નવા-નવા વેરિએન્ટ, મ્યુટન્ટ સામે આવતા વાયરસ સામે વિજ્ઞાન પણ ફેઈલ થઈ રહ્યું હોય તેમ લાગે છે
રસી લીદ્યા બાદ કોરોનાની ઝપેટમાં આવ્યા તો જોખમ વધુ
કોરોના માત્ર એક વાયરસ જ નહીં પણ કેમેલિયોન પણ છે… કેમેલિયોન કે જે કાચીંડા જેવો દેખાવે હોય છે અને સમયાંતરે પોતાનો રંગ બદલતો જીવ છે. કોરોના પણ આ કાચીંડાની જેમ “કલર”બદલી રહ્યો છે. જે માનવ જીવન માટે મોટા જોખમરૂપ સાબિત થઈ રહ્યો છે. આ વાયરસ સામે જાણે હવે વિજ્ઞાન પણ નિષ્ફળ સાબિત થઇ રહ્યું હોય તેમ લાગી રહ્યું છે. હજુ એક વેરિએન્ટ કે એક મ્યૂટન્ટ સમતો નથી ત્યાં બીજો વેરિયન્ટ અને મ્યૂટન્ટ સામે આવી જાય છે.
વાયરસથી બચવા માટે રસીકરણ અભિયાન વેગવંતુ બન્યું છે. મોટાભાગના લોકોએ રસીનો પહેલો અથવા બીજો અથવા બંને ડોઝ લઈ લીધા છે. પરંતુ હજુ રસીકૃત લોકોને સંક્રમણનો ડર છે. માંડ માંડ કરી રસીની આડઅસરનો ભય ગયો ત્યાં હવે રસી લીધા બાદ કોરોનાનો વધુ ખતરો મંડરાઇ રહેવાનો ભય ઊભો થયો છે. એક અભ્યાસમાં ચોંકાવનારો ખુલાસો થયો છે કે જે લોકોએ રસી લઈ લીધી છે તેઓ કોરોનાની ઝપેટમાં આવશે તો તેના પર વધુ અસર થવાની શક્યતા વધુ છે.
રોગ નિયંત્રણ અને નિવારણ કેન્દ્રોના ભૂતપૂર્વ ડિરેક્ટર અને બિન નફાકારક રિઝોલ્યુશન ટુ સેવ લાઇવ્સના વડા ટોમ ફ્રીડેને કહ્યું કે આપણે શું જાણીએ છીએ અને શું નથી જાણતા તે અંગે આપણે નમ્ર બનવું પડશે. કોરોના વાયરસના ઘણા તથ્યો હજુ સામે આવી શક્યા નથી. હવે રસીનો બુસ્ટર ડોઝ આપવો કે કેમ..?? તે અંગે પણ એક પ્રશ્ન છે રસી લીધેલા લોકો મૂંઝવણમાં મુકાયા છે.
ઓકટોબરમાં કોરોનાની ત્રીજી લહેરનું આગમન?
કેસ ફરી વધતા સરકારની ચિંતા પણ વધી
કોરોનાની વૈશ્વિક મહામારીથી વિશ્વ આખું હચમચી ઉઠયું છે. ઘણા દેશો ત્રીજી તો ઘણા દેશો ચોથી લહેરમાં સપડાયા છે. અમેરિકામાં કોરોના વાયરસની ચોથી લહેર શરૂ થતા ભયાવહ સ્થિતિએ કેસ વધી રહ્યા છે. ત્યારે ભારત પર પણ હવે આગામી સમયમાં ત્રીજી લહેરનો ખતરો તોળાઇ રહ્યો છે. તાજેતરમાં સરકારે પણ જણાવ્યું છે કે કોરોનાની ત્રીજી લહેર ઓકટોબર માસથી શરૂ થાય તેવી શક્યતા છે. એ પણ નોંધવું અગત્યનું છે કે હાલ કેસ મંદ ગતિએ પણ વધી જરૂર રહ્યા છે. સરકારની પણ ચિંતા વધી છે.આથી સાવધાની અને નિયમપાલન અતિ આવશ્યક છે. એમાં પણ હાલ તહેવારની સિઝન શરૂ થતાં તહેવારની મજા સજા ન બને તેમ સતર્કતા દાખવી લોકોએ કોરોનાને અનુરૂપ વર્તન કેળવવું જ બુદ્ધિમત્તા છે.