વર્ષ ૨૦૧૪માં હોટેલ ખાતેથી સુનંદાની મળી આવી હતી લાશ: દિલ્લી પોલીસે થરૂર વિરુદ્ધ નોંધ્યો હતો ગુનો

સુનંદા પુષ્કર મોત મામલે કોંગ્રેસના સાંસદ શશી થરૂરને મોટી રાહત મળી છે. દિલ્હીની એક કોર્ટએ આ કેસમાં શશી થરૂરને નિર્દોષ જાહેર કર્યા છે. કોર્ટ દ્વારા ડિસ્ચાર્જ થયા બાદ શશી થરૂરએ જજનો આભાર માન્યો હતો. તેઓએ કહ્યું હતું કે, તેઓ છેલ્લાં સાડા સાત વર્ષથી આ મુશ્કેલીમાંથી પસાર થઈ રહ્યાં હતાં. દિલ્હીની રાઉજ એવન્યુ કોર્ટએ સુનંદા પુષ્કરની હત્યાના આરોપોમાં શશિ થરૂરને નિર્દોષ જાહેર કર્યા છે.

સુનંદા પુષ્કરનું મોત ૧૭ જાન્યુઆરી ૨૦૧૪ ના રોજ દિલ્હીના એક મોટી હોટલમાં થયું હતું. પોતાના મોતના થોડાંક દિવસો પહેલાં તેને આરોપ લગાવ્યાં હતાં કે, તેના પતિ થરૂરને એક પાકિસ્તાની પત્રકાર સાથે સંબંધ છે. આ મામલે દિલ્હી પોલીસએ શશિ થરૂર વિરૂદ્ધ કલમ ૩૦૭, ૪૯૮-એ અંતર્ગત કેસ દાખલ કર્યો હતો. શશિ થરૂર પર પત્નીને આત્મહત્યા માટે ઉકસાવવાના સાથે ક્રૂરતાભર્યો વ્યવહાર કરવાનો આરોપ લગાવવામાં આવ્યો હતો.

સુનંદા પુષ્કરના મોતનો મામલો એ સમયે હાઇપ્રોફાઇલ કેસ માનવામાં આવ્યો હતો. ૨૯ સપ્ટેમ્બર ૨૦૧૪ના રોજ એઇમ્સ ની મેડિકલ બોર્ડએ સુનંદાના મૃતદેહનું પોસ્ટપોર્ટમ રિપોર્ટ દિલ્હી પોલીસને સોંપવામાં આવ્યો હતો. આ રિપોર્ટમાં એવું કહેવામાં આવ્યું હતું કે, સુનંદાનું મોત ઝેરથી થયું હતું. બોર્ડએ કહ્યું હતું કે, અનેક એવાં રસાયણ છે કે, જે પેટમાં જવાથી અથવા તો લોહીમાં ભળ્યાં બાદ તે ઝેર બની જાય છે.

બાદમાં જ્યારે તપાસ શરૂ થઈ ત્યારે તેમાં શશી થરૂરનું નામ સામે આવવા લાગ્યું. દિલ્હી પોલીસે દાખલ કરેલી ચાર્જશીટમાં સુનંદા પુષ્કરના ભાઈનું પણ નિવેદન હતું. સુનંદાના ભાઈએ કહ્યું હતું કે, તે તેના લગ્નજીવનથી ખુશ છે, પરંતુ તેના મૃત્યુના થોડાંક દિવસો પહેલાં લગ્ન જીવનને લઈને ટેન્શનમાં હતી. નોકરે પણ પોલીસને આપેલા નિવેદનમાં એમ કહ્યું હતું કે, સુનંદા પુષ્કર અને શશી થરૂર વચ્ચે અવારનવાર ઝઘડો થતો હતો.

આ કેસમાં શશી થરૂર સામે કેસ નોંધવામાં આવ્યો હતો. ફોરેન્સિક સાયન્સ ઓટોપ્સી એનાલિસિસ રિપોર્ટમાં બહાર આવ્યું હતું કે, સુનંદા પુષ્કર માનસિક તણાવમાં હતી અને તેણે ઘણાં દિવસો સુધી ખાવાનું ન હોતું ખાધું. તે સતત ધૂમ્રપાન કરતી હતી. રિપોર્ટમાં કુદરતી મૃત્યુ ન થવાની સંભાવના પણ વ્યક્ત કરવામાં આવી હતી.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.