રોનાની પરિસ્થિતીને લઇને ભારતમાં યોજાનાર ટી-૨૦ વિશ્વકપ યુએઈમાં રમાશે: બીસીસીઆઈ યજમાની કરશે
આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદ(આઇસીસી) આગામી ટી-૨૦ વિશ્વકપ યુએઈમાં યોજશે. જેમાં ભાગ લેનારા દેશોને ૧૫ ખેલાડીઓ અને ૮ અધિકારીઓને યુએઈ લાવવા માટે મંજૂરી આપી છે. પાકિસ્તાન ક્રિકેટ બોર્ડના એક અધિકારીએ શુક્રવારે આ વાતની પુષ્ટિ કરી છે. અધિકારીએ જણાવ્યું હતું કે આઇસીસીએ ભાગ લેનારા દેશો માટે તેમના અંતિમ ૧૫ ખેલાડીઓ અને કોચ અને સહાયક સભ્યોના આઠ અધિકારીઓની યાદી મોકલવા કહ્યું છે. આ માટેની ૧૦ સપ્ટેમ્બરની સમયમર્યાદા નક્કી કરી છે.
મીડિયા રિપોર્ટનુસાર પીસીબી અધિકારીએ જણાવ્યું કે આઈસીસીએ ટી-૨૦ વર્લ્ડકપમાં ભાગ લેનારા દેશોને વધારાના ખેલાડીઓને લાવવા માટે પરવાનગી આપી છે. કોવિડ-૧૯ અને બાયો-બબલની સ્થિતિને ધ્યાનમાં રાખીને ટીમ સાથે વધારાના ખેલાડીઓ લાવવાની મંજૂરી અપાઈ છે. પરંતુ જેનો ખર્ચ સંબંધિત બોર્ડ દ્વારા ઉઠાવવામાં આવશે. આઇસીસી માત્ર ૧૫ ખેલાડીઓ અને ૮ અધિકારીઓનો ખર્ચ ઉઠાવશે.
વર્ષ ૨૦૧૬ પછી પ્રથમ વખત યોજાનાર ટી-૨૦ વર્લ્ડકપ ૧૭ ઓક્ટોબરથી ૧૪ નવેમ્બર દરમ્યાન રમાશે. જે ઓમાન અને યુએઇ (દુબઈ, અબુધાબી અને શારજાહ)માં યોજાશે. આઠ દેશોની ક્વોલિફાઈંગ ટુર્નામેન્ટ ૨૩ સપ્ટેમ્બરથી રમાશે. જેમાં શ્રીલંકા, બાંગ્લાદેશ અને આયર્લેન્ડની ટીમો સામેલ છે. જેમાંથી ચાર ટીમો સુપર-૧૨ તબક્કા માટે ક્વોલિફાય થશે.
પીસીબી અધિકારીએ કહ્યું હતું કે હવે બોર્ડ પર નિર્ભર કરે છે કે તે કોવિડ-૧૯ ની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને તેની મુખ્ય ટીમ સાથે કેટલા વધારાના ખેલાડીઓ રાખવા માંગે છે. જો મુખ્ય ટીમનો કોઈ ખેલાડી કોવિડ-૧૯ ટેસ્ટમાં પોઝિટિવ આવે છે અથવા ઈજાગ્રસ્ત થાય છે તો વધારાના ખેલાડીઓમાંથી તેની જગ્યા લઈ શકે છે.
આઈસીસીએ બોર્ડને જાણ કરી છે કે, તેઓ આઈસોલેશન અવધિની શરૂઆતના પાંચ દિવસ પહેલા તેમની ટીમમાં છેલ્લી ઘડીએ ફેરફાર કરી શકે છે. તેમણે કહ્યું જોકે બોર્ડે ૧૦ સપ્ટેમ્બર સુધીમાં તેમની ટીમની યાદી મોકલવાની રહેશે. આ ટુર્નામેન્ટ ભારતમાં યોજાવાની હતી. પરંતુ કોવિડ-૧૯ ની પરિસ્થિતિને કારણે આઈસીસીએ તેને યુએઈમાં શિફ્ટ કરી દીધી. જોકે તેનું આયોજક બીસીસીઆઈ રહેશે.