ભારત દેશમાં પત્રકારત્વને લોકશાહીની ચોથી જાગીર માનવામાં આવે છે અને આ જ એક પત્રકારત્વ છે જે લોકોની કોઈ પણ હાલાકી હોય કે સરકારની યોગ્ય કે અયોગ્ય કામગીરી કે જેને ઉજાગર કરે છે અને દેશના છેવાડાના માનવી સુધી મીડિયાના અલગ અલગ માધ્યમોથી માહિતી પહોંચાડે છે, પરંતુ બીજી બાજુ આ કામગીરી કરતી વખતે કેટલીકવાર સરકારી તંત્રના કર્મચારીઓ પોતાના જે તે વિભાગનું તથ્ય બહાર લાવવા માટે મીડિયાના કર્મચારીઓ જાય છે, ત્યારે દાદાગીરી, રૌફ જમાવવાની કોશિશ કરે છે અને ઝપાઝપી પણ કરે છે. આ જ પ્રકારની એક ઘટના રાજ્યના સૌથી મોટા મેટ્રો સીટી કહેવાતા અમદાવાદમાંથી સામે આવી છે.
હકીકતમાં અમદાવાદમાં આવેલી સૌથી મોટી હોસ્પિટલ સિવિલ હોસ્પિ.માં દર્દીઓને પડતી વારંવાર હાલાકી દર્શાવતા સિવિલ હોસ્પિ. તંત્રની દાદાગીરી ઉજાગર થઇ છે, જ્યાં મંતવ્ય ચેનલની ટીમ કવરેજ માટે પહોંચી હતી, પરંતુ પોતાનું સત્ય ઉજાગર કરવાથી અટકાવવા માટે મંતવ્ય ન્યૂઝના મહિલા સંવાદદાતા માનસી પટેલ સાથે હોસ્પિટલના કર્મચારીઓએ દાદાગીરી બતાવતા મહિલા સંવાદદાતા માનસી પટેલ સાથે ઝપાઝપી કરી હતી.
બીજી બાજુ આ મામલે કોંગ્રેસના નેતા ઇમરાન ખેડાવાલાએ આ ઘટના અંગે જણાવ્યું હતું કે, અમદાવાદ સિવિલ હોસ્પિટલ માં દર્દીઓને પડતી હાલાકી-ડોક્ટરોની હડતાળ બાબતે કવરેજ કરવા ગયેલ મહિલા રિપોર્ટર ઉપર સિક્યોરિટી ગાર્ડ દ્વારા હુમલો કરવાને સખત શબ્દો માં વખોડું છું. તેઓએ વધુમાં જણાવ્યું હતું કે, આ બાબતે તાકીદે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે.