ભાગમાં શરૂ કરેલી ઈનામી ડ્રોની સ્કીમના નાણા ત્રણ મહિલા ઓળવી જતા ત્યકતાએ આપઘાત કર્યો’તો
પ્રેમીએ દાગીના ગીરવે મૂકી લોન મેળવી પૈસા ઓળવી ગયો’તો; મોબાઈલમાં રેકોર્ડીંગ મળતા પૂરાવા તરીકે રજૂ કરાયું
રાજકોટના ભવાનીનગર વિસ્તારમાં રહેતી ત્યકતા યુવતીને ઈનામી સ્કીમનો હીસ્સો નહી આપી ત્રણ મહિલા તેનો ભાગ ઓળવી ગયાની અને પ્રેમીએ તેના દાગીના ગીરવે મૂકી લોન લઈ લીધી હોય જેના ટેન્શનમાં ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધાની ઘટનામાં સવા બે માસ બાદ પોલીસે ગુનો નોંધી આરોપીઓની ધરપકડ કરવાની કાર્યવાહી હાથ ધરી છે.
આ ઘટના અંગેની પોલીસમાંથી મળતી માહિતી મુજબ ભવાનીનગર શેરી 6માં રહેતી ત્યકતા યુવતી દેવીબેન ઉર્ફે હર્ષાબેન માવજી રાઠોડ ઉ.35એ ગત તા.1.6.21ના રોજ સવારે પોતાના ઘરે ગળેફાંસો ખાઈ લઈ આપઘાત કરી લીધો હતો.
આ બનાવ અંગે યુવતીની માતા રંજનબેન માવજી રાઠોડ ઉ.60 એ પોલીસમાં નોંધાવેલ ફરિયાદમાં આરોપી તરીકે ઘાંચીવાડમાં રહેતી અસ્માબેન કાસમાણી, ભવાનીનગરમાં રહેતી શબાનાબેન, ભવાનીનગરમાં રહેતી નુતનબેન ચૌહાણ અને કોઠારીયા રોડ આશાપુરાનગર હુડકોમાં રહેતો પ્રેમી કેતન ઉર્ફે ટીનો ભટ્ટીનું નામ આપ્યું છે.
પોલીસ ફરિયાદમાં જણાવ્યા પ્રમાણે ત્યકતા દેવીબેન ઉર્ફે હર્ષાબેન તેની સહેલી અસ્માબેન કાસમાણી, શબાનાબેન અને નુતનબેન ચૌહાણ સાથે સ્ટાટ ગ્રુપના નામે ઈનામી ડ્રોની સ્કીમ ચલાવતા હોય જે સ્કીમમાં જોડાયેલા સભ્યોને પૈસા ચુકવવાના હોય જેની દેવીબેન ઉર્ફે હર્ષાબેન પાસે સભ્યો પઠાણી ઉઘરાણી કરતા હતા જયારે ત્રણેય આરોપી મહિલા ઈનામી ડ્રોની સ્ક્રીમના રૂપીયા પોતાની પાસે રાખી હિસાબ આપતા નહોય જેના કારણે દેવીબેન છેલ્લા 20 દિવસથી ટેન્શનમાં રહેતી હતી.
બીજી બાજુ ભાઈના મિત્ર કેતન ઉર્ફે ટીના ભટ્ટી સાથે દેવીબેન ઉર્ફે હર્ષાબેનને પ્રેમ સંબંધ હોય જેનો લાભ લઈ કેતને પ્રેમીકાના દાગીના ગીરવે મૂકી લોન મેળવી પૈસા ઓળવી ગયો હોય જેના કારણે આર્થિક ભીંસમાં મૂકાયેલી ત્યકતા યુવતીએ આપઘાત કર્યો હોવાનું જણાવ્યું છે.
ફરિયાદમા વધુમાં જણાવ્યા પ્રમાણે પુત્રીએ આપઘાત કર્યા બાદ તેનો મોબાઈલ ચેક કરતા તેમાંથી આરોપીઓ સાથે થયેલી વાતચીતનું રેકોર્ડીંગ મળી આવ્યું હતુ જે પોલીસ સમક્ષ પુરાવા તરીકે રજૂ કરવામાં આવ્યું છે.