માર્કેટીંગ યાર્ડ પાસે આવેલી માલધારી સોસાયટીમાં બીજી વખત વીજ ચોરી કરવાના કેસમાં સ્પેશિયલ કોર્ટે આરોપીને દસ દિવસની કેદ સજા અને વીજ ચોરીની રકમથી 3 ગણા દંડનો હુકમ કર્યો છે.આ કેસની હકીકત મુજબ માર્કેટીંગ યાર્ડ પાસે આવેલી માલધારી સોસાયટીમાં આરોપી ભીમા મેરાભાઇ બાંભવા પોતાના ઘર પાસેના વીજ થાંભલે લંગરીયું નાખી વીજચોરી કરતા પકડાયા હતા, તેની કાર્યવાહી ચાલુ હતી, તેના ચોથા દિવસ બાદ ફરીથી વીજ થાંભલા લંગરીયા નાખી વીજચોરી કરતા બીજી વખત ઝડપાઇ ગયા હતા. જે અંગે ચેકિંગ સ્ટાફે જીઇબી સ્ટેશનમાં બીજી ફરિયાદ નોંધાવી હતી.
ત્યારબાદ બીજી ફરિયાદના અનુસંધાને સ્પેશિયલ કોર્ટમાં કેસ ચાલુ થતા પીજીવીસીએલના ફરિયાદી ગોપાલ વિરજીભાઇ પટેલ સાહેદો કલ્પેન્દુ માકડીયા તપાસનીસ અધિકારી એન.એસ યાજ્ઞિક વગેરેની જુબાની માનીને સ્પેશિયલ કોર્ટના જ્જ એ.વી. હિરપરાએ આરોપીને દોષિત ઠેરવ્યા હતા, પરંતુ આ આરોપી મજૂર વર્ગના ગરીબ હોય કુટુંબ પરિવાર સાથે રહેતા હોય માનવીય
અભિગમ અપનાવી દસ દિવસની કેદ અને વીજ ચોરીની રકમ રૂપિયા 19 ની ત્રણ ગણી રકમ એટલે કે રૂપિયા 57 નો દંડ ફટકાર્યો હતો.
ઇન્ડિયન ઇલેક્ટ્રિસિટી એકટ 2003ની કલમ 135માં બીજી વખત વીજચોરીમાં પકડાઈ તેને ત્રણ વર્ષ સુધીની કેદ અને ચોરીની રકમથી છ ગણો દંડ વસુલવાની જોગવાઈ છે. પરંતુ સ્પેશિયલ કોર્ટના જજે વધુ સજા કરવાથી ગરીબ પરિવારને પરેશાની ન થાય એ માટે માનવીય અભિગમ અપનાવ્યો છે. આ કામમાં પીજીવીસીએલ વતી એડવોકેટ જિતેન્દ્ર એમ. મગદાણી રોકાયા હતા.