શ્રાવણ માસમાં ફરાળી વાનગીઓનું વેંચાણ વધુ માત્રામાં થતું હોય છે. વધુ નફો કમાવવાની લાલચમાં વેપારીઓ લોકોની ધાર્મિક લાગણી સાથે ચેડા કરી ફરાળી ખાદ્ય સામગ્રીમાં ભેળસેળ કરતા હોવાનું અગાઉ પણ પકડાયું છે. ફરાળમાં ભેળસેળની શંકાના આધારે આજે કોર્પોરેશનની આરોગ્ય શાખા સંલગ્ન ફૂડ વિભાગ દ્વારા શહેરના અલગ અલગ વિસ્તારોમાં કેળાની વખાર તથા ફરાળી ચીજ-વસ્તુ વેંચતા વેપારીને ત્યાં દરોડા પાડવામાં આવ્યા હતા. 5 કિલો વાસી પેટીસનો જથ્થા નાશ કરી 4 સ્થળેથી નમુના લઈ પરિક્ષણમાં મોકલવામાં આવ્યા હતા.
ફરાળી વાનગીઓમાં ભેળસેળની શંકા: 20 સ્થળે કોર્પોરેશનના દરોડા
આ અંગે પ્રાપ્ત થતી વધુ વિગત મુજબ આરોગ્ય શાખા સંલગ્ન ફૂડ વિભાગ દ્વારા આજે દૂધસાગર રોડ પર વિશ્ર્વાસ કેળા અને વિશ્ર્વાસ ફ્રૂટસ, કોઠારીયા રોડ પર રામનગર-2માં રોયર કેળા કોલ્ડ, મોરબી રોડ પર જનતા કેળા ભંડાર, રૈયાધાર રોડ પર ગોલ્ડ કેળા કોલ્ડ, જામનગર રોડ પર પટેલ કેળા, હનિફ સુલેમાનભાઈ, ગોલ્ડ કેળા અને યુસુફ સુલેમાનભાઈને ત્યાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું.
આ ઉપરાત કોઠારીયા મેઈન રોડ પર ફરાળી પેટીસ, જલારામ ફરાળી પેટીસ, સીતારામ પેટીસ અને જલારામ પેટીસમાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. જે અંતર્ગત 5 કિલો ખુલ્લી અને વાસી પેટીસનો નાશ કરાયો હતો. આ ઉપરાત પંચનાથ મંદિર સામે રસીકભાઈ ચેવડાવાળા, સદર બજારમાં પંચનાથ ફરસાણ, રૈયા રોડ પર બાલાજી ફરસાણ, પ્રણામી ફરસાણ અને જલારામ ફરસાણ જ્યારે નિર્મલા રોડ પર હરી ફરસાણમાં ચેકિંગ કરવામાં આવ્યું હતું.
કેળાની વખાર અને ફરાળી ખાદ્ય સામગ્રી વેંચતા વેપારીઓને ત્યાં ચેકિંગ: 4 સ્થળેથી નમુના લેવાયા, 5 કિલો વાસી પેટીસનો નાશ
આજે દરોડાની કામગીરી દરમિયાન ભક્તિનગર સ્ટેશન પ્લોટમાં રામેશ્ર્વર બેકર્સ એન્ડ કેક શોપ એન્ડ નમકીનમાં લુઝ ફરાળી વેફર, ગાયત્રીનગર મેઈન રોડ પર અલકનંદા કોમ્પલેક્ષમાં અક્ષર ગાઠીયામાંથી લુઝ ફરાળી પેટીસ, સંતકબીર રોડ પર બ્રાહ્મણીયા પરા-1માં ગોવિંદબાગ શાકમાર્કેટ સામે શ્રીરામ ડેરી ફાર્મમાંથી ફરાળી પેટીસ અને સામાકાંઠા પેડક રોડ પર પાણીના ઘોડા સામે બાલક હનુમાન ચોક પાસે જય ભેરૂનાથ નમકીનમાંથી ફરાળી ખીચડીના નમુના લઈ પરિક્ષણમાં મોકલવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી.
અત્રે ઉલ્લેખનીય છે કે, અગાઉના શ્રાવણ મહિનામાં જ્યારે ફરાળી લોટના નમુના લેવાયા હતા ત્યારે તેમાં મકાઈના લોટની ભેળસેળ ખુલવા પામી હતી. વધુ નફો કમાવવાની લાલચમાં વેપારીઓ ફરાળી વસ્તુમાં બિનફરાળી ચીજવસ્તુની ભેળસેળ કરતા હોવાની આશંકાને ધ્યાનમાં રાખી નમુના લેવાની તથા ચેકિંગની કામગીરી હાથ ધરવામાં આવી હતી.