માંધાતાસિંહજીએ હક્કપત્રકમાં દાખલ કરાવેલી હકક કમીની નોંધ સામે અંબાલીકાદેવીએ ઉઠાવેલા વાંધા મુદે બન્ને પક્ષોની દલીલ સાંભળ્યા બાદ પ્રાંત અધિકારીએ આપ્યો ચુકાદો
રાજકોટનાં રાજવી પરિવારની માધાપર અને સરધારની વારસાઈ જમીન મામલે પ્રાંત-2ની કચેરીમાં કેસ ચાલતો હતો. બંને પક્ષોને સાંભળી અને પુરાવાઓ તપાસી પ્રાંત અધિકારી ચરણસિંહ ગોહીલે બંને જમીનોની હક્ક કમી નોંધ નામંજૂર કરવાનો હુકમ કર્યો છે.
રાજવી પરિવારના અંબાલીકા દેવી મનોહરસિંહજી જાડેજા (વા/ઓ) પુષ્પેન્દ્રસિંહ દ્વારા માંધાતાસિંહજી જાડેજા, શાંતિદેવી જાડેજા, માનકુમારીદેવી જાડેજા અને ઉમાકુમારી જાડેજા વિરુધ્ધ સરધાર ગામની સર્વે નં.1ની હે.0-40-47 ચો.મી. જમીન અને માધાપર ગામની સર્વે નં.111/3 પૈકીની હે.232-84-05 ચો.મી. જમીનની હક્કપત્રકે દાખલ થયેલ હક્ક કમીની નોંધ સામે વાંધા અરજી પ્રાંત કચેરીમાં રજૂ કરી હતી. આ કેસમાં વાંધેદાર અંબાલીકાદેવી જાડેજા તરફથી દલીલમાં જણાવાયું હતું કે, આ કામના સામાવાળાઓએ તેઓનું વડીલોપાર્જીત મિલ્કતમાંથી નામ કમી કરવા સંબંધે જે અરજી આપેલી છે તે ગેરકાયદેસર છે.
સામાવાળા માંધાતાસિંહજી જાડેજાએ તેમના પિતા મનોહરસિંહજી જાડેજાનું કહેવાતું તા.6-7-2013નું નોટરાઈઝ વીલ કે જે રાજકોટના નોટરી જે.વી.ગાંગાણી સમક્ષ કરવામાં આવેલ છે. તે વીલમાં દર્શાવેલ મિલકતોમાંથી મોટાભાગની અને હાલની તકરારી મિલકત પણ વડીલોપાર્જીત મિલકતો છે. પુત્રોને વડીલોપાર્જીત મિલકતમાં જન્મથી જ હિસ્સો મળે છે. તેનું વીલ કરવા અંગેની સત્તા પિતાને નથી. આવી મિલકતમાં પિતા જેટલો જ હિસ્સો પુત્રોનો હોય છે અને વારસાઈમાં મળેલ મિલકતનું વીલ થઈ શકે નહીં કારણ કે, દરેક સંબંધમાં તે મિલકત વડીલોપાર્જીત મિલકત ગણી શકાય છે. જેથી પિતાને વડીલોપાર્જીત મિલકત એક પુત્ર કે, પુત્રીને આપવાનો અધિકાર નથી.
દલીલમાં વધુમાં જણાવાયું હતું કે, ભારતીય વારસાઈધારો-1956, કલમ 30 હિંદુ પોતાની કોઈપણ મિલકત વીલ કે, વસીયતનામા દ્વારા નિકાલ કરી શકે છે કે જે તેના મારફત વારસાઈધારા-1925ની જોગવાઈ અંતર્ગત નિકાલ થવાને પાત્ર હોય. અરજદારના પિતા અશીક્ષીત હતા અને પુત્ર કે, પુત્રીઓ વચ્ચે ભેદભાવ રાખતા નહોતા જેથી કાયદા બહારનું વીલ તેઓ તૈયાર કરે નહીં તેથી તા.6-7-2013નું મનોહરસિંહજી જાડેજાનું વીલ દેખીતી રીતે શંકાસ્પદ છે અને અરજદારને કે, અરજદારના વડીલોપાર્જીત મિલકતો માટેના હિસ્સાને વેવ કરી શકે નહીં. આમ વારસાઈની જમીનમાંથી પુત્રીનો હક્ક રદ થતો નથી.
બીજી તરફ માંધાતાસિંહજી જાડેજા તરફના એડવોકેટ દ્વારા દલીલ થઈ હતી કે, સ્વ.મનોહરસિંહજી જાડેજાનું અવસાન 27-9-2018ના રોજ રાજકોટ મુકામે થયેલ હતું. સ્વ.મનોહરસિંહજીએ તા.6-7-2013ના રોજ તેમના પુત્ર માંધાતાજીસિંહજીની તરફેણમાં જે વીલ કરેલ તેની અમલવારી કરવા માટે અંબાલીકા દેવીએ, તેમના પતિ તેમજ તેના બન્ને પુત્રોએ આ વીલ વાંચી, સમજી,વિચારી દરેક પેઈઝ પર દરેકે પોત-પોતાની સહીઓ કરી આપી હતી અને આ વીલ વાંચ્યા બાદ તેમાં તેમને કોઈપણ જાતનો વાંધો કે તકરાર નથી તે અંગેનું નોટીફીકેશન તા.6-7-2013ના રોજ બે સાક્ષીઓની સહીથી કરી આપેલ હતું.
વધુમાં અંબાલીકાદેવી પાવર ઓફ એટર્ની તથા રજિસ્ટર્ડ રીલીઝ ડીડ તા.6-7-2019ના રોજ માંધાતાસિંહજી જાડેજાની તરફેણમાં કરવામાં આવેલ હતુ. તેમાં પણ અંબાલીકા દેવી અને તેના પતિ તેમજ પુત્રોની સહીઓ તેમજ બે સાક્ષીઓની સહીઓ લેવામાં આવી છે. જેથી અંબાલીકાદેવી જાડેજાની પ્રોસીડીંગ, પાવર ઓફ એટર્ની રદ કરવા જે અરજી કરેલ છે તે અરજી ખરી ન હોય, શુદ્ધબુદ્ધિના અભાવવાળી હોય તેથી માન્ય રાખી શકાય નહીં.
બન્ને પક્ષોની દલીલો ધ્યાને રાખી આજે પ્રાંત અધિકારી ચરણસિંહ ગોહિલે હુકમ કર્યો છે. જેમાં તેઓએ જાહેર ર્ક્યું છે કે, આ બન્ને જમીન અંગેની હક્કપત્રકમાં દાખલ થયેલ હક્ક કમીની નોંધ નામંજૂર કરવામાં આવે છે. ઉલ્લેખનીય છે કે, હવે આ હુકમથી નારાજ સામાવાળા પક્ષકાર 60 દિવસમાં કલેકટર સમક્ષ અપીલ રજૂ કરી શકે છે.