ગત વર્ષે ચોમાસું સારું રહેતા અનાજના ઉત્પાદનમાં ૩.૭૪%ના વધારાનો કૃષિ મંત્રાલયનો અંદાજ
કૃષિ મંત્રાલયે બુધવારે જણાવ્યું હતું કે, વર્ષ ૨૦૨૦-૨૧માં ચોખા, ઘઉં અને કઠોળના સારા ઉત્પાદનના કારણે વર્ષ ૨૦૨૦-૨૧માં ઉત્પાદન ૩.૭૪% વધીને ૩૦૮.૬૫ મિલિયન ટનના નવા રેકોર્ડ સુધી પહોંચવાનો અંદાજ છે. ચોખા, ઘઉં, મકાઈ, કઠોળ અને તેલીબિયાંમાં રેકોર્ડ બ્રેક ઉત્પાદનનો અંદાજ છે.
વર્ષ ૨૦૧૯-૨૦માં દેશનું અનાજ ઉત્પાદનનો રેકોર્ડ ૨૯૭.૫ મિલિયન ટન રહ્યું હતું જેનાથી વધુ આ વર્ષમાં થાય તેવો કૃષિ મંત્રાલયનો અંદાજ છે.
૨૦૨૦-૨૧ વર્ષ માટે ચોથા એડવાન્સ અંદાજ જાહેર કરતા કૃષિ મંત્રાલયે કહ્યું કે, અનાજનું ઉત્પાદન રેકોર્ડ ૩૦૮.૬૫ મિલિયન ટન(૩૦.૮ કરોડ ટન) રહેવાનો અંદાજ છે.આ જ વર્ષે ૩૦૫.૪૩ મિલિયન ટનના ત્રીજા અંદાજથી ૩.૨૨ મિલિયન ટનનો અંદાજ સુધારી દેવામાં આવ્યો છે.
કૃષિ મંત્રી નરેન્દ્ર સિંહ તોમરે જણાવ્યું હતું કે, ખેડૂતોની અથાક મહેનત, તકનીકી કુશળતા અને કૃષિ મૈત્રીપૂર્ણ સરકારી નીતિઓને કારણે દેશમાં રેકોર્ડ અનાજનું ઉત્પાદન થઈ રહ્યું છે. તેમણે ઉમેર્યું, કેન્દ્ર સરકાર ભારતીય કૃષિને આગળ વધારવા માટે રાજ્યો સાથે નક્કર કામ કરી રહી છે, જે ચાલુ રહેશે.
પ્રાપ્ત વિગત અનુસાર ૨૦૨૦-૨૧માં ચોખાનું ઉત્પાદન રેકોર્ડ ૧૨૨.૨૭ મિલિયન ટન રહેવાનું અનુમાન છે, જે અગાઉના વર્ષે ૧૧૮.૮૭ મિલિયન ટન હતું. ઘઉંનું ઉત્પાદન રેકોર્ડ ૧૦૯.૫૨ મિલિયન ટન વધવાનો અંદાજ છે જે અગાઉના વર્ષના ૧૦૭.૮૬ મિલિયન ટન હતું, કઠોળનું ઉત્પાદન રેકોર્ડ ૨૫.૭૨ મિલિયન ટન હોવાનો અંદાજ છે, જ્યારે અગાઉના વર્ષમાં ૨૩.૦૩ મિલિયન ટન હતું.