ગયા વર્ષની સરખામણીમાં સીએસના પરિણામમાં ધરખમ ઘટાડો: ઓલ ઈન્ડિયામાં ૨૧મો રેન્ક પ્રાપ્ત કરનાર અમદાવાદની દેવાંગી શાહે કહ્યું, સોશ્યલ મિડિયાથી દુર રહી મહેનત કરવી જોઈએ.
ધ ઇન્સ્ટિટયુટ ઓફ કંપની સેક્રેટરી ઓફ ઇન્ડિયા દ્વારા લેવાયેલી કંપની સેક્રેટરી (CS) ફાઉન્ડેશન, એક્ઝિક્યુટિવ અને પ્રોફેશનલ પ્રોગ્રામની પરીક્ષાનું પરિણામ જાહેર કરી દેવામાં આવ્યું છે. તેમાં CSપ્રોફેશનલનું પરિણામ માત્ર ૧.૫૧ ટકા આવ્યું હતું. અગાઉ જૂનમાં લેવાયેલી પ્રોફેશનલ પરીક્ષાનું પરિણામ ૬.૪૭ ટકા આવ્યુ હતુ. જેની સામે આ વખતના પરિણામમાં ભારે ઘટાડો નોંધાયો હતો. આ જ રીતે CSએક્ઝિક્યુટિવનું પરિણામ ૪.૨૮ ટકા આવ્યું હતું. અગાઉ આ પરિણામ ૨.૭૮ ટકા હતું. એટલે કે એક્ઝિક્યુટિવની પરીક્ષામાં સામાન્ય વધારો જોવા મળ્યો હતો. CSના છેલ્લા સ્ટેજ ગણાતા પ્રોફેશનલમાં ઓલ ઇન્ડિયામાં માત્ર અમદાવાદની એક વિદ્યાર્થિની દેવાંગી શાહનો ૨૧મો રેંક આવ્યો હતો. અન્ય બે વિદ્યાર્થીઓ પણ પ્રોફેશનલ પ્રોગ્રામની પરીક્ષા પાસ થવાના સફળ રહ્યા હતા પરંતુ તેઓનો ઓલ ઇન્ડિયામાં ટોપ-૫૦માં કોઇ રેંક આવ્યો નથી. ઓલ ઇન્ડિયામાં ઈજ પ્રોફેશનલનું પરિણામ માત્ર ૪.૦૫ ટકા આવ્યુ હતુ. ફાઉન્ડેશનમાં ૨૩૭ વિદ્યાર્થીઓ પૈકી ૧૧૭ પાસ થતાં ૪૯.૩૭ ટકા પરિણામ આવ્યુ હતું.
CSમાં કુલ ત્રણ સ્ટેજમાં જુદા જુદા પ્રોગ્રામ ચલાવવામાં આવે છે. સૌથી પહેલા ફાઉન્ડેશન ત્યારબાદ એક્ઝિક્યુટિવ અને આ બન્ને પ્રોગ્રામ પાસ કરનારા વિદ્યાર્થીઓ છેલ્લે પ્રોફેશનલ પ્રોગ્રામની પરીક્ષા આપતાં હોય છે. એક્ઝિક્યુટિવ મોડ્યુલ એક અને બે એમ, અલગ -અલગ પરીક્ષા લેવામાં આવે છે. કેટલાક વિદ્યાર્થીઓ બન્ને ગ્રુપની એકસાથે પરીક્ષા આપતા હોય છે. ડિસેમ્બર ૧૬માં લેવાયેલી એક્ઝિક્યુટિવ મોડયુલ ૧ની પરીક્ષામાં અમદાવાદ ચેપ્ટરમાંથી ૪૧૭ વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. જે પૈકી ૬૫ પાસ થતાં ૧૫.૫૯ ટકા પરિણામ આવ્યુ હતુ. એક્ઝિક્યુટિવ મોડ્યુલ ૨માં ૩૩૫ વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. જે પૈકી ૭૬ પાસ થતાં ૨૨.૬૯ ટકા પરિણામ આવ્યુ હતુ. આજ રીતે એક્ઝિક્યુટિવ બન્ને મોડ્યુલમાં ૫૩૮ વિદ્યાર્થીઓ પૈકી ૨૩ વિદ્યાર્થીઓ પાસ થતાં ૪.૨૮ ટકા પરિણામ આવ્યું હતું. અગાઉ આ પરિણામ માત્ર ૨.૭૮ ટકા જેટલુ હતુ.
આ જ રીતે પ્રોફેશનલ મોડ્યુલ-૧માં ૫૨૭ વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા જે પૈકી ૭૦ પાસ થતાં ૧૩.૨૮ ટકા પરિણામ આવ્યુ હતુ. મોડ્યુલ ૨માં ૩૭૬ વિદ્યાર્થીઓ પૈકી ૭૧ વિદ્યાર્થીઓ પાસ થતાં ૧૮.૮૮ ટકા, મોડ્યુલ ૩માં ૪૫૬ વિદ્યાર્થીઓ પૈકી ૧૧૩ વિદ્યાર્થીઓ પાસ થતાં ૨૪.૭૮ ટકા પરિણામ આવ્યુ હતુ. પ્રોફેશનલના તમામ મોડ્યુલમાં ૩૩૨ વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. જેમાંથી માત્ર ૫ વિદ્યાર્થીઓ પાસ થતાં ૧.૫૧ ટકા પરિણામ આવ્યુ હતુ. અગાઉ જૂન ૨૦૧૬માં લેવાયેલી પરીક્ષામાં તમામ મોડ્યુલનું પરિણામ ૬.૪૭ ટકા આવ્યુ હતુ. આમ, તમામ મોડ્યુલના પરિણામમાં ધરખમ ઘટાડો નોંધાયો હતો.
CSના છેલ્લા સ્ટેજ પ્રોફેશનલના તમામ મોડ્યુલમાં ઓલ ઇન્ડિયામાં ૨૧માં રેંકમાં આવનારી દેવાંગી શાહ કહે છે હું એસએમપી કોલેજમાં બી.કોમમાં અભ્યાસ કરું છું. CSબાદ એલએલબી કરવાની ઇચ્છા છે. મારી મોટી બહેન CSથઇ છે. એટલે મેં CSકરવાનું પસંદ કર્યું હતું. ફાઉન્ડેશનમાં પણ મારો આઠમો અને એક્ઝિક્યુટિવમાં બીજો રેંક આવ્યો હતો. CSસામાન્ય રીતે મુશ્કેલ હોય છે, પરંતુ ટાઇમ મેનેજમેન્ટ કરીને તૈયારી કરો તો બહુ વાંધો આવતો નથી.CSકરનારા વિદ્યાર્થીઓને કહેવું છે કે ઈજ કે કોઇપણ પ્રકારની પરીક્ષાની તૈયારી કરતા હોઇએ ત્યારે સોશિયલ મીડિયાથી દૂર રહેવું જોઇએ. હું પણ છેલ્લા બે મહિનાથી સોશિયલ મીડિયાથી દૂર રહી હતી. દેવાંગીના પિતા હિતેન્દ્ર શાહ કહે છે મારે બે દીકરીઓ છે. હું પોતે CSકરવા માંગતો હતો આ માટે પ્રયાસ પણ કર્યો હતો પરંતુ સંજોગો અનુકૂળ ન રહેતા CSકરી શકયો નહોતો. મારી બન્ને દીકરીઓને મેં સી.એ અને CSબનાવવાનું નક્કી કર્યુ હતું.