જય વિરાણી, કેશોદ
કેશોદ શહેર તાલુકામાં વસતાં રબારી ભરવાડ,ચારણ અને અનુસુચિત જનજાતિના આગેવાનો દ્વારા મામલતદાર કચેરી ખાતે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. આ આવેદનપત્રમાં મુખ્ય માંગણીઓમાં સરકારી નોકરીઓમાં પસંદગી પામતાં અનુસુચિત જનજાતિમાં સમાવિષ્ટ અન્ય બહુમતી ધરાવતાં સમાજ દ્વારા પાયાવિહોણી રજુઆતો કરી રોળા નાંખવાની પ્રવૃત્તિ સામે આપવામાં આવ્યું છે.
તેમની આ પ્રવૃતિઓને કારણે રબારી ભરવાડ ચારણ સમાજના LRD,GPSC,GSRTC, ITI ઈન્સ્ટ્રકટર અન્ય પરીક્ષાઓમાં ઉત્તિર્ણ થયેલ અંદાજે દોઢસોથી વધારે ઉમેદવારોની નિમણુંક પ્રમાણપત્રો ચકાસણીનાં બહાને રોકવામાં આવી છે. આ આવેદનપત્ર ગુજરાત રાજ્ય સરકાર નાં મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી અને રાજ્યપાલ ને ઉદ્શીને લેખિતમાં રજૂઆત કરી આપવામાં આવ્યું હતું.
પોરબંદર અને ગાંધીનગર ખાતે ૧૧૮ દિવસ સુધી ઉપવાસ આંદોલન કરવામાં આવતાં બે મહિનામાં ઉકેલ લાવવાની ખાત્રી સાથે આંદોલન સ્થગિત કરવામાં આવ્યું હતું પરંતુ આજ સુધી કોઈ પ્રકારની કાર્યવાહી હાથ ધરવામાં આવી નથી. રબારી ભરવાડ ચારણ સમાજને રાજ્ય સરકાર દ્વારા બંધારણીય હક્ક હિતથી વંચિત રાખવાનાં રાજકીય ષડયંત્રનાં માઠાં પરિણામ આવનારી ધારાસભાની ચૂંટણીમાં ભોગવવી પડશે એવી ચિમકી આગેવાનો એ ઉચ્ચારી હતી.