આરતી દરમિયાન યાત્રિકોનો પ્રવેશ બંધ; સાંસ્કૃતિક, આધ્યાત્મિક કાર્યક્રમો યોજાશે નહીં
સોમવાર તથા તહેવારના દિવસોમાં દર્શનનો સમય સવારે 4-00 થી 6-30, 7-30 થી 11-30, બપોરે 12-30 થી 6-30, અને સાયં 7-30 થી રાત્રે 10-00નો રહેશે. બાકીના અન્ય દિવસોમાં મંદિર ખુલવાનો સમય સવારે 05:30 થી 06:30, 7-30 થી 11-30, બપોરે 12-30 થી 6-30, અને સાયં 7-30 થી રાત્રે 10-00 નો રહેશે.
સોમનાથ, જયેશ પરમાર :અરબી સમુદ્ર તટે પ્રભાસક્ષેત્રમાં બિરાજમાન પ્રથમ જ્યોતિર્લિંગ દેવાધિદેવ સોમનાથ મહાદેવ તીર્થધામમાં કોરોના વૈશ્વિક મહામારી અંગેની સરકારની ગાઇડલાઇનના ચુસ્ત અમલ સાથે શ્રાવણ ઉત્સવ ઉજવાશે. આરતી દરમ્યાન યાત્રીકોનો પ્રવેશ બંધ રહેશે. સાંસ્કૃતિક, આદ્યાત્મિક, કાર્યક્રમો યોજવામાં નહીં આવે, દર્શન માટે પાસ લેવો ફરજીયાત છે. પ્રથમ આદિ જ્યોતિર્લિંગ ભગવાન સોમનાથ મહાદેવના સાનિધ્યમાં શ્રાવણ ઉત્સવનો પ્રારંભ સોમવારે થશે અને પૂર્ણાહુતી 6 સપ્ટેમ્બર શ્રાવણ વદ અમાસ ને સોમવારે થશે. ઓનલાઇન પ્રવેશપાસ માટે રજીસ્ટેશન, પૂજાવિધિ જેમાં મહામૃત્યુંજય મંત્રજાપ, યજ્ઞ, ધ્વજારોહણ, શૃંગાર દર્શન પૂજા, સવાલક્ષ બિલ્વપૂજા, પૂજાવિધિઓ શ્રધ્ધાળુઓ ટ્રસ્ટની વેબસાઇટ WWW.SOMNATH. ORG પરથી ઓનલાઇન પૂજાવિધિ નોંધાવી શકશે. વિશેષમાં ઓનલાઇન પૂજાવિધિ નોંધાવનારને ઝુમ એપના માધ્યમથી ઘરેબેઠા પૂજાવિધિનો ઇ-સંકલ્પ કરાવવામાં આવશે. ટ્રસ્ટની વેબસાઇટ પરથી સાગરદર્શન, લીલાવતી, માહેશ્વરી અતિથિભવનોમાં રુમોનું ઓનલાઇન બુકીંગ પણ કરાવી શકાશે. કોરોના વૈશ્વિક મહામારી અંગેની સરકારની ગાઇડલાઇનના ચુસ્ત અમલ સાથે શ્રધ્ધાળુઓને દર્શન માટે આવવા વિનંતી છે. દર્શનાર્થે આવેલા શ્રધ્ધાળુઓએ માસ્ક પહેરવુ, સોશ્યલ ડિસ્ટન્સીંગનુ પાલન કરવું, પોતાનું ટેમ્પ્રેચર ચેક કરાવવું, મંદિરની રેલીંગ ને અડકવું નહિં, બીનજરૂરી ઉભા ન રહેવું, દર્શન લાઇનમાં ચાલતા રહેવું, દર્શન થયા બાદ મંદિર પરિસરમાં ક્યાંય રોકાવું નહિં આ તમામ સુચનાઓનું પાલન ફરજીયાત કરવાનું રહેશે.
શ્રાવણ માસમાં દેશ-વિદેશથી આવતા ભક્તોએ દર્શન માટે અગાઉથી ટ્રસ્ટની વેબસાઇટ WWW.SOMNATH. ORG પરથી પ્રી-રજીસ્ટ્રેશન કરાવી શકશે. જેમાં બહારગામથી આવતા યાત્રીકોને અપીલ છે કે, તેઓ આ લીંક મારફત પોતાના દર્શન માટેનો સ્લોટ (સમય) બુક કરાવીને જ નિયત સમયથી વહેલા પહોચી દર્શનનો લ્હાવો આ માધ્યમથી લઇ શકાશે. શ્રાવણ માસ દરમ્યાન ભક્તો સોશ્યલ મીડીયાના માધ્યમથી દર્શન અને આરતી સાથે સુર આરાધના- સત્સંગ સહિતના કાર્યક્રમોનો લ્હાવો લઇ શકે તે માટે ટ્રસ્ટના ફેસબુક Somnath Temple Official – ટ્વીટર SomnathTemple યુટ્યુંબ SomnathTemple-Official Channel ઇન્સ્ટાગ્રામ Somnath Temple Official વોટ્સએપ તથા ટેલીગ્રામમાં 97260 01008-સોમનાથ યાત્રા મોબાઇલ એપ્લીકેશન-ટ્રસ્ટની વેબસાઇટ WWW. SOMNATH .ORG પરથી મળી રહે તે માટે મંદિરની આઇટી ટીમ દ્વારા વિશેષ વ્યવસ્થા ગોઠવવામાં આવનાર છે.
