અમરેલી જિલ્લામાં સાવરકુંડલામાં ગઈ કાલે મોડી રાતના એક ગમખ્વાર ઘટના બની હતી જેમાં એક જ પરિવારના 8 સભ્યો મૃત્યુ પામ્યા હતા. આ અકસ્માત સાવરકુંડલાના બાઢડા ગામે થયો હતો જેમાં ઝૂંપડપટ્ટીમાં બેકાબુ ટ્રક ઘુસી જતા એક સાથે ૮ લોકોના મોતથી અરેરાટી મચી ગઇ છે. ઘટના અંગે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પણ ટ્વિટ કરી દુઃખ વ્યક્ત કર્યું હતું અને મૃતકોના પરિવારજનોને રૂ.૪-૪ લાખની સહાય જાહેર કરી છે. ઘટનાની જાણ થતાં પોલીસ તંત્ર તુરંત ઘટના સ્થળ પર દોડી ગયું છે.
આ અંગેની પ્રાપ્ત વિગત મુજબ સાવરકુંડલાના બાઢડામાં મોટી કરુણ ઘટના બની છે. સાવરકુંડલાના બાઢડા નજીક મહુવા તરફ જતા ટ્રકે કાબુ ગુમાવતા બાઢડા પાસે ૮ થી ૧૦ ફૂટ ના ખાડા માં ટ્રક ખાબક્યો હતો. આ દરમિયાન ટ્રક ઝુપડા પરથી પસાર થતા ઝુપડામાં સુઈ રહેલા ૯ લોકોના ઘટનાસ્થળે મોત થયા છે, જયારે ૪ લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે, જેમને ૧૦૮ દ્વારા તમામ ને અમરેલી સિવિલમાં ખસેડવામાં આવ્યા છે. ગઈ રાત્રે ૩ વાગ્યાને સુમારે બનેલી આ ઘટના અને એક સાથે ૮-૮ લોકોના મોતથી સમગ્ર પંથકમાં અરેરાટી મચી ગઈ છે.
અમરેલી જિલ્લામાં આવેલા સાવરકુંડલા તાલુકાના બાઢડા ગામ નજીક રાતે ૩ વાગ્યા આસપાસ ગોજારો અકસ્માત સર્જાયો છે. બાઢડા નજીક રોડની સાઇડમાં આવેલા કેટલાક પરિવારો સૂતા હતા ત્યારે અચાનક ટ્રક આવતાં ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. આ ઘટનામાં બે બાળકો અને બે મહિલા સહિત ૮ લોકોનાં ઘટનાસ્થળે મોત નીપજ્યાં છે અને ૪થી વધુ લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થતાં તેમને સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. આ ઘટનાની જાણ થતાં જ પોલીસકાફલો ઘટનાસ્થળે પહોંચ્યો છે અને તેમણે આગળની તપાસ હાથ ધરી છે.
મહુવા તરફ જઈ રહેલી ટ્રકના ડ્રાઇવરે કાબૂ ગુમાવતાં કાળમુખો ટ્રક ઝૂંપડાં તરફ ધસી ગયો હતો અને ત્યાર બાદ ૮ ફૂટ ઊંડા ખાડામાં ગરકાવ થઈ ગયો હતો, જેમાં રસ્તાની સાઇડમાં ઝૂંપડાં બાંધી ઊંઘી રહેલા લોકો માથે ટ્રક ચડી જતાં એકજ પરિવારના ૪ સભ્યો સહિત કુલ ૮ લોકોના કાળનો કોળિયો બન્યા હતા. જ્યારે અન્ય કેટલાક લોકો ઇજાગ્રસ્ત થતાં તેમને સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. આ ઉપરાંત 12 લોકોને નાની-મોટી ઇજાઓ થઈ હોવાનું પણ સામે આવ્યું છે. આ ઘટનાની જાણ થતાં જ એમ્બ્યુલન્સ ઘટનાસ્થળે પહોંચી હતી અને તમામ ઇજાગ્રસ્તોને સાવરકુંડલા સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડ્યા હતા.
અકસ્માત એટલો કરુણ હતો કે કુલ ૮ મૃતકોમાં એક જ પરિવારના ચાર સભ્યો હોવાનું સામે આવ્યું છે. મૃતકોમાં બે બાળકો, એક મહિલા, ચાર યુવાન અને એક વૃદ્ધ ટ્રક નીચે ચગદાઈ ગયા હતા.
મોડી રાત્રે થયેલા ગોઝારા અકસ્માતની જાણ થતાં પોલીસનો કાફલો દોડી આવ્યો હતો અને ઇજાગ્રસ્તોને સારવાર માટે ખસેડી ટ્રક દ્રાઇવરની શોધખોળ હાથધરી હતી. અકસ્માતના થોડી જ ક્ષણોમાં પોલીસે કાળમુખા ટ્રક દ્રાઇવરની અટકાયત કરી વધુ પૂછતાછ હાથધરી છે.
મુખ્યમંત્રીએ ઊંડા દુ:ખની લાગણી વ્યક્ત કરી: મૃતકોના પરિવારજનોને 4 લાખની સહાય
તાત્કાલિક તપાસ અહેવાલ આપવા કલેકટરને સી.એમ.નો આદેશ
અમરેલી જિલ્લાના સાવરકુંડલાના બાઢડા નજીક એક ટ્રક ઝૂંપડપટ્ટી વિસ્તારમાં ઘૂસી જવાથી થયેલી કમનસીબ ઘટનામાં મૃત્યુ પામેલા લોકો પ્રત્યે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ અત્યંત શોકની લાગણી વ્યક્ત કરી છે. દુ:ખ અને આઘાત સાથે સંવેદના પ્રગટ કરતાં મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ અકસ્માતનો ભોગ બનેલા લોકોને ત્વરિત યોગ્ય મદદ પુરી પાડવા વહીવટીતંત્રને તમામ સૂચનાઓ આપી છે.
મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ પ્રત્યેક મૃતકોના પરિવારજનોને રૂપિયા 4 લાખની આર્થિક સહાયની જાહેરાત પણ કરી છે. મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ આ આખીયે કમનસીબ ઘટનાની તાત્કાલિક તપાસ કરીને અહેવાલ મોકલવા અમરેલી કલેકટર ને આદેશો આપ્યા છે. મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ ઈશ્વર મૃતકોના પરિવારજનોને દુ:ખ સહન કરવાની શક્તિ આપે અને સદગતના આત્માને ચિર શાંતિ આપે એ માટે પ્રાર્થના કરી છે.
અકસ્માતમાં જીવ ગુમાવનાર મૃતકોની યાદી
- વિરમભાઈ છગનભાઇ રાઠોડ (ઉ.વ.35)
- નરસીભાઈ વસનભાઈ સાંખલા (ઉ.વ.60)
- નવઘણભાઈ વસનભાઈ સાંખલા (ઉ.વ.35)
- લક્ષ્મીબેન હેમરાજભાઈ સાંખલા (ઉ.વ.30)
- સુકન હેમરાજભાઈ સાંખલા (ઉ.વ.13)
- પૂજા હેમરાજભાઈ સાંખલા (ઉ.વ.8)
- હેમરાજભાઈ રઘાભાઈ સોલંકી (ઉ.વ.37)
- લાખા ઉર્ફે દાદુ ડાયા રાઠોડ (ઉ.વ.20)