તમામ સાનુકુળતાઓના કારણે છેલ્લા કેટલાંક દિવસથી ભારતીય શેરબજાર તેજીના ટ્રેક પર પુરપાટ ઝડપે દોડી રહ્યું છે. આજે ઉઘડતી બજારે મુંબઈ શેરબજારના બન્ને આગેવાન ઈન્ડેક્ષ સેન્સેકસ અને નિફટીમાં ઉછાળા જોવા મળ્યા હતા. રોલેક્ષનું જોરદાર લીસ્ટીંગ થવાના કારણે બજારમાં તેજીને બળ મળ્યું હતું. સેન્સેકસ જાણે ઝડપથી 55000ની સપાટી હાસલ કરવા માટે તલપાપડ થઈ રહ્યો હોય તેવું લાગી રહ્યું છે.
આજે સોમવારે ઉઘડતી બજારે સેન્સેકસ અને નિફટીમાં મોટા ઉછાળા જોવા મળ્યા હતા. સેન્સેકસે ઈન્ટ્રા-ડેમાં 54584.73ની સપાટી હાસલ કરી લીધી હતી. તો નિફટીએ આજે ઈન્ટ્રા-ડેમાં 16320.75નો નવો હાઈ બનાવ્યો હતો. ગત સપ્તાહથી ચાલી આવતી એકધારી તેજી આજે ઉઘડતી બજારે પણ યથાવત રહેવા પામી હતી. જેના કારણે રોકાણકારોમાં ભારે રાજીપો વ્યાપી જવા પામ્યો છે. બુલીયન બજારમાં આજે મંદીનો માહોલ રહેવા પામ્યો હતો. જ્યારે અમેરીકી ડોલર સામે ભારતીય રૂપિયો 7 પૈસા નબળો પડ્યો હતો.
આજની તેજીમાં બજાજ ફીનસર્વ, ટાઈટન, એમ એન્ડ એમ અને એકસીસ બેંકના ભાવમાં ઉછાળો જોવા મળ્યો હતો. આ લખાય છે ત્યારે 180 પોઈન્ટના ઉછાળા સાથે સેન્સેકસ 54457 અને 51 પોઈન્ટના ઉછાળા સાથે નિફટી 16289 પોઈન્ટ પર કામકાજ કરી રહી છે. જ્યારે અમેરીકી ડોલર સામે ભારતીય રૂપિયો 7 પૈસાની નબળાઈ સાથે 74.23 પર ટ્રેડ કરતો નજરે પડે છે.
રોલેક્ષએ લિસ્ટિંગ સાથે જ રોકાણકારોને “બખ્ખા” કરી દીધા!!
ફોર્જિંગ કંપની રોલેક્ષ રિંગના શેરની ગ્રે માર્કેટમાં જોરદાર માંગ ઉઠી રહી છે. આ જ્યારે લખાઈ રહ્યું છે ત્યારે આજે રોલેક્ષનું લિસ્ટિંગ થતાની સાથે જ 33% વધુ પ્રીમિયમ પર ટ્રેડિંગ થઈ રહ્યું હતું. રોલેક્ષએ તેના શેરની કિંમત રૂ. 900 રાખી છે જ્યારે બજાર ખુલતા જ શેરની કિંમતમાં વધારો થઈને 33%નો ઉછાળો જોવા મળ્યા હતા. હાલ રોલેક્ષના શેરની કિંમત રૂ. 1200 થવા પામ્યા છે.
રોલેક્ષ રીંગના શેરમાં રોકાણ કરનાર રોકાણકારોને રોલક્ષે બખ્ખા કરાવી દીધા છે. હાલ સુધી 33%નો ઉછાળો તો આવ્યો જ છે સાથોસાથ હજુ ઉછાળો આવે અને રોકાણકારોને 50% સુધીનો ફાયદો થાય તેવું નિષ્ણાંતોનું માનવું છે. રોલેક્ષનું આજે એટલે કે 9મી ઓગસ્ટે જ બજારમાં લિસ્ટિંગ થયું છે. રોલેક્ષે બજારમાં કુલ રૂ. 731 કરોડના શેર મુક્યા છે. અગાઉથી જ નિષ્ણાંતોના મત મુજબ રોલેક્ષના શેરના ભાવમાં બમ્પર ઉછાળો આવવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી હતી જે પ્રથમ દિવસે જ સાચી પડતી દેખાઈ રહી છે.