રાષ્ટ્રીય પર્વ 15 ઓગષ્ટ અને શ્રાવણમાસનાં તહેવારોમાં કાયદો અને વ્યવસ્થા જળવાય રહે તેવા હેતુથી પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલ દ્વારા જાહેરનામું પ્રસિધ્ધ કર્યું જેમાં આગામી તા.31 ઓગષ્ટ સુધી શહેરની બહુમાળી ઈમારતો, મોલ, મલ્ટીપ્લેકસ બિલ્ડીંગો અને સોનાના શો રૂમ તેમજ ધાર્મિક સ્થળોએ સીસીટીવી કેમેરા અને સિકયુરીટી ગાર્ડની વ્યવસ્થા કરી મેટલ ડીટેકટર રાખવા આદેશ કર્યો છે.
મલ્ટીપ્લેકસ, હોટલો, બહુમાળી ઈમારત, જવેલર્સ શો-રૂમ મોલ, ધાર્મિક સ્થાનો માટે જાહેરનામું
રાજકોટ શહેરમાં આતંકવાદી બનાવ બનતો અટકાવવા, જાહેર સલામતી તેમજ કાયદો અને વ્યવસ્થા જળવાઇ રહે તે હેતુથી શહેર પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલે એક જાહેરનામુ પ્રસિધ્ધ કરી રાજકોટ શહેર પોલિસ કમિશ્નરેટ વિસ્તારમાં તા. 09/08/2021 થી તા.31/08/2021 સુધી બેંકીંગ સંસ્થાઓ, એ.ટી.એમ.સેન્ટરો, સોના,ચાંદી અને ડાયમંડના કિમતી ઝવેરાત વેચનાર દુકાનો તથા શો-રૂમ, શોપીંગ મોલ, મલ્ટીપ્લેકસ થીયેટર, શોપીંગ સેન્ટર, કોમર્શીયલ સેન્ટર, હોટેલ, ગેસ્ટ હાઉસ, લોજીંગ-બોર્ડિંગ, ધર્મશાળા, અતિથિગૃહ, વિશ્રામગૃહ, બહુમાળી બિલ્ડીંગો, મોટા ઔદ્યોગિક એકમો, મોટા ધાર્મિક સ્થળોના માલિકો, ઉપભોક્તાઓ, વહીવટકર્તાઓએ તેમના ધંધાના સ્થળોના પ્રવેશદ્વારો ઉપર પુરતા પ્રમાણમાં તાલીમબધ્ધ સીકયોરિટી ગાર્ડને મેટલ ડીટેકટર સાથે ફરજ પર નિયુકત કરવા આદેશ ફરમાવેલ છે.
પ્રવેશદ્વાર ઉપર તથા બહાર નીકળવાના પર, રીસેપ્શન કાઉન્ટર, લોબી, બેઝમેન્ટ, પાર્કીંગ તથા જાહેર જનતા માટેના પ્રવેશની તમામ જગ્યાઓ આવરી લે તેટલી સંખ્યામાં સી.સી. ટી.વી. કેમેરાની વ્યવસ્થા કરવાની રહેશે. આ કેમેરા સારી ગુણવત્તા વાળા વધુ રેન્જના ગોઠવવાના રહેશે. બિલ્ડીંગના બહારના ભાગે પી.ટી.ઝેડ કેમેરા ગોઠવવાના રહેશે. કોઇ પણ જગ્યાની અંદરના ભાગનું સંપૂર્ણ કવરેજ સતત થાય, પ્રવેશતા અને બહાર નીકળતા તમામ માણસોની અવર- જવર ચહેરા સ્પષ્ટ જોઇ શકાય, તમામ પાર્કીગની જગ્યાનું સંપૂર્ણ કવરેજ થાય, તથા રીસેપ્શન કાઉન્ટર, બેઝમેન્ટ, અને જાહેર પ્રજા માટેના પ્રવેશની તમામ જગ્યાઓનું સૂપૂર્ણ કવરેજ થાય, તે રીતે આ કેમેરા ગોઠવવાના રહેશે. આ સી.સી. ટી.વી.ના રેકોર્ડીંગના ડેટા ઓછામાં ઓછા 30 દિવસ સુધી સાચવવાના રહેશે.
આ કેમેરા સતત 24 કલાક સુધી ચાલુ રહે તે જોવાની જવાબદારી માલિકો, ઉપભોક્તાઓ, વહીવટકર્તાઓની રહેશે. સી.સી. ટી.વી.કેમેરાની અને સિકયોરિટી ગાર્ડની વ્યવસ્થા હાલ હયાત તમામ ઉકત એકમોએ આ જાહેરનામાની પ્રસિધ્ધિથી દિન-7માં કરવાની રહેશે. નવા શરૂ થતા એકમોએ ઉપરોકત વ્યવસ્થા કર્યા બાદ જ ધંધો શરૂ કરવાનો રહેશે. આ હુકમનો ભંગ અથવા ઉલ્લંઘન કરનાર સામે કાયદેસરની કાર્યવાહી કરવાની રહેશે તેમ પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલની યાદીમાં જણાવવામાં આવ્યું.