અપહરણ અને ખંડણીની ફરિયાદ નોંધાવતા ખુની હુમલો કર્યાની કબુલાત
રાજકોટની ભાગોળે આવેલા ફાળદંગ ગામે પટેલ દંપતિ પર ખૂની હુમલો કરવાના ગુનાના મુખ્ય સુત્રધાર શિવકુ વાળા સહિત ત્રણ શખ્સોને કુવાડવા રોડ પોલીસ મથકના સ્ટાફે ઝડપી લઇ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસ પ્રાપ્ય વિગતો મુજબ શહેરના કુવાડવા રોડ નજીક આવેલા ફાળદંગ ગામે રહેતા વલ્લભભાઇ ભગવાનભાઇ ખૂંટ નામના પ્રાૌઢ ખેડૂત અને તેનાપત્ની હેમીબેન ઉપર ગત તા.25 જુલાઈના રોજ પોતાના ઘરે હતા ત્યારે ફાળદંગ ગામના શિવકુ વાળા, મહિપત ચાવડા અને ત્રણ અજાણ્યા શખ્સોએ પાઇપ અને ધોકાથી જીવલેણ હુમલો કર્યાની કુવાડવા રોડ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.
પોલીસની પ્રાથમિક વિગતમાં વલ્લભભાઇ પટેલનું શિવકુ વાળા અને તેના મિત્રએ એકાદ માસ પૂર્વે અપહરણ કરી રૂપિયા 3.85 લાખની ખંડણી વસૂલ કરવાના ગુનામાં ધરપકડ કરી અને જેલમાં ધકેલ્યો હતો. જે ગુનાનો શિવકુવાળાએ ખાર રાખી તેના સાગરીતો સાથે પટેલ દંપતિના ઘરમાં ઘૂસી હુમલો કર્યાનું બહાર આવ્યું હતુ.
આ ગુનાની ગંભીરતા લઇ કુવાડવા રોડ પોલીસ મથકના પી.આઇ. એન. એન. ચુડાસમાં અને પી.એસ.આઇ પી. જી. રોહડીયા સહિતના સ્ટાફે શિવકુ વાળાના સાગરીત મોઇન ઉર્ફે ટકો સત્તાર ચૌહાણ અને મહિપત વજા ચાવડાની ધરપકડ કરી હતી.
જ્યારે શિવકુ વાળા સહિત નાસતા ફરતા ત્રણ શખ્સોને ઝડપી લેવા શિવકુ વાળાના આશ્રય સ્થાનો પર દરોડા પાડી જેમાં ચોક્કસ બાતમીના આધારે શિવરાજ ઉર્ફે શિવકુ ધીરુભાઇ વાળા, ચોટીલાના ફુલજર ગામનો કુલદીપ ઉર્ફે લંગડો મેરુભાઇ વિકમાં અને વૈશાલીનગરના મંગળુભાઇ દનકુભાઇ ખાચરની ધરપકડ કરી પોલીસે આકરી પૂછપરછ હાથ ધરી છે.ઝડપાયેલા શિવરાજ વાળા તાજેતરમાં જ વલ્લભભાઇ પટેલ પાસે ખંડણી વસૂલવાના ગુના સહિત ચાર ગુનામાં સંડોવાયેલો છે.
તેમજ કુલદીપ વિકમા સામે દારૂના બે ગુના અને મંગળુ ખાચર સામે એ ડીવીઝન પોલીસ મથકમાં એક ગુનો નોંધાયો છે. આ બનાવની કામગીરી એ.એસ.આઇ. હિતેન્દ્રસિંહ ઝાલા, હિતેશભાઇ ગઢવી, અરવિંદભાઇ મકવાણા અને વિરેન્દ્રસિંહ ઝાલા સહિતનો સ્ટાફે બજાવી હતી.