ભાલકાતીર્થી, ગીતા મંદિર, ગોલોકધામ તીર્થ ખાતે શ્રાવણ પર્વે શ્રાવણ સુદ એકમથી શ્રાવણ વદ અમાસ સુધી વિશિષ્ટ હિંડોળા દર્શનનું ધાર્મિક આયોજન કરવામાં આવેલ છે. આ હિંડોળા દર્શન માટે ભક્તજનો નિયત કરેલ ન્યોછાવર આપી યજમાન બનવાનો લાભ લઇ શકશે.શ્રાવણ માસ દરમ્યાન દરરોજ ભગવાન સોમનાથ મહાદેવને વિશિષ્ટ શૃંગારોથી અલગ-અલગ શણગાર કરવામાં આવશે, આ શૃંગારના નિયત કરેલ ન્યોછાવર આપી ભક્તજનો યજમાન બનવાનો લાભ લઇ શકશે. શ્રાવણમાસ દરમ્યાન મહામૃંત્યુંજય યજ્ઞમાં યાત્રીકો હોમ કરી લાભ લઇ શકશે.શ્રાવણમાં કરો સોમનાથ મહાદેવને સુવર્ણનો અભિષેક સોમનાથ ટ્રસ્ટ દ્વારા આ પ્રોજેક્ટ અંતર્ગત સોમનાથ મંદિર પર 1457 કળશો નાના-મોટા-મધ્યમ છે, જેને સુવર્ણમંડીત કરવાના છે, જેમાં સહભાગી થવા મંડળે ભક્તજનોને અપીલ કરી છે.
વૃદ્ધો અશક્ત યાત્રીકો, દિવ્યાંગો માટે પાર્કિંગ ખાતે થી સોમનાથ મંદિર સુધી પહોચવા વિશેષ નિ: શુલ્ક વાહન વ્યવસ્થા સોમનાથ ટ્રસ્ટ તરફથી ગોઠવવામાં આવશે. વ્હીલચેર-ઇરીક્ષા-હેલ્પડેસ્ક સહીત અનેક સવલતોનો યાત્રીઓ લાભ લઇ શકશે. શ્રાવણ માસ દરમ્યાન સ્વચ્છતા, યાત્રીસુવિધા, ટ્રાફીક નિયમન વિગેરે જળવાય તેમજ દેશ પરદેશથી આવતા યાત્રીકોને શાંતિપુર્ણ રીતે દર્શન થાય તેવી વ્યવસ્થા સ્થાનીક જીલ્લા વહિવટી તંત્ર, જીલ્લા પોલિસ તંત્ર, નગરસેવા સદનના સહયોગથી ગોઠવવામાં આવેલ છે.કોરોના વૈશ્વિક મહામારીને કારણે શ્રધ્ધાળુઓને ખાસ અપીલ કરવામાં આવે છે કે, સરકારની ગાઇડલાઇનનું ચુસ્ત પાલન કરવું, તેમજ સોમનાથ ટ્રસ્ટ, પોલીસ વિભાગ, જીલ્લાવહિવટી તંત્ર દ્વારા સોશ્યલ ડીસ્ટન્સીંગ જાળવીને જે દર્શનની વ્યવસ્થા ગોઠવવામાં આવેલ છે, તેનો ચુસ્ત અમલ સાથે દર્શનનો લાભ લેવા અનુરોધ કરાયો છે. સુરક્ષા વ્યવસ્થા સુદ્રઢ રીતે જળવાઇ રહે તેવા શુભ હેતુથી સોમનાથ મંદિર તેમજ અહલ્યાબાઇ મંદિર દર વર્ષની જેમ આ વર્ષે પણ દરવર્ષની જેમ સોમવાર તથા તહેવારોના દિવસોએ સવારના 4-00 વાગ્યે ખોલવામાં આવશે. તેમજ આ સીવાયના દિવસોએ શ્રાવણ માસમાં મંદિર 5-30 વાગ્યે ખોલવામાં આવશે.
સમય | કાર્યક્રમ | સમય | કાર્યક્રમ |
પ્રાત: 6-15 | પ્રાત: મહાપુજન પ્રારંભ | 11-00 | મધ્યાન્હ મહાપૂજા, મહાપૂજન, મહાદુગ્ધ અભિષેક |
7-00 | પ્રાત: આરતી (15 મીનીટ) | 12-00 | મધ્યાન્હ આરતી (15 મીનીટ) |
7-45 | સવાલક્ષ બિલ્વાર્ચન | સાયં 5 થી 8-00 | સાયં શૃંગાર દર્શન, દિપમાળા |
9-00 | યાત્રીકો દ્વારા નોંધાવેલ,રૂદ્રપાઠ, મૃત્યુંજય પાઠ | 7-00 | સાયં આરતી(15 મીનીટ) |