ના રોજ અપાયો હતો. ફેબ્રુઆરી 2021માં કામ પૂર્ણ કરવાની ટેન્ડરની શરત હતી. કોરોના અને ચોમાસાના કારણે મુદતમાં 5 મહિનાનો વધારો કરાયો હતો જે મુદત ગત 13 જુલાઈના રોજ પૂર્ણ થવા પામી હતી. છતાં હજુ સુધી રોડનું કામ ક્યારે પૂર્ણ થશે તેનું કોઈ જ ઠેકાણું નથી. અત્યાર સુધીમાં એક-બે વાર નહીં પરંતુ બન્ને રોડના કામ માટે હિન્દુસ્તાન પ્રોજેકટસને 24 વખત નોટિસ ફટકારવામાં આવી છે છતાં કોન્ટ્રાકટર મહાપાલિકા તંત્રને ગણકારતું નથી.
તાજેતરમાં મ્યુનિ.કમિશનર અમિત અરોરાએ આ રોડની મુલાકાત લીધી હતી અને કોન્ટ્રાકટરને બ્લેક લીસ્ટ કરવા માટેની નોટિસ ફટકારવામાં આવી છે. 14 દિવસમાં યોગ્ય ખુલાસો નહીં કરે તો હિન્દુસ્તાન પ્રોજેકટસને કોર્પોરેશનના તમામ કામમાંથી પાણીચુ પકડાવી દેવાનો તખ્તો તૈયાર થઈ ગયો છે. બીજી તરફ કોર્પોરેશનના હાથ એટલા માટે બંધાયેલા છે કે, જો બે વોર્ડમાં સીસી રોડના કામનો કોન્ટ્રાકટ ધરાવતા હિન્દુસ્તાન પ્રોજેકટસને બ્લેક લીસ્ટ કરવામાં આવે તો નવી એજન્સી નિયુક્ત કરવા ઓછામાં ઓછો 4 થી 6 માસનો સમયગાળો પસાર થઈ જાય અને ચોમાસાની સીઝનમાં સ્થાનિક લોકોએ વધુ હાલાકી ભોગવવી પડે. પદાધિકારીઓ સાથે અધિકારીઓના હાથ પણ બંધાઈ ગયા છે. બીજી તરફ હિન્દુસ્તાન પ્રોજેકટસના માલીક રાજનેતાઓ સાથે ખુબજ નજીકનો ધરોબો ધરાવે છે અને અધિકારીઓ સાથે પણ સારા એવા સંબંધ ધરાવે છે. જેના કારણે તેનો કેશ પણ વાંકો થતો નથી.
મેટલીંગના કામમાં હિન્દુસ્તાન પ્રોજેક્ટસની લો-એસ્ટ છતાં તેને કોન્ટ્રાકટ નહીં આપવા કોર્પોરેશન મક્કમ
શહેરમાં મેટલીંગના એક કામ માટે તાજેતરમાં પ્રસિધ્ધ કરવામાં આવેલા ટેન્ડરમાં સૌથી ઓછા ભાવે મેટલીંગ કામ કરી આપવાની તૈયારી હિન્દુસ્તાન પ્રોજેકટ દ્વારા દર્શાવવામાં આવી છે. એલ-1 હોવા છતાં તેને કોન્ટ્રાકટ ન આપવા કોર્પોરેશન મક્કમ બની ગયું છે. આ માટે કમિશનર વિભાગ તરફથી સ્ટેન્ડિંગમાં દરખાસ્ત મોકલવામાં આવી નથી અને આ કામ માટે ફરી ટેન્ડર પ્રસિધ્ધ કરવાની તૈયારી શરૂ કરી દેવામાં આવી છે. હવે જો હિન્દુસ્તાન પ્રોજેકટસ સામે બ્લેક લીસ્ટનું હથિયાર ઉગામવામાં આવે તો કાયમી ધોરણે કોર્પોરેશનને શાંતિ થઈ જાય. પેટમાં ઘુસીને પગ પહોળા કરવાની વૃત્તિ ધરાવતા ઠેકેદારોને જો સમય રહેતા પાઠ ભણાવવામાં ન આવે તો તેઓ બેફામ બની જતાં હોય છે તેનું જીવંત ઉદાહરણ હિન્દુસ્તાન પ્રોજેકટસ છે.