લોકરમાંથી ચોરી થશે તો બેંકોએ ચૂકવવી પડશે ‘કિંમત’;ગ્રાહકોને વાર્ષિક ભાડા કરતા 100 ગણા રૂપિયા આપવા પડશે
રીઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ જારી કરી નવી ગાઈડલાઈન; 1લી જાન્યુઆરીથી અમલ
બેન્કો દ્વારા પૂરી પાડવામાં આવતી લોકરની સેવા લેતા પહેલા આ નિયમો જરૂરથી જાણી લેજો..!! લોકર્સને ભાડે આપવા માટેની માર્ગર્શિકામાં રિઝર્વ બેન્કે સુધારા જાહેર કર્યા છે. જે પ્રમાણે, જો હવે લોકરમાંથી ચોરી થશે અથવા આગ લાગશે અથવા તો બેન્ક કર્મચારી દ્વારા ગેરરીતિ થશેવગેરે જેવા કિસ્સામાં હવે બેંકોએ તેની “કિંમત” ચૂકવવી પડશે. સંબધિત બેંકોએ ગ્રાહકોને લોકરના વાર્ષિક ભાડાંના 100 ગણાં ચૂકવવા પડશે.
આ ઉપરાંત ધરતીકંપ, પૂર જેવી કુદરતી આફતોને કારણે લોકરમાંની કોઈ ચીજવસ્તુને નુકસાન થાય તો તે માટે બેન્ક જવાબદાર નહીં રહે. પરંતુ આગ, ચોરી, ધાડ, બેન્કના કર્મચારી દ્વારા ગેરરીતિ વગેરે જેવી ઘટનાઓને કારણે જો લોકરમાંની ચીજવસ્તુને નુકસાન થાય તો તેવા કિસ્સામાં બેન્ક પોતાની જવાબદારીમાંથી હાથ ખંખેરી શકશે નહીં. લોકરના પ્રવર્તમાન વાર્ષિક ભાડાંની 100 ગણી જેટલી રકમ સુધીની બેન્કની જવાબદારી રહેશે. લોકરની ફાળવણી વખતે બેન્ક ગ્રાહક પાસેથી લોકરના ત્રણ વર્ષના રેન્ટ જેટલી ટર્મ ડિપોઝિટ લઈ શકશે. જો કે હાલના લોકરધારક પાસેથી આવી ડિપોઝિટ માટે બેન્ક આગ્રહ રાખી શકશે નહીં.
લોકર ભાડે લેનાર વ્યક્તિ સાથે કરાતા કરારમાં બેન્કે લોકર્સમાં કોઈપણ ગેરકાયદે અથવા જોખમી ચીજવસ્તુ રાખવા પર પ્રતિબંધ છે તેમ જણાવતી નવી કલમને આવરી લેવાની રહેશે. આ નવી માર્ગદર્શિકા 1લી જાન્યુઆરી 2022થી અમલી બનશે. રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ જણાવ્યું છે કે બેન્કિંગ તથા ટેકનોલોજી ક્ષેત્રે આવેલા બદલાવ, લોકરધારકો તરફથી મળેલી ફરિયાદો તથા બેન્કો અને ઈન્ડિયન બેન્કસ એસોસિએશન તરફથી પ્રાપ્ત થયેલા સૂચનો અને એક કેસના ચુકાદામાં સુપ્રીમ કોર્ટ દ્વારા કરાયેલા નિરીક્ષણને ધ્યાનમાં રાખી બેન્કો દ્વારા પૂરી પડાતી ડિપોઝિટ લોકર/સેફ કસ્ટડી આર્ટિકલ ફેસિલિટીની સમીક્ષા કર્યા બાદ આ નવી માર્ગદર્શિકા તૈયાર કરાઈ છે. જેનું પાલન આગામી વર્ષથી કરવાનું રહેશે.
બેન્કોએ લોકર્સની ફાળવણીમાં પારદર્શીતાની ખાતરી રાખવાની રહેશે. અને ખાલી પડેલા લોકર્સની અને વેઈટિંગની માહિતી શાખા પ્રમાણે કોર બેન્કિંગ સિસ્ટમ અથવા અન્ય કોમ્પ્યુટરાઈઝડ સિસ્ટમમાં જાળવવાની રહેશે. લોકરની ફાળવણી માટે બેન્કોએ દરેક અરજીની સ્વિકૃતિ આપવાની રહેશે અને ગ્રાહકોને વેઈટ લિસ્ટનો નંબર પણ પૂરો પાડવાનો રહેશે. ઈન્ડિયન બેન્કસ એસોસિએશન દ્વારા તૈયાર કરાનારા મોડેલ લોકર કરારને બેન્કોએ સ્વીકારવાનો રહેશે. સુધારિત માર્ગદર્શિકામાં રિઝર્વ બેન્કે બેન્કોની જવાબદારી તથા વળતરની નીતિનો પણ ઉલ્લેખ કરાયો છે.
બેન્કની લાપરવાહીને કારણે લોકર્સમાંની કોઈ ચીજવસ્તુને નુકસાન થાય અથવા તો ગુમ થઈ જાય તો તેવા કિસ્સામાં તેમની જવાબદારી નિશ્ચિત કરતી નીતિ બેન્કોએ તૈયાર કરવાની રહેશે. આ નીતિને જે તે બેન્કની બોર્ડેની માન્યતા પ્રાપ્ત હોવી જોઈશે.