રૈયા રોડ પર આવેલા આલાપગ્રીન સિટી પાછળ આવેલા દ્વારકેશ પાર્ક શેરી નંબર 7માંથી પ્રેમ પ્રકરણના કારણે પરિણીતાનું મોટી પાનેલીના શખ્સ સહિત ચાર શખ્સોએ ઇક્કો કારમાં અપહરણ કરતા યુનિર્વસિટી પોલીસે વહેલી સવારે અપહરણના ગુનામાં સંડોવાયેલા ત્રણ શખ્સોને ઝડપી અપહૃત પરિણીતાને મુકત કરાવી છે.
આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ દ્વારકેશ પાર્ક શેરી નંબર 7માં આવેલા સનરાઇઝ એપાર્ટમેન્ટમાં રહેતા દિપેશભાઇ ખીમજીભાઇ પંચાસરા નામના યુવાનની પત્ની ઉર્મિલાનું ઉપલેટા પાસે આવેલા મોટી પાનેલી ગામે રહેતા સાળા નિતીન જશાભાઇ સરેણા અને તેની સાથે ઓલા ત્રણ અજાણ્યા શખ્સોએ ઇક્કો કારમાં અપહરણ કર્યાની યુનિર્વસિટી પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.
ઉર્મિલા રાજકોટ ખાતે કોલેજમાં અભ્યાસ કરતી હતી ત્યારે મુળ પડધરી નજીકના દેપાળીયા ગામના વતની અને ગ્રીનલેન્ડ ચોકડી પાસે માર્સલ મોટર્સ ગેરેજ ધરાવતા દિપેશ પંચાસરાના પરિચયમાં આવતા બંનેએ ગત તા.13 મેના રોજ પ્રેમ લગ્ન કર્યા હતા. ઉર્મિલાના પરિવારની મરજી વિરૂધ્ધ લગ્ન કર્યા હોવાથી ગઇકાલે સાંજના આઠેક વાગે ઉર્મિલાના ભાઇ નિતીન સરેણા અને ત્રણ અજાણ્યા શખ્સો ઇક્કો લઇને દ્વારકેશ પાર્કમાં આવી બળજબરીથી ઉર્મિલાનું અપહરણ કરી ભાગી ગયાનું ફરિયાદમાં જણાવ્યું છે.
યુનિર્વસિટી પોલીસ મથકના પી.આઇ. ચાવડા, પી.એસ.આઇ. એ.બી.જાડેજા અને બી.જી.ડાંગર સહિતના સ્ટાફે અપહરણકારનો પીછો કરી વહેલી સવારે પાંચ વાગે ત્રણ શખ્સોને ઝડપી અપહૃપ ઉર્મિલાને હેમખેમ છોડાવી પરિવારને સોપી દીધી હતી.