ફક્ત ૧ સેમી અંતરથી ગોલ્ડ મળતા મળતા રહી ગયો: ૬.૫૯ મીટરની છલાંગ લગાવી સિલ્વર મેડલ મેળવ્યો
મહિલા લાંબી કૂદ ભારતીય ખેલાડી શૈલી સિંહે રવિવારે અંડર ૨૦ વર્લ્ડ એથ્લેટિક્સ ચેમ્પિયનશિપની ફાઇનલમાં સિલ્વર મેડલ જીત્યો છે. આ દરમિયાન તેનો શ્રેષ્ઠ જમ્પ ૬.૫૯ મીટર હતો. પ્રથમ પ્રયાસમાં શૈલીએ ૬.૩૪ મીટરનું અંતર કાપ્યું. બીજા પ્રયાસમાં પણ તેણે સમાન અંતર કૂદ્યું.
ત્રીજા પ્રયાસમાં તેણે સુધારો કર્યો અને ૬.૫૯ મીટરનું અંતર હાંસલ કર્યુ હતુ. આ સાથે, તે પ્રથમ સ્થાને આવી હતી. પરંતુ માજા અક્સાગે ૬.૬૦ મીટર કૂદકો મારીને તેની લીડ છીનવી લીધી હતી. છેલ્લા પ્રયાસમાં શૈલી સિંહે ૬.૩૬ મીટરની છલાંગ લગાવી અને સિલ્વર મેડલથી સંતોષ માનવો પડ્યો હતો. આ ચેમ્પિયનશિપની વર્તમાન સિઝનમાં ભારતનો આ ત્રીજો મેડલ છે, જ્યારે ઓવરઓલ સાતમો મેડલ છે.
અગાઉ શૈલી સિંહે ક્વોલિફિકેશનમાં સારો દેખાવ કરી ફાઇનલમાં જગ્યા બનાવી હતી. શૈલીએ ક્વોલિફિકેશનમાં ૬.૪૦ મીટર કૂદકો લગાવ્યો હતો, તેના બંને ગ્રુપમાં પ્રથમ સ્થાન મેળવ્યું હતું. શુક્રવારે ૨૦ ઓગસ્ટના રોજ યોજાયેલા ક્વોલિફિકેશન રાઉન્ડમાં શૈલીએ ગ્રુપ બીમાં પોતાનો ત્રીજો અને અંતિમ કૂદકો શ્રેષ્ઠ લગાવ્યો હતો.
તેણે તેમાં ૬.૪૦ કૂદકો માર્યો અને આપોઆપ ક્વોલિફાય થયો. તેણે આમ સ્વતઃ ક્વોલિફીકેશન હાંસલ કરી લીધુ હતુ. આ માટે તેણે ૬.૩૫ મીટરનું અંતર પ્રાપ્ત કરવું જરૂરી હતું. તેણે પ્રથમ પ્રયાસમાં ૬.૩૪ મીટર કૂદકો માર્યો હતો, જ્યારે બીજા જમ્પમાં ૫.૯૮ મીટરનું અંતર મેળવ્યુ હતું. અંતિમ પ્રયાસમાં, શૈલીએ જરૂરી અંતર મેળવીને પ્રથમ સ્થાન મેળવી લીધુ હતુ.
શૈલી પ્રથમ સ્થાને હતી પરંતુ સ્વીડનની અક્સાગે તેના કરતા એક મીટર વધારે લાંબો કૂદકો લગાવીને તેને બીજા સ્થાને ધકેલી દીધી હતી. આમ સ્વીડીશ એથલેટે ગોલ્ડ મેડલ જીત્યો હતો. યુક્રેનની મારિયા હોરિલોવાએ ૬.૫૦ ના કૂદકા સાથે બ્રોન્ઝ મેડલ મેળવ્યો હતો.
જો શૈલીએ આ ઇવેન્ટમાં ગોલ્ડ મેડલ જીત્યો હોત, તો તે આ ચેમ્પિયનશિપમાં ગોલ્ડ મેડલ જીતનાર ભારતની ત્રીજી એથ્લેટ બની હોત. તેના પહેલા, નીરજ ચોપરાએ ૨૦૧૬ માં બરછી ફેંકી હતી. મહિલા દોડવીર હિમા દાસે ૨૦૧૮ માં આ ગોલ્ડ મેડલ જીત્યો હતો. શૈલી પહેલા, અમિત ખત્રીએ આ આવૃત્તિમાં પુરુષોની ૧૦,૦૦૦ મીટર રેસ વોકમાં સિલ્વર મેડલ જીત્યો હતો. ભારત ની ૪×૪૦૦ મીટર મિક્સ્ડ રિલે ટીમે દેશ માટે બ્રોન્ઝ મેડલ જીત્યો હતો.